1 ઓક્ટોબરના મહત્વના સમાચારઃ મોરબી કેનાલરોડ પર આગથી બળી ગયેલ કારમાંથી પિસ્તોલ-રોકડ મળી

|

Oct 01, 2024 | 8:34 PM

આજે 1 ઓકટોબરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

1 ઓક્ટોબરના મહત્વના સમાચારઃ મોરબી કેનાલરોડ પર આગથી બળી ગયેલ કારમાંથી પિસ્તોલ-રોકડ મળી

Follow us on

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે અંતિમ તબક્કાનું મતદાન છે. દેશના 3 પૂર અસરગ્રસ્ત રાજ્યોને કેન્દ્રએ સહાયની જાહેરાત કરી છે. ગુજરાતને 600 કરોડની રાહત આપવામાં આવશે. મણિપુરને 50 કરોડ અને ત્રિપૂરાને 25 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.  આજે નર્મદા ડેમ છલકાશે. નર્મદા ડેમ મહત્તમ જળસપાટીની લગોલગ છે. CM ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણા કરશે.  ગોંડલ સ્ટેટ અંગેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. ગોંડલ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન થયું હતુ.  સુરેન્દ્રનગરના લખતરના ઢાંકી ગામે ફાયરિંગમાં 12 વર્ષના બાળકનું મોત થયુ છે,તો 2 ઇજાગ્રસ્ત થયા છે. દેશી બંદૂકથી ફાયરિંગનું અનુમાન છે. પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. બોગસ કોલ સેન્ટર મુદ્દે CBIએ મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદે ધમધમતા 4 કોલ સેન્ટર વિરૂદ્ધ FIR નોંધી છે. 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Oct 2024 08:09 PM (IST)

    જમઝીર ધોધ ખાતે રીલ બનાવનાર અભિનેત્રી જીલ જોષી સામે નોંધાયો ગુન્હો

    જમઝીર ધોધ ખાતે રીલ બનાવનાર અભિનેત્રી જીલ જોષી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ જમઝીરના ધોધ ખાતે પ્રતિબંધ હોવા છતા રીલ બનાવી હતી અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ અંગે

  • 01 Oct 2024 07:37 PM (IST)

    મોરબી કેનાલરોડ પર આગથી બળી ગયેલ કારમાંથી પિસ્તોલ-રોકડ મળી

    મોરબી કેનાલ રોડ પર કારમાં આગ લાગતા એક વ્યક્તિનુ મોત થયું હતું. પોલીસે મૃતકની ઓળખ 39 વર્ષીય અજય ગોપાણી તરીકે કરી છે. આગને કારણે બળી ગયેલ કારમાંથી ફાયર બ્રિગેડના જવાનોને રોકડ રકમ તથા પિસ્તોલ મળી આવી છે.  કારમાંથી ફાયર વિભાગને લાખોની રોકડ, સોનાનો ચેન અને વિટી, 8 જેટલા મોબાઈલ અને એક પિસ્તોલ મળી છે. જે મૃતકના સગાને સુપરત કરવામાં આવી છે.


  • 01 Oct 2024 06:48 PM (IST)

    ઘાટલોડિયામાં ખુલ્લેઆમ તલવાર બતાવી ભય ફેલાવનાર 4 આરોપી 7 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર

    અમદાવાદના ઘાટલોડીયામાં આવેલા ચાણક્યપુરી વિસ્તારમાં શિવમ આર્કેડમાં તોડફોડ અને મારામારી કરનાર આરોપીને કોર્ટે 7 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પકડેલા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ માંગતા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ લોકો તલવારો લઈને ખુલ્લે આમ આવ્યા હતા. આરોપીઓએ તહેવારના સમયમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. દારૂ મળવો એ ગંભીર બાબત છે. આ ગુજરાત છે, જે શાંતિપ્રિય રાજ્ય છે. આરોપીઓ પાસેથી હજુ 6 લોકોના નામ નંબર નથી આપ્યા. બચાવપક્ષે વકીલે રજૂઆત કરી હતી કે, ઘાટલોડિયા એ CM નો મત વિસ્તાર છે, માટે આને મોટું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ઉપરથી પ્રેશર આપવામાં આવી રહ્યું છે. કમિશનર અને અન્ય અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ એ પણ અનેક સવાલો ઉભા કરે છે. બનાવ બન્યો ત્યારે સોલા પોલીસ શું કરતી હતી?

