આજે 30 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામમાં પાનમ કોતર પર નવા ચેકડેમના નિર્માણને લઈને વિવાદ સર્જાયો.અગાઉ બનેલા ચેકડેમની બાજુમાં જ 62 લાખના ખર્ચે નવા ચેકડેમનું કામ શરૂ થતા કેટલાક લોકોએ આક્ષેપ કર્યો છે કે સરકારી નાણાંનો ગેરઉપયોગ થઈ રહ્યો છે અને માત્ર સરકારી ગ્રાન્ટના નાણાં વાપરવા માટે ચેકડેમની જરૂરિયાત ન હોવા છતાં નિર્માણ થઈ રહ્યું છે. નવા ચેકડેમનો વિરોધ કરનારા પક્ષનો દાવો છે કે જ્યારે જૂનો ચેકડેમ હજુ પણ ઉપયોગમાં છે ત્યારે નવા ચેકડેમની જરૂરિયાત શું ? શું આ માટે યોગ્ય ટેકનિકલ સર્વે કરવામાં આવ્યો હતો કે પછી માત્ર ઉપલબ્ધ ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે જ કામ મંજૂર કરવામાં આવ્યું ?..ગામના જ એક યુવકે આ મુદ્દે કલેક્ટરને અરજી કરીને રજૂઆત કરી છે કે. નવા ચેકડેમની કોઈ જરૂર નથી., યુવકનો દાવો છે કે નવા ચેકડેમથી ચોમાસામાં પાણી ગામ તરફ વળશે અને નુક્સાન થશે.
રાજકોટમાં લુખ્ખા તત્વો પોલીસને પડકાર આપતા હોય તેમ અવારનવાર જાહેરમાં મારામારીની ઘટના ઘટતી હોય છે. આવો જ બનાવ કોઠારિયા વિસ્તારમાં બન્યો. જ્યાં શિવશક્તિ હોટલ પર કેટલાક યુવકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ. જૂની અદાવતનો ખાર રાખીને હુમલો કરાયો હતો. પહેલા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને યુવકોએ છૂટાહાથે મારામારી કરી. સીસીટીવીમાં યુવકો એકબાજી પર છૂટાહાથે મારામારી કરતા નજરે પડે છે. મારામારીની ઘટના બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ આપવાનું ટાળ્યુ હતું.
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ગાંઠિયાના સ્ટોલ પર લુખ્ખા શખ્સે ભારે આતંક મચાવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં માથાભારે શખ્સ દુકાનદાર સાથે મારામારી કરતો નજરે પડે છે. આરોપી ગાંઠિયાના સ્ટોલ પર નાસ્તો કરવા માટે આવ્યો હતો અને નાસ્તા અંગે દુકાનદાર સાથે પહેલા માથાકૂટ કરી અને પછી આ શખ્સે દુકાનદારને અપશબ્દો કહીને મારામારી કરી હતી. વાયરલ વીડિયાના આધારે પોલીસે આતંક મચાવનારા શખ્સને ઝડપીને કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસની કાર્યવાહી બાદ શખ્સે માફી પણ માગી હતી.
જામનગરના ખંભાળિયા બાયપાસ નજીક મહિલાઓએ ચક્કાજામ કર્યો. પ્રાથમિક સુવિધાઓના અભાવે રસ્તા રોકો આંદોલન કરી મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આપને જણાવી દઈએ કે સ્થાનિકોના કહ્યા પ્રમાણે ન્યૂ જામનગરમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. પીવાનું પાણી સમયસર ન મળતું હોવાથી તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાથી સ્થાનિકોમાં રોષ હતો. આ તમામ સમસ્યાને લઈને લોકોએ અનેક વખત રજૂઆતો કરી પરંતુ તંત્રએ જવાબ નહીં આપતા મહિલાઓએ હાઈવે રોકી ચક્કાજામ કર્યો.
રાજકોટઃ જસદણ નગરપાલિકા ઓફિસમાં મારામારીના દૃશ્યો સામે આવ્યા. સેનેટરી વિભાગમાં કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. પતિ-પત્નીએ નગરપાલિકા કર્મચારી પર હુમલો કર્યો. જૂની અદાવતમાં નગરપાલિકા ઓફિસમાં બબાલના દૃશ્યો જોવા મળ્યા. સફાઈ કામદાર દંપતીએ કર્મચારીને માર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ. બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મહેસાણામાં TV9 ગુજરાતીના અહેવાલને પગલે જનસેવા કેન્દ્રમાં 2 નવા કાઉન્ટર મુકવામાં આવ્યા. નવું શૈક્ષણિક સત્ર નજીક આવતા દાખલા કઢાવવા માટે અરજદારોની ભારે ભીડ થતી હતી. અસહ્ય તાપ અને ગરમી વચ્ચે લોકો આવક, જાતિના દાખલા માટે લાગી લાંબી કતારોમાં કલાકો ઉભા રહેવા મજબુર બનતા હતા. કલાકો સુધી ગરમીમાં રાહ જોયા બાદ પણ કામ થતુ ન હતુ. ત્યારે TV9ના અહેવાલ બાદ વધારાના 2 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વધુ બે કોમ્પ્યુટર, ઓપરેટર અને કેમેરા મુકવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર: મુળીના દાણાવાડા ગામમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયુ. વાલ્વ તૂટી જતાં અંદાજે 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. કલાકો સુધી પાણીનો વ્યય થવાના કારણે ખેતર પણ જળબંબાકાર બન્યું. એક બાજુ પીવાના પાણીની તંગી બીજી બાજુ પાણીનો બગાડ થઈ રહ્યો છે.
