Chandigarh University : વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો વેચાયો ! કેસના તાર ગુજરાત અને મુંબઈ સુધી જોડાયા હોવાની શંકા
ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓના અશ્લીલ વીડિયો કેસમાં ઉંડા ષડયંત્રના સંકેત મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસના તાર ગુજરાત અને મુંબઈ સાથે જોડાયેલા હોઈ શકે છે. એક વિદ્યાર્થીનીને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
Chandigarh University MMS Case ચંદીગઢ યુનિવર્સિટીની (Chandigarh University) ગર્લ્સ હોસ્ટેલમાં નહાતી અનેક વિદ્યાર્થીનીઓના અશ્લીલ વીડિયોના મામલામાં ઊંડું ષડયંત્ર હોવાના સંકેત મળી રહ્યા છે. વરિષ્ઠ IPS અધિકારી ગુરપ્રીત કૌર ડીયોના નેતૃત્વમાં ત્રણ મહિલા પોલીસ અધિકારીઓની SITની રચના કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિમાચલના રોહરુમાંથી ઝડપાયેલા આરોપી સનીએ, ગર્લ્સ હોસ્ટેલની (Girls Hostel) યુવતીને પ્રેમમાં ફસાવીને તેનો અશ્લીલ વીડિયો માંગ્યો હતો અને ત્યારબાદ તેના મિત્ર રંકજ વર્મા અને અન્ય યુવક સાથે મળીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેના દ્વારા અન્ય વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો બનાવતો હતો.
આરોપીઓ સાત દિવસના રિમાન્ડ પર
પોલીસને શંકા છે કે આરોપીઓએ આ વીડિયો આગળ પણ વેચ્યા હતા. આ મામલાના તાર ગુજરાત અને મુંબઈથી પણ જોડાઈ રહ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલ આરોપી વિદ્યાર્થીની, તેના બોયફ્રેન્ડ સની અને રંકજ વર્માને ખરર કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.
ગુજરાત અને મુંબઈ સુધી જોડાયા છે તાર !
પોલીસે કોર્ટને જણાવ્યું કે ત્રણેય આરોપીઓના મોબાઈલ ફોન પર ગુજરાત અને મુંબઈથી અનેક કોલ આવ્યા છે, જેના વિશે ત્રણેયની પૂછપરછ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે આ કેસમાં અન્ય એક વ્યક્તિ પણ સામેલ છે. તેની શોધખોળ ચાલુ છે. શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થીની હોસ્ટેલના સાતમા માળે બાથરૂમમાં નહાતી અન્ય છોકરીઓનો અશ્લીલ વીડિયો બનાવતી ઝડપાઈ હતી. ત્યાર બાદ હોસ્ટેલમાં ભારે હોબાળો મચી ગયો હતો.
ત્રણેયના મોબાઈલ ફોરેન્સિક લેબ મોકલાયા
યુવતી સહિત ત્રણેય આરોપીઓના મોબાઈલ ફોન ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેણે મોબાઈલમાંથી ઘણા વીડિયો ડિલીટ કર્યા હોવાનું જાણવા મળે છે. જાણવા મળ્યું છે કે યુવતીએ જે વીડિયો તેના બોયફ્રેન્ડ સનીને મોકલ્યો હતો, તે તેને અન્ય કોઈ ડિવાઈસમાં સ્ટોર કરતો હતો. તે ઉપકરણ સની પાસેથી રિકવર કરવાનું બાકી છે.
બીજા વીડિયોનો મામલો કોર્ટમાં સામે આવ્યો
અત્યાર સુધી પોલીસે દાવો કર્યો હતો કે આરોપી વિદ્યાર્થીએ પોતાનો વીડિયો બનાવ્યો હતો, પરંતુ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીએ બે વીડિયો બનાવ્યા હતા. બીજો વીડિયો અન્ય વિદ્યાર્થીનો હતો. બચાવપક્ષના એડવોકેટે કહ્યું કે બીજા વીડિયોમાં કોઈનો ચહેરો દેખાતો નથી અને તે વાયરલ થયો નથી.