
દાળ સહિત અનેક જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવાનો દર નીચે આવ્યો છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવાનો દર (CPI-Consumer Price Index) 5.59 ટકાથી ઘટીને 5.30 ટકા થયો છે. સતત બીજા મહિને ફુગાવાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ફુગાવાના દરમાં ઘટાડો થવો એ સારો સંકેત છે. આવી સ્થિતિમાં મંગળવારે શેરબજારમાં પણ તેજી આવી શકે છે. તેથી રોકાણકારોને પણ આનો લાભ મળશે. ઉપરાંત, આરબીઆઈને પણ વ્યાજ દરોની સમીક્ષા કરીને આ અંગે નિર્ણય લેવામાં સરળતા રહેશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્ય ફુગાવો (Food Inflation) 3.96 ટકાથી ઘટીને 3.11 ટકા થયો છે. ફ્યુલ અને લાઈટ સાથે જોડાયેલા ફુગાવાનો દર 12.38 ટકાથી વધીને 12.95 ટકા થયો છે. હાઉસિંગ સાથે જોડાયેલા ફુગાવાનો દર 3.86 ટકાથી વધીને 3.90 ટકા થયો છે. કપડાં અને ચપ્પલના ફુગાવાનો દર પણ 6.46 ટકાથી વધીને 6.84 ટકા થયો છે. જ્યારે દાળના ફુગાવાનો દર 9.04 ટકાથી ઘટીને 8.81 ટકા થયો છે.
રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં ગ્રાહક ભાવ અનુક્રમણિકા આધારિત ફુગાવો 5.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. સેન્ટ્રલ બેંકનો અંદાજ છે કે તે બીજા ક્વાર્ટરમાં 5.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.3 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહેશે. જ્યારે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો 5.1 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
મોંઘવારીમાં વધારો થતાં લોકોની ખરીદશક્તિ સમય સાથે ઘટતી જાય છે. કોઈપણ રોકાણ પર મળતા વળતર પર પણ આની અસર પડે છે. આવી સ્થિતિમાં તમારે રોકાણ પર મહત્તમ વળતર મેળવવા માટે જ તમારું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.