મોરબી: સિરામિક ઉદ્યોગકારો દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. સિરામિક ટાઈલ્સની વિવિધ કેટેગરીમાં 5થી 50 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વધારો પહેલી જૂનથી જ લાગુ કરવામાં આવશે. હાલ ગેસ અને ઈંધણના આંતરરાષ્ટ્રીય સંકટ વચ્ચે સિરામિક ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. 2 મહિનાથી વધતા ભાવના કારણે ઉત્પાદનની પડતર કિંમત વધી છે. પડતર કિંમત વધવાના કારણે સિરામિક પ્રોડક્ટ્સમાં ભાવ વધારો કરવામાં આવે છે. સિરામિક ઉદ્યોગકારો દ્વારા ઉધારીથી વેપાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પહેલી જૂનથી 100 ટકા એડવાન્સ પેમેન્ટથી જ વેપાર કરવાનો નિર્ણય કરાયો છે.
જામનગરઃ શહેરમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી. ખાનગી સ્કૂલની જાહેરાત માટે ઉભો કરાયેલો તોતિંગ લોખંડી ટાવર ધરાશાયી થયો. પવનને કારણે સ્કૂલની જાહેરાતનો ઊંચો ટાવર તૂટી પડ્યો. હોર્ડિંગ ટાવર ઉભા કરવાની મંજૂરીને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. લોકોએ હોર્ડિંગને દૂર કરવાની માગ કરી છે. જો આ ટાવર કોઈ આવતા જતા વ્યક્તિ પર પડ્યો હોત તો તેનો જીવ પણ જઈ શક્તો હતો. જાહેર માર્ગ પર લોકોના જીવ જોખમમાં મૂકે તેવા સ્ટ્રક્ચર ઉભા ન કરવા માગ કરવામાં આવી છે.
મહેસાણા નગરપાલિકાના નવા મેયર તરીકે સોનલ ઓઝાની નિમણૂક થઈ છે. ત્યારે અનેક લોકો તેમને અભિનંદન અને શુભેચ્છા પાઠવવા ફૂલ-હાર, બુકે કે શાલ લઈન આવે તે સ્વાભાવિક છે. પરંતુ આ વસ્તુ કોઈના કામ લાગતી નથી. ત્યારે નવનિયુક્ત મેયરે સોનલ ઓઝાએ ફૂલ-હાર અને બુકેની જગ્યા પર ગરીબો માટે રાશન કીટ લાવવા અપીલ કરી. અને મેયરની આ અપીલનો લોકોનો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે.
રાજ્યમાં આજથી આગામી 6 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આવતીકાલે રવિવારે રમાનારી IPLની ફાઈનલ દરમિયાન પણ વરસાદ વિઘ્ન બની શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPL ની ફાઈનલ રમાવાની છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં સામાન્ય થી મધ્યમ વરસાદ પડવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે.
સાબરકાંઠાઃ પોશીનામાં તંત્ર દ્વારા જર્જરિત ટાંકી જમીનદોસ્ત થતા તેને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે. જૈન દેરાસર પાસે આવેલી જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી. સુરક્ષિત રીતે 4 સેકંડમાં પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ છે. જર્જરિત જોખમી ઓવરહેડ ટાંકી માત્ર ગણતરીની સેકન્ડમાં જમીનદોસ્ત કરાઈ છે. જમીનદોસ્ત પાણીની ટાંકીનો લાઈવ વીડિયો સામે આવ્યો
મહેસાણાની દીકરીની હત્યા મામલે ભાજપ નેતા વરુણ પટેલની પોસ્ટ કરતા મચ્યો છે ખળભળાટ. રામોસણાની દીકરી સંગીતા પટેલના મોત મામલે વરુણ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે.. પોસ્ટમાં વરૂણ પટેલે પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ પિતા વગરની દીકરી અને એકલી માતાને ન્યાય ન મળતો હોવાની વ્યથા વ્યક્ત કરી છે.. તો રાજકીય અને સામાજિક આગેવાનોની ભૂમિકા સામે પણ વરુણ પટેલે સવાલો ઉઠાવ્યા છે.. અને દીકરીને ન્યાય અપાવવા માટે સમાજને આગળ આવવા અપીલ કરી છે.
