આઝાદી બાદ, પ્રથમ વખત ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન સમારોહની શહેનાઈ ગુંજવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષા માટે તહેનાત PSO પૂનમ ગુપ્તા અને CRPF ઓફિસર અવનીશ સિંહને રાયસિના હિલ્સ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની ખાસ મંજૂરી મળી ગઈ છે. બંને આ મહિને વેલેન્ટાઈન વીકમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન 12મી ફેબ્રુઆરીએ કેટલાક ગણતરીના મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થશે.
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિની સુરક્ષામાં તહેનાત પૂનમ ગુપ્તાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે રાષ્ટ્રપતિ ભવનમાં જ લગ્ન કરવાની મંજૂરી માંગી હતી, મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પૂનમ તેના મિત્ર અવનીશ સાથે અહીં સાત ફેરા લેશે.
રાષ્ટ્રપતિની સુરક્ષામાં તહેનાત પૂનમ યુપીએસસી દ્વારા કેન્દ્રીય સુરક્ષા દળમાં જોડાઈ છે. 2018 માં, તેમને સહાયક કમાન્ડરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પૂનમે બિહારમાં નક્સલી ઓપરેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. પૂનમે 74માં ગણતંત્ર દિવસના અવસર પર મહિલા ટુકડીનું નેતૃત્વ પણ કર્યું હતું.
પૂનમના ભાવિ પતિ અવનીશ સિંહ પણ CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડર છે. અવનીશ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટેડ છે. બંનેના લવ મેરેજ છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર આ લગ્ન સમારોહમાં બંને પરિવારના નજીકના લોકો જ હાજરી આપશે. પૂનમ મૂળ મધ્યપ્રદેશની છે.
300 એકરમાં ફેલાયેલ રાષ્ટ્રપતિ ભવન બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. એડવિન લુટિયન્સે આ ઈમારતની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. આઝાદી પહેલા આ ઈમારત વાઈસરોયને ફાળવવામાં આવી હતી, પરંતુ આઝાદી પછી ભારતના રાષ્ટ્રપતિને આ ઈમારત મળી ગઈ. રાષ્ટ્રપતિ ભવનમાં 340 રૂમ છે.
આ ભવનમાં આજદીન સુધી અનેક ભોજન સમારંભોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ માત્ર રાજકીય હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રથમ વખત લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમારોહ મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં યોજાશે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ અંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ જ માહિતી આપવામાં આવી નથી.