  • 01 Oct 2024 06:35 PM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં સાંજના 5 વાગ્યા સુધી 65.48 ટકા મતદાન

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં સાંજના 5 વાગ્યા સુધી 65.48 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધીમાં ઉધમપુર મતદાનની બાબતમાં સૌથી આગળ છે. સાંજના 5 વાગ્યા સુધી મળેલા આંકડા અનુસાર અહીં 72.91 ટકા મતદાન નોંધાયું હતું. કઠુઆમાં 70.53 ટકા, બાંદીપોરામાં 63.33 ટકા, બારામુલ્લામાં 55.73 ટકા, જમ્મુમાં 66.79 ટકા, કુપવારામાં 62.76 ટકા, સાંબામાં 72.41 ટકા મતદાન નોંધાયું છે. જો કે મતદાન સંપન્ન થયાના આખરી આંકડા મોડી રાત્રીએ આવે તેવી સંભાવના છે.

  • 01 Oct 2024 06:23 PM (IST)

    સાવરકુંડલાના મોટા ઝીંઝુડા શિવકુમારી આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ

    અમરેલીના સાવરકુંડલા તાલુકામાંં આવેલ મોટા ઝીંઝુડા શિવ કુમારી આશ્રમના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી હતી. 30 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેમને પીએચસી સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.
    આશ્રમ સંચાલકના જણાવ્યા મુજબ કારેલાનું શાક ખાધા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. 20 જેટલા બાળકોને મોટા ઝીંઝુડા પીએચસી સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્રણેક બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર વધુ હોવાથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 01 Oct 2024 06:10 PM (IST)

    પાટણના હારીજ નજીક અકસ્માતમાં 3ના મોત, 7 ગંભીર

    પાટણના હારીજ નજીક અકસ્માતમાં 3ના મોત થયા છે. ટ્રેલર અને પેસેન્જર ભરેલી કાર વચ્ચે વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં સવાર મુસાફરો દુર સુધી ફંગોળાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 7 થી વધુ મુસાફરો ગંભીર હોવાનુ સામે આવ્યું છે. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

     

  • 01 Oct 2024 05:49 PM (IST)

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળતી તથા તોશાખાનામાં જમા થતી ભેટ-સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરાયું

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમ્યાન મળતી ભેટ-સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવા આવી ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલનું ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ હતું. હવે, મુખ્યમંત્રીને મળતી આવી ભેટ-સોગાદોનું ઈ-હરાજી દ્વારા પારદર્શક ઓનલાઈન વેચાણ કરીને કન્યા કેળવણી નિધિ માટે યોગદાન મેળવવાના હેતુથી રાજ્ય સરકારે https://cmgujmemento.gujarat.gov.in ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યુ છે.

  • 01 Oct 2024 04:55 PM (IST)

    રૂપાણી સરકાર સામે આક્ષેપ કરનારા MLA સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં બિનશરતી માફી માંગી

    ગુજરાતના પૂર્વ  મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર ધારાસભ્ય સી જે ચાવડા ( જે તે વખતે કોંગ્રેસમાં હતા. આજે ભાજપમાં છે.) શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ, કોર્ટની બિનશરતી માફી માંગી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિજય રૂપાણી સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા, વિજય રૂપાણીએ ત્રણેય સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો. જે અંગેના કેસમાં ધારાસભ્યોએ કોર્ટમાં કહ્યું કે, માત્ર રાજકારણના ભાગરૂપે નિવેદન કરાયું હતું. અમારી પાસે આના કોઈ આધાર પુરાવા નથી. આ અમારી ભૂલ હતી.

  • 01 Oct 2024 04:44 PM (IST)

    મહેસાણાના વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો

    મહેસાણાના વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. તરવૈયા દ્વારા મૃતદેહ બહાર કઢવામાં આવ્યો છે. જેને લઈને વડનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ગતરોજ વડનગર પોલીસમથકે કિશોર ગુમ થવાની જાણવાજોગ ફિયાદ દાખલ થઇ હતી. મૃતક કિશોરની ઓળખ શેખ અનસખાન અને વડનગર શહેરનો જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

  • 01 Oct 2024 04:28 PM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં બપોરે 3 વાગ્યા સુધી 56.01 ટકા મતદાન

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 56.01 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધી બાની વિધાનસભા બેઠક મતદાનની બાબતમાં સૌથી આગળ છે. બપોરે 3 વાગ્યા સુધી અહીં 52.96 ટકા મતદાન નોંધાયું હતું.

