
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે ભારતમાં પણ અનુભવાઈ રહી છે. ઘણા શહેરોમાં LPG સિલિન્ડરની અછતના અહેવાલ સામે આવી રહ્યા છે. જે પછી હવે PNG અછતનું પણ સંકટ તોળાઇ રહ્યુ છે. તો ચાલો જાણીએ કે PNG અને LPG વચ્ચે શું તફાવત છે અને ક્યાં ક્યાં વપરાય છે. અછત થશે તો શું સંકટ આવશે?
ભારતમાં ઘણા વર્ષોથી ઘરેલુ રસોડામાં રસોઈ માટે LPG સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરોમાં એક નવી ગેસ સપ્લાય વ્યવસ્થા ઝડપથી પ્રચલિત બની રહી છે, જેને PNG એટલે કે Piped Natural Gas કહેવાય છે. આ સિસ્ટમમાં પરંપરાગત સિલિન્ડરની જરૂર પડતી નથી, કારણ કે ગેસ સીધી પાઇપલાઇન મારફતે ઘરો સુધી પહોંચાડવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો PNG ગેસ સપ્લાય પાણી કે વીજળીની લાઇન જેવી જ વ્યવસ્થા દ્વારા ચાલે છે.
PNGમાં જે ગેસ વપરાય છે તે મુખ્યત્વે નેચરલ ગેસ હોય છે. તેમાં મિથેન ગેસનું પ્રમાણ વધારે હોય છે. આ નેચરલ ગેસ જમીનની અંદર આવેલા ગેસ અથવા તેલના ખાણોમાંથી મેળવવામાં આવે છે. ત્યારબાદ લાંબા અંતરની મુખ્ય પાઇપલાઇન દ્વારા તેને અલગ-અલગ શહેરોમાં પહોંચાડવામાં આવે છે. શહેર સુધી પહોંચ્યા પછી સ્થાનિક પાઇપલાઇન નેટવર્ક દ્વારા આ ગેસ રહેણાંક વિસ્તારો, હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ ઉદ્યોગો સુધી પહોંચાડવામાં આવે છે.
PNG ગેસ જોડાણ ધરાવતા દરેક ઘરમાં ખાસ પ્રકારનો ગેસ મીટર લગાવવામાં આવે છે. આ મીટર દ્વારા ઘરમાં કેટલો ગેસ વપરાયો તેની નોંધ લેવામાં આવે છે. ત્યારબાદ તે ઉપયોગના આધારે ગ્રાહકોને બિલ મોકલવામાં આવે છે. આ પ્રક્રિયા વીજળીના બિલ જેવી જ હોય છે, એટલે ગ્રાહકોને જેટલી ગેસ વાપરે છે એટલું જ ચૂકવવું પડે છે.
સુરક્ષા મામલે પણ PNG ગેસને ઘણીવાર વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. નેચરલ ગેસ હવામાં કરતાં હળવો હોવાથી જો કોઈ કારણસર લીકેજ થાય તો તે ઝડપથી ઉપર તરફ ફેલાઈ જાય છે અને હવામાં ભળી જાય છે. બીજી તરફ LPG ગેસ ભારે હોવાને કારણે જમીન નજીક એકઠી થવાની શક્યતા રહે છે, જેના કારણે જોખમ વધી શકે છે.
PNG સિસ્ટમનો સૌથી મોટો લાભ એ છે કે ગેસ માટે સિલિન્ડર બુક કરવાની અથવા વારંવાર બદલવાની જરૂર પડતી નથી. પાઇપલાઇન મારફતે સતત ગેસ સપ્લાય મળતો રહે છે, એટલે ઘરેલુ ઉપયોગ માટે વધુ સુવિધાજનક બને છે. ઉપરાંત રસોડામાં સિલિન્ડર રાખવાની જરૂર ન હોવાથી જગ્યા પણ બચી જાય છે.
હાલની સ્થિતિ મુજબ મોટાભાગના ઘરોમાં PNG ગેસ સપ્લાય સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે. સામાન્ય ગ્રાહકો માટે તાત્કાલિક કોઈ મોટી અડચણ ઉભી થવાની સંભાવના ઓછી માનવામાં આવે છે. તેમ છતાં ગેસ સપ્લાય કરતી કંપનીઓ હવે બિલ ચુકવણીના મુદ્દે વધુ કડક વલણ અપનાવી રહી છે.
સરકાર તરફથી ગેસ પુરવઠાની વ્યવસ્થા સુચારુ રહે તે માટે પણ ખાસ પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે GAIL (India) Limited ને પૂલ્ડ પ્રાઇસ સિસ્ટમ સંભાળવાની જવાબદારી સોંપી છે. આ પગલાં દ્વારા જરૂરી સેક્ટરોમાં ગેસની અછત ન સર્જાય અને સામાન્ય ગ્રાહકોને પણ સતત સપ્લાય મળી રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.