Breaking News : ફ્લાઇટમાં આ ખાસ પાવર બેંક પર પ્રતિબંધ, DGCAનો મોટો નિર્ણય
ફ્લાઇટમાં પાવર બેંક લઈ જવાના નિયમોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેટરીમાં આગ લાગવાની ઘટના બાદ સુરક્ષાનાં કારણોસર પ્રતિબંધ મૂકાયો છે. જાણો મુસાફરોએ પાવર બેંક સાથે મુસાફરી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સાથે હવે આ પાવર બેંક સાથે પ્લેનમાં મુસાફરી કરી નહીં શકો.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ બેટરીમાં આગ લાગવાની ઘટના બાદ સુરક્ષાનાં કારણોસર MOBIKINS MK-PB-04 મોડલની પાવર બેંક પર ભારતમાં આવતી, જતી અને દેશની અંદર ઉડાન ભરતી તમામ ફ્લાઇટ્સમાં પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ મુસાફરોના સામાન તેમજ કાર્ગો બંનેને લાગુ પડે છે. આ નિર્ણય બાદ પોર્ટેબલ બેટરી માટે ભારતીય માનક બ્યૂરો (BIS)ની ફરજિયાત નોંધણી યોજના (CRS)ના નિયમોનું વધુ કડક પાલન કરાવવાની માંગ પણ ઊઠી છે.
BIS સર્ટિફિકેશન વિના પાવર બેંક ખરીદવા અંગે ચિંતા
X પરની એક પોસ્ટમાં બેંગલુરુ એવિએશન (@BLRAviation)એ જણાવ્યું કે આ પ્રતિબંધ પોર્ટેબલ બેટરી માટે ફરજિયાત BIS સર્ટિફિકેશનના નિયમોનું કડક પાલન કરાવવાની જરૂરિયાત દર્શાવે છે.
The recent ban on the Mobikins MK-PB-04 power bank by @DGCAIndia underscores the need for stricter retail enforcement of mandatory @IndianStandards CRS compliance.
Easy to verify the mandatory “R-xxxx” BIS registration at https://t.co/BwvJlC7SNb before purchasing portable batteries.
Mobikins does not appear to be listed.
Authorities and marketplaces should ensure that only certified brands are listed and sold.
I urge DGCA to begin with allowing only CRS registered brands on board. Avoid model specific to accommodate any procedural delays.
— Bangalore Aviation (@BLRAviation) October 13, 2026
પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે MOBIKINS બ્રાન્ડનું નામ BISના નોંધણી ડેટાબેઝમાં જોવા મળતું નથી. સાથે જ ગ્રાહકોને પોર્ટેબલ બેટરી ખરીદતાં પહેલાં સત્તાવાર CRS પોર્ટલ પર તેનો ફરજિયાત ‘R-xxxx’ BIS રજિસ્ટ્રેશન નંબર ચકાસવાની સલાહ આપવામાં આવી હતી.
વિમાનમાં માત્ર CRS હેઠળ નોંધાયેલા બ્રાન્ડની પાવર બેંકને જ મંજૂરી
પોસ્ટમાં DGCAને એવી પણ અપીલ કરવામાં આવી હતી કે વિમાનમાં માત્ર CRS હેઠળ નોંધાયેલા બ્રાન્ડની પાવર બેંકને જ મંજૂરી આપવામાં આવે. પોસ્ટ અનુસાર, માત્ર એક ચોક્કસ મોડલ પર પ્રતિબંધ મૂકવાને બદલે પ્રમાણિત ન હોય તેવી બ્રાન્ડ્સ પર નિયંત્રણ મૂકવું વધુ યોગ્ય રહેશે. તેનાથી પ્રક્રિયાત્મક વિલંબને કારણે ઊભી થતી સમસ્યાઓને પણ ધ્યાનમાં લઈ શકાશે. આ ઉપરાંત, સંબંધિત સત્તાવાળાઓ અને ઓનલાઇન માર્કેટપ્લેસને માત્ર પ્રમાણિત બ્રાન્ડની પાવર બેંક જ વેચાણ માટે ઉપલબ્ધ રાખવાની ખાતરી કરવા પણ અપીલ કરવામાં આવી હતી.
પાવર બેંકમાં આગ લાગવાનું જોખમ કેમ રહે છે?
પાવર બેંકમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. બેટરીને નુકસાન થાય અથવા તેની અંદર શોર્ટ સર્કિટ થાય તો આગ લાગવાનું જોખમ ઊભું થઈ શકે છે. જોકે, DGCAનો આ પ્રતિબંધ ખાસ કરીને MOBIKINS MK-PB-04 મોડલ પૂરતો મર્યાદિત છે. તેનો અર્થ એ નથી કે તમામ પ્રકારની પાવર બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નેપાળ એરલાઇન્સે પણ આ પાવર બેંક પર લગાવ્યો પ્રતિબંધ
નેપાળ એરલાઇન્સે પણ નેપાળ અને ભારત વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને ચોક્કસ પ્રકારની પાવર બેંક સાથે ન લાવવાની સૂચના આપી છે. એરલાઇન્સે નિવેદનમાં જણાવ્યું હતું કે નેપાળ અને ભારત વચ્ચે મુસાફરી કરતા મુસાફરો MOBIKINS MK-PB-04 પાવર બેંકને કેબિન અથવા હેન્ડ બેગેજ, ચેક-ઇન બેગેજ કે કાર્ગોમાં લઈ જઈ શકશે નહીં. આ પ્રતિબંધ ભારતની અંદર ઉડાન ભરતી તેમજ ભારતથી આવતી-જતી ફ્લાઇટ્સને લાગુ પડે છે. નોંધનીય છે કે ઇન્ડિગોની એક ફ્લાઇટમાં મુસાફરના ઓવરહેડ બિનમાં રાખેલી પાવર બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના બાદ થોડા જ દિવસોમાં આ પ્રતિબંધ અંગેની કાર્યવાહી સામે આવી છે.
