
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અને આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ,બાબા સિદ્દીકી અને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના આરોપી અનમોલને દેશનિકાલ કર્યો છે. આ માહિતી બાબા સિદ્દીકીના પુત્ર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ મીડિયાને આપી હતી. અનમોલ બાબા સિદ્દીકી હત્યા કેસમાં આરોપી છે.
અનમોલ પર બાબા સિદ્દીકી તેમજ જાણીતા ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો આરોપ છે. અનમોલે પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને પણ ધમકી આપી હતી. હવે, તપાસ એજન્સીઓએ અનમોલ બિશ્નોઈ પર પકડ મજબૂત કરી છે. તેનો ભાઈ લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ છે.
મહારાષ્ટ્રની એક કોર્ટે, બાબા સિદ્દીકી હત્યા કેસમાં અનમોલ વિરુદ્ધ વોરંટ ઈસ્યું કર્યું હતું. ત્યારબાદ, અનમોલ વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ ઈસ્યું કરવામાં આવી હતી. જ્યારે બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાને યુએસ પાસેથી અનમોલ વિશે માહિતી માંગી, ત્યારે યુએસ ફેડરલ એજન્સીએ જણાવ્યું કે, તેને દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.
હવે ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત લાવવામાં આવી રહ્યો છે. ભારતમાં તેને ક્યાં રાખવામાં આવશે તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈના ભારત પાછા લાવવાને આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર નેટવર્ક સામે એક મોટા પગલા તરીકેની કામગીરી અર્થે જોવામાં આવી રહ્યું છે.
અનમોલ બિશ્નોઈ દેશના અનેક હાઇ-પ્રોફાઇલ કેસોમાં વોન્ટેડ છે, જેમાં પંજાબના લોકપ્રિય ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ, સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરવાનો કેસ અને બાબા સિદ્દીકી હત્યા કેસનો સમાવેશ થાય છે. અનમોલ બિશ્નોઈના પર ઘણા રાજ્યોમાં ગંભીર આરોપો પણ છે. એક અહેવાલ છે કે અનમોલ બિશ્નોઈને દિલ્હી એરપોર્ટ પર લવાશે, જ્યાંથી તેને તરત જ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Breaking News : ગુજરાત ATS એ પકડેલા આતંકીને સાબરમતી જેલમાં અન્ય કેદીઓએ ધોઈ નાખ્યો
Published On - 8:15 pm, Tue, 18 November 25