  • 01 Oct 2024 04:22 PM (IST)

    ગાંધીનગરમાં ત્રિનેત્રથી પોલીસ નવરાત્રીમાં રાખશે સતત નજર

    ગાંધીનગરમાં નવરાત્રીમાં પોલીસની ‘તીસરી આંખ’ દ્વારા સતત ચાંપતી નજર. ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ કરશે મોનિટરિંગ. 10,000 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસનું સતત રહેશે પેટ્રોલિગ. 7200 સીસીટીવી કેમેરાથી તમામ ગતિવિધિઓ પર રાખવામાં આવશે નજર. 19 થી વધુ ડ્રોન કેમેરા કાર્યરત રહેશે. શંકાસ્પદ વાહનો પર પોલીસની નજરથી બાકાત નહીં રહે. આયોજકો માટે તૈયાર કરાયેલી ગાઈડ લાઈનનું પાલન થાય છે કે નહીં એનું પણ મોનીટરીંગ કરાશે. ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી સતત  મોનીટરીંગ કરાશે. પ્રોજેકટ ‘ત્રીનેત્ર’ થી પોલીસ નવરાત્રીમાં ચાંપતી નજર

  • 01 Oct 2024 03:50 PM (IST)

    વિદ્યાર્થીને મારનાર માધવ સ્કુલના શિક્ષકની વટવા પોલીસે કરી ધરપકડ

    વટવા વિસ્તારમાં આવેલ માધવ સ્કુલના શિક્ષકે, વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટનામાં પોલીસે, શિક્ષકની ધરપકડ કરી છે. વિદ્યાર્થીને માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે વિદ્યાર્થીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વટવા પોલીસે શિક્ષક, અભિષેક પટેલની ધરપકડ કરી છે.

  • 01 Oct 2024 02:49 PM (IST)

    નવરાત્રી દરમિયાન જાહેર થઈ શકે છે રાજ્ય સરકારનું રાહત પેકેજ

    કેબિનેટ બેઠકમાં રાહત પેકેજ અંગે ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. હજુ કેટલાક વિસ્તારોમાં સર્વેની કામગીરી બાકી છે. સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સીએમએ તાકીદ કરી છે. ચોમાસુ પૂર્ણ થતાં, વિધાનસભાના નવા બજેટ સત્રની તૈયારીઓ કરવા સીએમએ કેબિનેટમાં મંત્રીઓ તથા અધિકારીઓને સૂચના આપી છે. રસ્તાના ખાડા હજુ ભરાયા નથી તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવા પણ તાકીદ કરાઈ છે. નવરાત્રીમાં લાઉડ સ્પીકરના નિયમોનું પાલન કરવા અંગે પણ સૂચના અપાઈ છે.

  • 01 Oct 2024 02:31 PM (IST)

    ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સંપૂર્ણ ભરાયો

    ગુજરાતની સાડા છ કરોડ જનતા માટે ખુશીના સમાચાર  સામે આવ્યા છે. ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા છે. કેવડિયામાં વિધિવત રીતે નીરના વધામણા કરાયા છે.

  • 01 Oct 2024 02:09 PM (IST)

    અમદાવાદ : વટવામાં વિદ્યાર્થીને ઢોર મારની ઘટના શિક્ષણ પ્રધાને વખોડી

    અમદાવાદના વટવામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટનાને શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયાએ ઘટનાને વખોડી છે. વિદ્યાર્થી સાથે શિક્ષકની ક્રૂરતા માફીને લાયક નહીં હોવાનું તેમણે જણાવ્યુ છે. વધુમાં તેમણે કહ્યુ કે ઘટનાને છૂપાવવાનો પ્રયાસ કરનાર આચાર્યને પણ મોકૂફ કરાયા છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના વર્તન અંગે તમામ શાળા તપાસ કરે.

  • 01 Oct 2024 02:05 PM (IST)

    સુરેન્દ્રનગર: લીંબડીમાં ગરીબ કલ્યાણ લોકમેળામાં હોબાળો

    સુરેન્દ્રનગર: લીંબડીમાં ગરીબ કલ્યાણ લોકમેળામાં હોબાળો થયો છે. લોકમેળામાં લાભાર્થીઓએ હોબાળો કરી આક્ષેપ કર્યા છે. લાભાર્થીઓને મળતી કીટ અધૂરી અને ગુણવત્તા વિનાની હોવાના આક્ષેપ છે. નિયમો મુજબ ચીજ-વસ્તુઓ નહીં મળી હોવાની રાવ છે. લોકોએ અપૂરતી કીટ સ્વીકારવા ઇનકાર કર્યો છે.

  • 01 Oct 2024 02:03 PM (IST)

    યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર

    યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. આસો નવરાત્રીને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે.

