
પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રિમો મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનો મજબૂત ગઢ ગણાતી ફલતા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ ભવ્ય જીત મેળવીને કમળ ખીલવ્યું છે. આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપના ઉમેદવાર દેબાંશુ પાંડાએ સીપીએમ (CPM) ના ઉમેદવાર શંભુ નાથ કુર્મીને 1 લાખ 9 હજાર 21 મતોના જંગી માર્જિનથી કારમો પરાજય આપ્યો છે.
આ પરિણામોમાં ભાજપના દેબાંશુ પાંડાને કુલ 1,49,666 મતો મળ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલા ડાબેરી પક્ષના શંભુ નાથ કુર્મીને માત્ર 40,645 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.
આ ચૂંટણી પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર એ જોવા મળ્યો કે સત્તાધારી પક્ષ ટીએમસીના ઉમેદવાર જહાંગીર ખાનને માત્ર 7,783 મતો જ મળ્યા હતા અને તેઓ ચોથા ક્રમે રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જહાંગીર ખાને ફરીથી યોજાયેલા મતદાન પહેલાં જ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર અબ્દુર રજ્જાક મોલ્લા 10,084 મતો મેળવીને ત્રીજા સ્થાને રહ્યા હતા.
ફલતા બેઠકના આ ચોંકાવનારા પરિણામોની વચ્ચે ટીએમસી સુપ્રિમો મમતા બેનર્જીએ ફેસબુક પર લાઈવ આવીને મોટો દાવો કર્યો છે. ચૂંટણી પરિણામો બાદ પ્રથમ વખત સાર્વજનિક રીતે સામે આવેલા મમતા બેનર્જીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને વાસ્તવમાં 220 થી 230 બેઠકો મળવી જોઈતી હતી, પરંતુ પરિણામોને આખી રીતે પલટી નાખવામાં આવ્યા છે.
મમતા બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવતા કહ્યું કે, શું આ ખરેખર ચૂંટણી છે કે કોઈ નાટક? ચૂંટણી પંચે ડેટા હેક કરી લીધો છે. મને અને મારા એજન્ટોને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ઓછામાં ઓછી 150 બેઠકો પર રમત રમાઈ ગઈ છે અને પાસા ઉલટાવી દેવાયા છે. આમાં જનતાનો કોઈ વાંક નથી.
પોતાના સંબોધનમાં ટીએમસી સુપ્રિમોએ જણાવ્યું કે અત્યારે લોકો ખૂબ જ ડરેલા છે. મતોની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી છે. અમારી પાર્ટીના બે થી અઢી હજાર જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે અને પાર્ટી ઓફિસો તોડી પાડવામાં આવી છે. અમને આ મામલે ઈવીએમ (EVM) નો સત્તાવાર રિપોર્ટ જોઈએ છે.
તેમણે ભાજપ પર બંગાળને લૂંટવાનો ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, જો તમે ખરેખર લોકશાહી ઢબે જીત્યા હોત તો આ પ્રકારના અત્યાચારો ન ગુજારત. કાયદો બધા માટે સમાન છે. મારું હથિયાર અત્યારે મારું ફેસબુક છે અને હું ભવિષ્યમાં પણ મીડિયા સાથે વાત કરવાના બદલે ફેસબુક લાઈવના માધ્યમથી જ જનતા સમક્ષ સીધી મારી વાત રાખીશ.