જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પને સ્વર્ગમાં જવું છે.. કહ્યું “હું ધાર્મિક વ્યક્તિ છું”
ડોનાલ્ડ ટ્રમ્પે '60 મિનિટ્સ' ઇન્ટરવ્યુમાં સ્વર્ગ-નર્ક અને મૃત્યુ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા. તેઓ ધાર્મિક હોવાથી સ્વર્ગમાં જવાની આશા રાખે છે. જોકે, તેમણે રાજકીય વિરોધીઓને માફ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં CBSના લોકપ્રિય કાર્યક્રમ ’60 Minutes’માં પત્રકાર રોસ ડૌથેટ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે જીવન, મૃત્યુ અને સ્વર્ગ-નર્ક અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓ મૃત્યુ બાદ સ્વર્ગમાં જવાની આશા રાખે છે, કારણ કે તેઓ પોતાને ધાર્મિક વ્યક્તિ માને છે. જોકે, પોતાના કેટલાક રાજકીય વિરોધીઓને માફ કરવા અંગે પૂછવામાં આવતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો.
મૃત્યુ અંગે શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ?
ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકામાં તેમના સહિત અનેક રાજકીય નેતાઓને નિશાન બનાવીને હુમલાના પ્રયાસો થયા હતા. આવા જીવલેણ હુમલાઓમાંથી બચી ગયા બાદ શું મૃત્યુ અંગેનો તેમનો દૃષ્ટિકોણ બદલાયો છે, તેવો સવાલ પત્રકારે તેમને પૂછ્યો હતો.
આ દરમિયાન પત્રકારે સીધો સવાલ કર્યો કે મૃત્યુ બાદ શું થાય છે, તે અંગે તેઓ શું વિચારે છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેમને આશા છે કે લોકો તેમને યાદ રાખશે. તેમણે વધુમાં જણાવ્યું, “હું ધાર્મિક વ્યક્તિ છું, તેથી સિદ્ધાંત પ્રમાણે મારે સ્વર્ગમાં જવું જોઈએ. હું એવી જ આશા રાખું છું. હું નર્કમાં જવા માંગતો નથી.”
‘હું મારા કેટલાક દુશ્મનોને ક્યારેય માફ નહીં કરી શકું’
ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને તેમના રાજકીય વિરોધીઓને માફ કરવા અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો. પત્રકારે જેમ્સ કોમી, નેન્સી પેલોસી સહિતના તેમના કેટલાક જાણીતા રાજકીય વિરોધીઓનું નામ લઈને પૂછ્યું હતું કે જો સ્વર્ગમાં જવા માટે તેમને આ તમામ લોકોને માફ કરવા પડે, તો શું તેઓ એવું કરી શકશે?
આ સવાલના જવાબમાં ટ્રમ્પે કોઈ સંકોચ વિના કહ્યું કે તેમનો જવાબ ‘ના’ છે. તેમણે કહ્યું, “હું પ્રમાણિકતાથી કહું છું કે કદાચ હું એવું નહીં કરી શકું, કારણ કે હું મારા કેટલાક દુશ્મનોને નફરત કરું છું અને હંમેશાં કરતો રહીશ.”
UFO અંગે પાઇલટ્સે ટ્રમ્પને સંભળાવી હતી વિચિત્ર વાતો
આ મુલાકાતમાં ટ્રમ્પે UFO એટલે કે અજાણી ઉડતી વસ્તુઓ અંગે પણ કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે તેમના પ્રથમ અને બીજા કાર્યકાળ દરમિયાન અનેક અનુભવી એરફોર્સ પાઇલટ્સે તેમને UFO સંબંધિત પોતાના અનુભવો સંભળાવ્યા હતા.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ પાઇલટ્સ અત્યંત અનુભવી અને વિશ્વાસપાત્ર હતા. તેઓ કોઈ પાયાવિહોણી વાતો કે કાવતરાની થિયરીમાં વિશ્વાસ રાખનારા લોકો નહોતા. તેમના દ્વારા જણાવવામાં આવેલી કેટલીક ઘટનાઓ સાંભળીને ટ્રમ્પ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
‘પાઇલટ્સ બિલકુલ ટોમ ક્રૂઝ જેવા દેખાતા હતા’
ટ્રમ્પે આ પાઇલટ્સના વ્યક્તિત્વનું વર્ણન કરતાં કહ્યું કે તેઓ યુવાન, ફિટ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના વાળ પણ ખૂબ જ સરસ રીતે સેટ કરેલા હતા. ટ્રમ્પે મજાકિયા અંદાજમાં કહ્યું કે આ પાઇલટ્સ ફિલ્મ અભિનેતા ટોમ ક્રૂઝ જેવા દેખાતા હતા અને તેમને પણ તેમના જેવી હેરસ્ટાઇલ રાખવાની ઇચ્છા થઈ હતી.
જોકે, UFO અંગે પાઇલટ્સે જણાવેલી વાતો રસપ્રદ હોવા છતાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતે આ પ્રકારના દાવાઓ પર સંપૂર્ણ વિશ્વાસ કરતા નથી. આમ, સ્વર્ગ-નર્ક અંગેના વિચારો, રાજકીય વિરોધીઓ પ્રત્યેની નારાજગી અને UFO સાથે જોડાયેલા અનુભવોને કારણે ટ્રમ્પનો આ ઇન્ટરવ્યુ ચર્ચાનો વિષય બન્યો છે.
વિશ્વના સૌથી અમીર દેશમાં ભણવાની તક, દર સેમેસ્ટરમાં મળશે 15 લાખ રૂપિયા
