વિદેશ મંત્રાલયે આજે ગુરુવારે, ભારત-કેનેડા તણાવ, વિદેશ મંત્રી એસ જયશંકરની પાકિસ્તાન મુલાકાત અને પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ જેવી બાબતો પર મોટી જાણકારી આપી હતી. મંત્રાલયે કહ્યું કે, કેનેડાની સરકારે ગત સપ્ટેમ્બર 2023 થી આપણી સાથે કોઈ જ માહિતી શેર કરી નથી. તેમની કથની અને કરણીમાં ફરક છે. કેનેડા સરકારના પગલાં રાજકીય દ્વેષ પ્રેરિત છે. પાકિસ્તાન સાથે ક્રિકેટને લઈને તેમણે કહ્યું કે, વિદેશ મંત્રી એસ જયશંકરની પાકિસ્તાન મુલાકાત દરમિયાન આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. મંત્રાલયે બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાના ભારતમાં રોકાણ અંગે પણ માહિતી આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે કહ્યું કે, અમે કેનેડાના આરોપોને લઈને અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. છેલ્લા બે દિવસમાં અનેક નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમારી સ્થિતિ એકદમ સ્પષ્ટ છે કે, કેનેડા સરકારે ગત સપ્ટેમ્બર 2023થી આપણી સાથે કોઈ માહિતી શેર કરી નથી. ગઈકાલે તપાસ બાદ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. કેનેડાએ આમાં ગંભીર આરોપ લગાવ્યા છે. પરંતુ હજુ સુધી તેના કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.
તેમણે કહ્યું કે અમે અમારા રાજદ્વારીઓ પરના ખોટા આરોપોને ફગાવીએ છીએ. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ભલે કહેતા હોય કે તેઓ વન ઈન્ડિયા પોલિસીમાં માને છે, પરંતુ કેનેડામાં જે રીતે ભારત વિરોધી લોકોને સમર્થન મળ્યું છે તેના પરથી તેમની કથની અને કરણી વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે. ભારતે હજુ સુધી કેનેડા મુદ્દે સહયોગી દેશો (અમેરિકા, બ્રિટન અને અન્ય) સાથે કોઈ વાતચીત કરી નથી.
કેનેડામાં લગભગ 17-18 લાખ ભારતીય મૂળના લોકો વસે છે. કેનેડામાં રહેતા ભારતીયો અને વિદ્યાર્થીઓની સુરક્ષા કેનેડા સરકારની જવાબદારી છે. વિદેશ મંત્રાલયે વિઝા પ્રક્રિયા અંગે પણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે પ્રક્રિયા પ્રભાવિત થઈ છે, પરંતુ વિઝા આપવા પર કોઈ પ્રતિબંધ નથી. કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કોઈ પગલાં લેતું નથી. કેનેડા સરકારના પગલાં રાજકીય દ્વેષ પ્રેરિત છે.
વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, પન્નુ હત્યા કેસમાં જેનું નામ સામે આવ્યું છે તે CC1 હવે ભારત સરકારનો કર્મચારી નથી. કેનેડા આરોપો કરી રહ્યું છે પરંતુ આજ સુધી તેને લગતા કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. અમે જોયું છે કે અમારા સહયોગી દેશો યુકે અને યુએસએ દ્વારા કરવામાં આવેલા નિવેદનો ભેદભાવ સમાન છે. તેમણે આ મામલે કોઈ વાત કરી નથી.
વિદેશ મંત્રાલયે તાજેતરમાં પાકિસ્તાનમાં યોજાયેલી SCOની બેઠક વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઈસ્લામાબાદમાં કોઈ અલગ બેઠક કે વાતચીત થઈ નથી. માત્ર શુભેચ્છાઓની આપ-લે થઈ છે. એનાથી વધુ કંઈ નહીં. તેમણે ભારતીય ટીમના પાકિસ્તાન સાથેના ક્રિકેટ વિશે પણ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ક્રિકેટ શરૂ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી.
આ સાથે તેણે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના વિશે પણ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે શેખ હસીના હાલ ભારતમાં રહે છે. તે શોર્ટ નોટિસ પર ભારત આવી હતી. જ્યારે સ્થિતિ સુધરશે ત્યારે બાંગ્લાદેશમાં વિઝા આપવાની પ્રક્રિયા સામાન્ય થઈ જશે.