ધોમધખતા તાપ અને ભારે ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમમાં 4 જૂનથી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આ તરફ મહિસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 50 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
ગાંધીનગરમાં ગત ડિસેમ્બર મહિનામાં સેક્ટર 24માં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ. સઘન તપાસ હાથ ધરી હતી અને માત્ર 13 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી ઉદાહરણરૂપ કામગીરી કરી હતી. ત્યારે સ્પેશિયલ પોક્સો કોર્ટે 5 મહિના બાદ આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલવાસની સજા સંભળાવી. બાળકીને ન્યાય અપાવ્યો છે.
સુરતના કામરેજ નજીક NH-48 પર ગ્રામ્ય SOGની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાખર ટ્રાવેલ્સની વોલ્વો બસમાંથી ગાંજો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે રાજસ્થાનના એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે બસ સહિત અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને ડ્રગ્સ સપ્લાયના નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં આજથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 4 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં 2થી અઢી ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા હોવાથી ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ભાવનગરના મહુવા વિસ્તારમાં કૂવામાં પડેલા અજગરનું વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.
અમદાવાદ અને ગાંધીનગરમાં SMC ટીમ દ્વારા હુક્કાબારો પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિંધુભવન, થલતેજ અને એલીસબ્રીજ વિસ્તારમાં ચાલતા હુક્કાબારો પર કુલ 6 ટીમોએ એકસાથે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન નિકોટીન યુક્ત પદાર્થ સાથેના હુક્કાબારો મળી આવતા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીથી હુક્કાબાર સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પિતા-પુત્રે મળીને પરિણીત મહિલા અને તેની માતા પર લાકડીઓ વડે ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. આ હુમલો મહિલાના આરોપીઓના દીકરા સાથે આડા સંબંધોની શંકાને કારણે કરવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જ્યારે પોલીસએ બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
રાજકોટના મેયર ડૉ. નેહલ શુકલે પદ સંભાળ્યા બાદ સાંઢિયા પુલની મુલાકાત લીધી હતી. અંદાજે 75 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પુલના કામની તેમણે સમીક્ષા કરી અને ફિનિશિંગ સહિતની ખામીઓ અંગે અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. આ પુલ ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ 5 જૂને ગુજરાત આવશે અને સુરત તથા દમણમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન તેઓ દાદરા અને નગરહવેલી સહિત દિવ અને દમણને વિકાસ કાર્યોની મોટી ભેટ આપવાના છે. અંદાજે 3 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે.
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં લુખ્ખા તત્વોના ત્રાસથી સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. નજીવી બાબતે મેડિકલ સ્ટોરમાં કેટલાક શખ્સોએ ઘૂસી જઈને દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો, જે બાદ પરિસ્થિતિએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીઓએ દુકાનદારને તેની જ દુકાનમાં ઢોર માર મારીને ગંભીર રીતે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના દરમિયાન દુકાનમાં ભારે હોબાળો મચી ગયો હતો અને આસપાસના લોકો પણ ઘટનાથી ડરી ગયા હતા. આ મારામારીની સમગ્ર ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ હવે આરોપીઓની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી રહી છે.
વાવ-થરાદ જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે સવારે 11 વાગ્યે યોજાવાની હોવાથી રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી અધિકારીની હાજરીમાં તાલુકા પંચાયતની પ્રથમ સાધારણ સભા મળશે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામો પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. 22 બેઠકો ધરાવતી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 12 સભ્યોનું સંખ્યાબળ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે કોંગ્રેસ સત્તા પર બેસે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત થઈ રહી છે, જ્યારે ભાજપ પાસે 10 બેઠકો છે. મહત્વની વાત એ છે કે અગાઉ બે વખત વિવિધ કારણોસર આ ચૂંટણી રદ થઈ ચૂકી હોવાથી ત્રીજી વખત યોજાનારી આ ચૂંટણીને લઈને ભારે સસ્પેન્સ અને રાજકીય ઉત્સુકતા જોવા મળી રહી છે. હાઇવોલ્ટેજ રાજકીય ખેંચતાણ વચ્ચે આજે દિયોદર તાલુકા પંચાયતનું નેતૃત્વ કોના હાથમાં જશે તેના પર સૌની નજર મંડાઈ છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિચ્યુએશન રૂમમાં તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે લગભગ બે કલાકની બેઠક યોજી. ટ્રમ્પે કહ્યું કે તેઓ ફક્ત તે જ સોદો કરશે જે યુનાઇટેડ સ્ટેટ્સ માટે સારો હોય અને તેમની લાલ રેખાઓ પૂર્ણ કરે.
મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 30 મે થી 3 જૂન, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.
Published On - 7:31 am, Sat, 30 May 26