રાજસ્થાન, મધ્યપ્રદેશ-છત્તીસગઢના ઉમેદવારો પર ભાજપનું મંથન, આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક
રાજસ્થાન, એમપી અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ આજે તેના ઉમેદવારોના નામ પર મહોર લગાવી શકે છે. ભાજપે આજે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવી છે. આજની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપનાર છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યો હાજર રહેશે.
છત્તીસગઢ ભાજપના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા
કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોના નામોને પણ મંજૂરી આપવામાં આવશે. બેઠક માટે છત્તીસગઢ ભાજપના નેતાઓને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં પાંચ રાજ્યોની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને શનિવારે પાર્ટીના ટોચના નેતાઓએ બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં અલવરના સાંસદ બાલકનાથે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અને રાજસ્થાન ચૂંટણી માટે પાર્ટીના પ્રભારી કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ ત્રણ કલાક ચાલી હતી. બાદમાં ભાજપના નેતા અરુણ સિંહ, રાજસ્થાન એકમના વડા સીપી જોશી, સાંસદ રાજેન્દ્ર રાઠોડ અને અન્ય નેતાઓએ જેપી નડ્ડા સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી.
ચૂંટણી પંચ ચૂંટણી રાજ્યોની મુલાકાત લેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સહિત ત્રણ કમિશનર, કેટલાક અન્ય અધિકારીઓ અને કમિશનના કેટલાક વિભાગોના સચિવો અને કર્મચારીઓ પણ જે રાજ્યામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોની મુલાકાત લેશે. ચૂંટણી પંચની ટીમ 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર દરમિયાન તેલંગાણાની મુલાકાત લેશે. ચૂંટણી પંચની ટીમ તેલંગાણાના પ્રવાસેથી પરત ફર્યા બાદ ગમે ત્યારે પંચ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.
પીએમ અવારનવાર મુલાકાત લઈ રહ્યા છે
છત્તીસગઢ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાતે જવાના છે. આજે પીએમ મોદી તેલંગાણા જશે અને રાજ્યને 13 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓની ભેટઆપશે. પીએમ મહબૂબનગરમાં શિલાન્યાસ કરશે અને અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આ પછી આવતીકાલે પીએમ રાજસ્થાનની મુલાકાત લેશે.