ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એન વી રમણા ( N. V. Ramana ) મંગળવારે સવારે 10:30 કલાકે સુપ્રીમ કોર્ટના નવનિયુક્ત ન્યાયાધીશોને પદના શપથ લેવડાવ્યા. શપથ લેનારા જજમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમ સુપ્રીમ કોર્ટના નવા ઓડિટોરિયમમાં પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશન નજીકના વધારાના બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો. સામાન્ય રીતે સીજેઆઈના કોર્ટ રૂમમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાના ભાગરૂપે નવા ઓડિટોરિયમમાં શપથ લેવડાવવામાં આવ્યા.
સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, અદાલતના 70 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે એક સાથે નવ નવા ન્યાયાધીશ શપથ લીધા હોય. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે તેમના નામોની ભલામણ 17 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં કેન્દ્ર સરકારે 26 ઓગસ્ટે મંજૂરી આપી હતી. તેમના નિમણૂક પત્રો પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સહી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં મહત્તમ ન્યાયાધીશોની સંખ્યા 34 હોઈ શકે છે અને હાલમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની 10 જગ્યાઓ ખાલી હતી. જો કે હવે એક જ જગ્યા ખાલી રહેવા પામી છે.
આ નવ જજે લીધા શપથ
નવા ન્યાયાધીશોના શપથ લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં માત્ર એક જ જગ્યા ખાલી રહેશે. કર્ણાટક હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ નાગરત્ના ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ જજ બેલાબેન એમ ત્રિવેદી અને તેલંગાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હેમા કોહલીની પણ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. જસ્ટિસ કોહલી 1 સપ્ટેમ્બરના રોજ 62 વર્ષની વયે નિવૃત્ત થવાના હતા કારણ કે હાઇકોર્ટના ન્યાયાધીશ 62 વર્ષની વયે નિવૃત્ત થાય છે. પરંતુ સુપ્રીમ કોર્ટના જજોની નિવૃત્તિની ઉંમર 65 વર્ષ છે. ત્રણ મહિલા ન્યાયાધીશો ઉપરાંત, કેરળ હાઇકોર્ટના જજ સીટી રવિ કુમાર અને મદ્રાસ હાઇકોર્ટના જજ એમ એમ સુંદરેશને પણ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પી.એસ. નરસિંહ, એવા છઠ્ઠા વકીલ છે કે જેમને બારમાંથી સીધી કોર્ટમાં નિમણૂક આપવામાં આવી છે. જસ્ટિસ કોહલી ઉપરાંત, વિવિધ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશો જેમને સુપ્રીમ કોર્ટમાં એલિવેટ કરવામાં આવ્યા છે તેમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જીતેન્દ્ર કુમાર મહેશ્વરીનો સમાવેશ થાય છે.
જસ્ટિસ નાગરત્ના પૂર્વ ચીફ જસ્ટિસ ઇ એસ વેંકટરમૈયાની પુત્રી છે.
જસ્ટિસ નાગરત્નાનો જન્મ 30 ઓક્ટોબર, 1962 ના રોજ થયો હતો અને તે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઇ એસ વેંકટરામૈયાની પુત્રી છે. તેમણે 28 ઓક્ટોબર, 1987 ના રોજ બેંગ્લોરમાં વકીલ તરીકે કામની શરૂઆત કરી હતી અને બંધારણ, વાણિજ્ય, વીમા અને સેવાઓના ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરી હતી. નાગરત્નાની 18 ફેબ્રુઆરી, 2008 ના રોજ કર્ણાટક હાઇકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી અને 17 ફેબ્રુઆરી, 2010 ના રોજ કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેમનો કાર્યકાળ 29 ઓક્ટોબર, 2027 સુધી રહેશે અને 23 સપ્ટેમ્બર, 2027 પછી પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે, તેઓ સીજેઆઈ તરીકેનો હોદ્દો સંભાળશે.
આ પણ વાંચોઃ Share Market : રેકોર્ડ સ્તરે ખુલ્યું શેરબજાર, પ્રથમ વખત SENSEX 57000 અને NIFTY 16950 ને પાર પહોંચ્યા
આ પણ વાંચોઃ Reliance નો વધુ એક ક્ષેત્રમાં પ્રવેશ, બે ભારતીય બ્રાન્ડને પુનર્જીવિત કરી ટીવી અને ફ્રીઝનું કરશે ઉત્પાદન
Published On - 9:36 am, Tue, 31 August 21