  • 01 Oct 2024 02:02 PM (IST)

    સોમનાથમાં દબાણો હટાવવા પર અસદુદ્દીન ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ

    સોમનાથમાં દબાણો હટાવવા પર AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે. દબાણો હટાવવાના વિરોધમાં અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કર્યુ છે. સરકારની કામગીરી સામે ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે. ધ્વસ્ત કરાયેલી ઈમારતો રક્ષિત હોવાનો ઓવૈસીએ દાવો કર્યો છે. તોડી પડાયેલી પ્રાચીન ઈમારતોની તસવીર ઓવૈસીએ પોસ્ટ કરી છે. દરગાહ અને રક્ષિત સ્મારકને દબાણ જણાવી તોડી દેવાયા હોવાનું જણાવ્યુ છે.

  • 01 Oct 2024 01:59 PM (IST)

    ભારતની બાંગ્લાદેશ સામે ઐતિહાસિક જીત

    ભારતની બાંગ્લાદેશ સામે ઐતિહાસિક જીત મળી છે. ભારતે 2-0થી પ્રવાસી ટીમને હાર આપી છે. ભારતે સતત 25મી ક્લિનસ્વીપ કરી ઇતિહાસ રચ્ચો છે. ભારતનો બીજી ટેસ્ટમાં ભવ્ય વિજય થયો છે. બાંગ્લાદેશ સામે 7 વિકેટે ભારતનો વિજય થયો છે.

  • 01 Oct 2024 12:37 PM (IST)

    ભરૂચની અંકલેશ્વર સબજેલમાં ચેકિંગમાં મળ્યા ફોન

    ભરૂચની અંકલેશ્વર સબજેલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં મોટો ખુલાસો થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં પાંચ મોબાઈલ ફોન મળ્યાં છે. હાઈપ્રોફાઈલ આરોપીઓ પાસેથી ફોન મળતા અનેક સવાલો ઉઠ્યાં છે. જેલરની કેબિનમાં પણ મોબાઈલ હોવાનું ખુલતા વધુ તપાસ શરૂ કરાઈ છે.

  • 01 Oct 2024 12:35 PM (IST)

    અમદાવાદ: વિદ્યાર્થીને ઢોર માર મારવા મામલે કાર્યવાહી

    અમદાવાદ: વિદ્યાર્થીને ઢોર માર મારવાનો મામલે શિક્ષણમંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. DEO ટીમ માધવ પબ્લિક સ્કૂલની મુલાકાત લઈ સંચાલકોને મળી હતી.
    વિદ્યાર્થીને બેરહેમી પૂર્વક માર મારવાની ઘટના શરમનજક હોવાનું DEOએ જણાવ્યુ છે. સાથે જ માધવ પબ્લિક સ્કૂલને રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે.

  • 01 Oct 2024 11:07 AM (IST)

    સુરેન્દ્રનગરમાં 765 કેવી વીજલાઇનની કામગીરીને લઇને ખેડૂતોમાં રોષ

    સુરેન્દ્રનગરમાં 765 કેવી વીજલાઇનની કામગીરીને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી લાકડીયા વચ્ચે વીજલાઇનની કામગીરી થાય છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં 45 ગામોના ખેડૂતો એકઠા થયા. ખેડૂતોને પૂરતું વળતર ન આપ્યું હોવાનો આરોપ છે. ખેતરોમાં નુકસાન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે. ખેડૂતોને કેટલુ વળતર આપાશે તેની પણ કંપનીએ વિગતો ન આપી. વળતર જાહેર કરી કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.

  • 01 Oct 2024 11:04 AM (IST)

    રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી મામલે વિવાદ

    રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી મામલે વિવાદ સર્જાયો છે. 10 પ્રોફેસરો અને એક એસોસીએટ પ્રોફેસરને રાતોરાત ભરતીના ઓર્ડર આપ્યા છે. યુનિ.એ બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વિના જ ભરતી કરી દીધી હોવાનું સામે આવ્યુ છે. એક વર્ષ અગાઉ ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. વિવાદ સર્જાતા પ્રોફેસરોની ભરતી પડતી મૂકવામાં આવી હતી. પરંતુ એક વર્ષ બાદ રાતોરાત પ્રોફેસરોની ભરતી કરવામાં આવી. લાગતા વળગતાઓને પ્રોફેસર તરીકે લીધા હોવાનો આરોપ છે.

