
સંસદના ચોમાસા સત્રમાં, આજે સોમવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા થઈ રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાને ભારતના હુમલાના ડરથી આજીજી કરી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, 6 અને 7 મે 2025 ના રોજ, ભારતીય દળોએ ઓપરેશન સિંદૂર નામે ઐતિહાસિક લશ્કરી કાર્યવાહી કરી. તે માત્ર લશ્કરી કાર્યવાહી નહોતી, પરંતુ તે ભારતના સાર્વભૌમત્વ, તેની ઓળખ, દેશના નાગરિકો પ્રત્યેની આપણી જવાબદારી હતી.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલા, અમારા દળોએ દરેક પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. અમારી પાસે ઘણા વિકલ્પો હતા, પરંતુ અમે એવો વિકલ્પ પસંદ કર્યો જેમાં આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને વધુમાં વધુ નુકસાન થાય અને તેમાં પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. રાજનાથ સિંહે કહ્યું કે, સૌ પ્રથમ, આ ગૃહ દ્વારા, હું દેશના તે બહાદુર સપૂતોને, તે બહાદુર સૈનિકોને સલામ કરું છું, જેઓ આ રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. ઉપરાંત, હું તે સૈનિકોની સ્મૃતિને સલામ કરું છું જેમણે ભારતની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
આપણા દળો દ્વારા કરવામાં આવેલા સંકલિત હુમલાઓમાં, 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. એક અંદાજ મુજબ, આ લશ્કરી કાર્યવાહીમાં સોથી વધુ આતંકવાદીઓ, તેમના ટ્રેનર્સ, હેન્ડલર્સ અને સહયોગીઓ માર્યા ગયા છે. તેમાંથી મોટાભાગના જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના હતા. આ એ જ આતંકવાદી સંગઠનો છે જેમને પાકિસ્તાનની સેના અને ISIનો ખુલ્લેઆમ ટેકો છે. માર્યા ગયેલા આતંકીઓના જનાજામાં પાકિસ્તાન આર્મી અને સરકારી પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, અમારી કાર્યવાહી સંપૂર્ણપણે સ્વ-બચાવમાં હતી, તે ઉશ્કેરણીજનક નહોતી. તેમ છતાં, 10 મે, 2025 ના રોજ, લગભગ 1:30 વાગ્યે, પાકિસ્તાને ભારત પર મોટા પાયે મિસાઇલ, ડ્રોન, રોકેટ અને અન્ય લાંબા અંતરના શસ્ત્રોનો ઉપયોગ કર્યો. સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, મને એ કહેતા ગર્વ થાય છે કે આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલી, કાઉન્ટર ડ્રોન સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોએ પાકિસ્તાનના આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો.
પાકિસ્તાન આપણા કોઈપણ લક્ષ્યને નિશાન બનાવી શક્યું નહીં. આપણી સુરક્ષા વ્યવસ્થા કડક હતી અને દરેક હુમલો અટકાવી દેવામાં આવ્યો હતો. આ માટે, હું ભારતીય સેનાના બહાદુર સૈનિકોની પ્રશંસા કરું છું, જેમણે દુશ્મનની દરેક યોજનાને નિષ્ફળ બનાવી દીધી.
તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન દ્વારા આ હુમલાના જવાબમાં આપણી કાર્યવાહી હિંમતવાન, મજબૂત અને અસરકારક હતી. ભારતીય વાયુસેનાએ પશ્ચિમી મોરચા પર પાકિસ્તાનના એરપોર્ટ, કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો, લશ્કરી માળખાગત સુવિધાઓ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવી. અમારા દળોએ સફળતાપૂર્વક આ મિશન પૂર્ણ કર્યું.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું, ઓપરેશન સિંદૂર ટ્રાઇ સર્વિસ કોઓર્ડિનેશનનું એક મહાન ઉદાહરણ બન્યું. જ્યારે ભારતીય વાયુસેનાએ આકાશમાંથી હુમલો કર્યો, ત્યારે આપણી સેનાએ જમીન પર મોરચો સંભાળ્યો. આપણા સૈનિકો સંપૂર્ણ તાકાત સાથે નિયંત્રણ રેખા પર અડગ રહ્યા અને પાકિસ્તાનની દરેક કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો. તેમણે વધુમાં કહ્યું કે, આ ઓપરેશનનો હેતુ આતંકવાદી છાવણીઓ અને તેમના સમર્થકોને નિશાન બનાવવાનો, તેમને નષ્ટ કરવાનો અને સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે ભારત આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે.
રક્ષા મંત્રીએ ભારતે કાર્યવાહી કેમ બંધ કરી તે પ્રશ્નનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ભારતે કાર્યવાહી કેમ બંધ કરી દીધી કારણ કે અમે સંઘર્ષ પહેલા અને દરમિયાન નિર્ધારિત તમામ રાજકીય અને લશ્કરી ઉદ્દેશ્યોને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લીધા હતા. તેથી, એવું કહેવું કે માનવું કે આ કામગીરી કોઈપણ દબાણ હેઠળ બંધ કરવામાં આવી હતી તે પાયાવિહોણું અને સંપૂર્ણપણે ખોટું છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઓપરેશન સિંદૂર તે નિર્દોષ પરિવારોને ન્યાય આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું જેમણે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓમાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા હતા. આપણા દળોએ ફક્ત તે લોકોને જ નિશાન બનાવ્યા જેઓ આ આતંકવાદીઓને ટેકો આપીને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં સતત સામેલ હતા. ઓપરેશન સિંદૂરનો હેતુ આતંકવાદના રૂપમાં પ્રોક્સી યુદ્ધ લડી રહેલા પાકિસ્તાનને સજા આપવાનો હતો. આ કારણોસર, સેનાને તેના લક્ષ્યો પસંદ કરવા અને યોગ્ય જવાબ આપવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી.
રાજનાથ સિંહે કહ્યું, ઓપરેશન સિંદૂર કેમ શરૂ કરવામાં આવ્યું તેની માહિતી અગાઉ આપવામાં આવી હતી અને મેં આજે પણ ગૃહને આપી છે. વિપક્ષના કેટલાક લોકો પૂછી રહ્યા છે કે આપણા કેટલા વિમાનો તોડી પાડવામાં આવ્યા? મને લાગે છે કે તેમનો આ પ્રશ્ન આપણી રાષ્ટ્રીય જનતાની લાગણીઓને યોગ્ય રીતે રજૂ કરી શકતો નથી. તેમણે અમને એક વાર પણ પૂછ્યું નહીં કે આપણા દળો દ્વારા કેટલા દુશ્મન વિમાનો તોડી પાડવામાં આવ્યા? જો તેમને કોઈ પ્રશ્ન પૂછવો હોય, તો તેમનો પ્રશ્ન એ હોવો જોઈએ કે શું ભારતે આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેનો જવાબ હા છે.