Breaking News: લોકો ખડખડાટ હસતા રહ્યા અને નીતિન ગડકરીએ કરી બતાવ્યું, આખરે 100% ઇથેનોલ પ્લાનને મળી ગઈ ‘મંજૂરી’

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા દેશમાં 100% ઇથેનોલ ઇંધણને કાનૂની મંજૂરી આપી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં ગડકરીના આ જ આઇડિયા પર લોકો હસતા હતા અને તેની ટીકા કરતા હતા.

Breaking News: લોકો ખડખડાટ હસતા રહ્યા અને નીતિન ગડકરીએ કરી બતાવ્યું, આખરે 100% ઇથેનોલ પ્લાનને મળી ગઈ મંજૂરી
| Updated on: Jun 14, 2026 | 1:41 PM

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે, તેમણે 100 ટકા ઇથેનોલ મિશ્રણ ઇંધણને કાનૂની માન્યતા આપવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ તેમણે કહ્યું કે, આ પ્રકારના પગલાથી આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું કે, ‘ગઈકાલે રાત્રે 8 વાગ્યે, મેં 100 ટકા ઇથેનોલના નિયમો બનાવવા અને તેને કાનૂની પ્રક્રિયા આપવા વાળી ફાઇલ પર સહી કરી દીધી છે.’

ભારતના સંદર્ભમાં અશ્મિભૂત ઇંધણ (ફોસિલ ફ્યુઅલ)ની આયાત પરની નિર્ભરતા વિશે વાત કરતા મંત્રી ગડકરીએ જણાવ્યું કે, ઇથેનોલ ‘પેટ્રોલનો એક સાચો વિકલ્પ’ બનીને ઉભરશે અને 22 લાખ કરોડ રૂપિયાના આયાતના બોજને ઓછો કરવામાં મદદ કરશે.

ગડકરીના પ્લાન પર લોકો હસતા હતા

ઇથેનોલ એ પેટ્રોલનો એક વ્યવહારુ વિકલ્પ બની શકે છે, જેનાથી ભારતનું મોટું ઇંધણ આયાત બિલ ઘટી શકે છે. ગડકરીએ જણાવ્યું કે, શરૂઆતમાં આ વિચારની ઘણા લોકોએ મજાક ઉડાવી હતી અને ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું કે, “હું જ્યારે આ સપનું જણાવતો હતો ત્યારે લોકો હસતા હતા. કેટલાક મિત્રો આની ટીકા પણ કરતા હતા.”

ગડકરીએ વધુમાં જણાવ્યું કે, ઘણી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ આગામી અઠવાડિયામાં ઇથેનોલ-ફ્રેન્ડલી વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ટોયોટા, સુઝુકી, એમજી અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓ આગામી દોઢ મહિનામાં 100 ટકા ઇથેનોલ-ઉપયોગી વાહનો લોન્ચ કરશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, “હાલમાં ભારતમાં 22 લાખ કરોડ રૂપિયાનું ઇંધણ આયાત (ઇમ્પોર્ટ) કરવામાં આવે છે. આ આયાત ઘટાડવા માટે અમે મક્કમ સંકલ્પ કર્યો છે. હવે ધીમે-ધીમે દેશમાં જ ગેસનું ઉત્પાદન વધશે, જેનાથી પેટ્રોલ અને ડીઝલનો એક મજબૂત વિકલ્પ તૈયાર થઈ જશે.”

100% ઇથેનોલ પર ચાલશે ‘કાર અને બાઇક’

100% ઇથેનોલ પર ચાલતી મારુતિ સુઝુકીની ‘વેગનઆર ફ્લેક્સ-ફ્યુઅલ’ કાર અંગે વાત કરતા ગડકરીએ ખુશી વ્યક્ત કરી હતી કે, તેમને પોતે આ કાર લોન્ચ કરવાની તક મળી. આ સાથે જ તેમણે દાવો કર્યો કે, માત્ર કાર જ નહીં પરંતુ ટુ-વ્હીલર્સ ક્ષેત્રે પણ આ ટેક્નોલોજી ઝડપથી આવી રહી છે.

હાલમાં જ લોન્ચ થયેલી પાંચમાંથી ત્રણ મોટરસાયકલ હીરો મોટોકોર્પની છે, જેમાંથી બે બાઇક તો અત્યારથી જ સંપૂર્ણપણે 100 ટકા ઇથેનોલ પર દોડી રહી છે. ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં બીજી ઓટોમોબાઇલ કંપનીઓ પણ ઝડપથી આ મોડલ અપનાવશે.

LPGના સસ્તા વિકલ્પ સામે એથેનોલ સ્ટવ ! સોશિયલ મિડીયામાં કર્યો પ્રધાનપુત્રને ફાયદો કરવાનો આક્ષેપ

Follow Us