  • 01 Oct 2024 10:13 AM (IST)

    રાજકોટઃ નવી જ બનેલી એઈમ્સમાં છતનો એક ભાગ ધરાશાયી

    રાજકોટઃ નવી જ બનેલી એઈમ્સમાં છતનો એક ભાગ ધરાશાયી થયો છે. હોસ્પિટલમાં કેન્ટિનના ભાગે POPની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. ભેજને કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.  પડી ગયેલો ભાગ રીપેર કરવામાં આવ્યો હોવાનો દાવો છે.

  • 01 Oct 2024 09:42 AM (IST)

    બોલિવુડ એકટર ગોવિંદાને પગમાં વાગી ગોળી

    બોલિવૂડ એક્ટર ગોવિંદા વિશે મંગળવારે સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં તેને પગમાં ગોળી વાગી છે અને આ ગોળી તેની પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ચલાવવામાં આવી છે. આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી અને તે કોઈ કામ માટે બહાર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ફાયરિંગ થયુ હતું.

  • 01 Oct 2024 08:20 AM (IST)

    સુરતઃ રોકાણના નામે છેતરપિંડી કરનારની ધરપકડ

    સુરતઃ રોકાણના નામે છેતરપિંડી કરનારની ધરપકડ થઇ છે. બ્લોક ઓરા કોઇનના નામે રોકાણ કરાવી છેતરપિંડી આચરી છે. ઈકો સેલે આરોપીની ધરપકડ કરી છે. રોકાણકારોને વળતર ન આપી છેતરપિંડી આચરી હતી. આરોપીએ 13 જેટલી આઇડીઓ જનરેટ કરાવી કુલ રૂપીયા 51 લાખનું રોકાણ કરાવ્યું હતું.

  • 01 Oct 2024 08:18 AM (IST)

    ગાંધીનગર: મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

    ગાંધીનગર: મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદે ચર્ચા કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં આગામી નવરાત્રિ તહેવાર મુદ્દે ચર્ચા કરવામાં આવશે. નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ચર્ચા થશે. કેબિનેટ બેઠકમાં અમિત શાહના ગુજરાત પ્રવાસ મુદ્દે ચર્ચા થશે. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદના કારણે થયેલ નુકસાની મુદ્દે ચર્ચા થશે. કેબિનેટમાં શિક્ષણ, મહેસુલ, આરોગ્ય જેવા મુદે ચર્ચા થશે. ગાંધી જન્મજંયતિ કાર્યક્રમ અને ખાદી ખરીદી અને વેચાણના આયોજન મુદ્દે ચર્ચા થશે.

  • 01 Oct 2024 08:17 AM (IST)

    ગુલામ નબી આઝાદે પોતાનો મત આપ્યો

    ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જમ્મુમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યુ.

  • 01 Oct 2024 07:31 AM (IST)

    હરિયાણાના પલવલમાં આજે પીએમ મોદીની રેલી

    PM મોદી આજે 23 વિધાનસભા બેઠકોના મતદારોને સંબોધિત કરશે, જેમાં પલવલની ત્રણ, ફરીદાબાદની છ, નૂહની ત્રણ, ગુરુગ્રામની ચાર, રેવાડીની ત્રણ અને મહેન્દ્રગઢની ચાર બેઠકોના તમામ ઉમેદવારો તેમની સાથે મંચ પર હશે.

  • 01 Oct 2024 07:31 AM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં 7 જિલ્લાની 40 બેઠકો પર ચૂંટણી

    જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા અને છેલ્લા તબક્કા માટે મતદાન થશે. આ મહત્વપૂર્ણ તબક્કામાં સાત જિલ્લાઓ, જમ્મુ વિભાગના જમ્મુ, ઉધમપુર, સાંબા અને કઠુઆ અને કાશ્મીર વિભાગના બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડામાં કુલ 40 બેઠકો માટે મતદાન થશે.

  • 01 Oct 2024 07:30 AM (IST)

    અભિનેતા રજનીકાંતની તબિયત લથડી

    તમિલનાડુ: અભિનેતા રજનીકાંતને સોમવારે મોડી રાત્રે ચેન્નાઈની એપોલો ગ્રીમ્સ રોડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કર્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

  • 01 Oct 2024 07:29 AM (IST)

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે અંતિમ તબક્કાનું મતદાન

    જમ્મુ કાશ્મીર ચૂંટણી: બહુવિધ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર 21 માટે તૈયારીઓ ચાલી રહી છે, આ બેઠક પરથી કોંગ્રેસે તરનજીત સિંહ ટોનીને, પીડીપીએ વરિન્દર સિંહને અને ભાજપે વિક્રમ રંધાવાને મેદાનમાં ઉતાર્યા છે.

Published On - 7:28 am, Tue, 1 October 24