Jammu and Kashmir: રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં 5 જવાન શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ
રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં 5 જવાન શહીદ થયા છે. જ્યારે અનેક આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શુક્રવારે પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટરમાં 5 જવાન શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે અનેક આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં આ ત્રીજી ઘટના છે.
આ એન્કાઉન્ટર રાજૌરી જિલ્લાના કાંડી ટોલના કેસરી વિસ્તારમાં થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા હતી. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. માહિતી બાદ સંયુક્ત ટીમે ઘેરાબંધી કરતી વખતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તરત જ સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીઓ સ્થળ તરફ આગળ વધી. ત્યારે જ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
શુક્રવારે રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. જવાનોએ ચાર્જ સંભાળી લીધો છે.
ઉલ્લેખનીય છે કે, પૂંચમાં આતંકી હુમલા બાદથી ખીણમાં આતંકીઓ વિરુદ્ધ સેનાની કાર્યવાહી સતત ચાલી રહી છે. બુધવાર, ગુરુવાર અને હવે શુક્રવારે સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું છે. ઘાટીમાં આતંકી હુમલાના ઇનપુટ બાદ સેનાએ સતત મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એલર્ટ મોડમાં સેના સતત આતંકીઓનો ખાત્મો કરી રહી છે.
હુમલામાં એક સુરક્ષા જવાનને સામાન્ય ઈજા
ગુરુવારે સાંજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક સુરક્ષા જવાનને સામાન્ય ઈજા થઈ છે, જેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી છે. જૂથે એક પોસ્ટમાં કહ્યું છે કે – હુમલામાં વરિષ્ઠ અધિકારીઓ સહિત ઘણા સૈનિકો ઘાયલ થયા છે. કાશ્મીર ટાઈગર્સ આવા વધુ હુમલાની યોજના બનાવી રહ્યા છે.
નોંધનીય છે કે છેલ્લા બે દિવસમાં બારામુલ્લાના કુપવાડામાં સેના અને પોલીસ સાથેની અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…