આસામ-મેઘાલય વચ્ચેનો 50 વર્ષ જૂનો સરહદ વિવાદ ઉકેલાયો, ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર
સીમા વિવાદના મુદ્દાના નિરાકરણ સાથે એવું માનવામાં આવે છે કે હવે બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે.
આસામ (Assam) અને મેઘાલય (Meghalaya) વચ્ચેનો 50 વર્ષ જૂનો સીમા વિવાદ (Assam-Meghalaya Border Dispute) ઉકેલાઈ ગયો છે. સીમા વિવાદના ઉકેલ માટે બંને રાજ્યોની સરકારોએ મંગળવારે રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs)ના કાર્યાલયમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ની હાજરીમાં આસામ અને મેઘાલયના મુખ્યપ્રધાનોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સીમા વિવાદના મુદ્દાના નિરાકરણ સાથે એવું માનવામાં આવે છે કે હવે બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે.
Delhi | Assam CM Himanta Biswa Sarma and Meghalaya CM Conrad Sangma sign an agreement to resolve the 50-year-old pending boundary dispute between their states. pic.twitter.com/0ocEKgsuKR
— ANI (@ANI) March 29, 2022
આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) અને તેમના મેઘાલયના સમકક્ષ કોનરાડ કે સંગમા (Conrad K Sangma)એ બંને રાજ્યોના મુખ્ય સચિવોની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન આસામ અને મેઘાલયના અન્ય અધિકારીઓ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર હતા. આ અંગેનો ડ્રાફ્ટ ગૃહ મંત્રાલય દ્વારા તપાસ અને વિચારણા માટે 31 જાન્યુઆરીએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા ગૃહપ્રધાન શાહને રજૂ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, હવે સરહદ વિવાદ સંબંધિત ડ્રાફ્ટની રજૂઆતના બે મહિના પછી આસામ અને મેઘાલય વચ્ચે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
બંને રાજ્યો વચ્ચે 12 વિસ્તારોને લઈને હતો વિવાદ
આસામ અને મેઘાલય વચ્ચે 884 કિલોમીટરની સરહદ છે. આવી સ્થિતિમાં બંને રાજ્યોની સરકારો સરહદ પરના 12 ‘વિવાદિત વિસ્તારો’માંથી છમાં સરહદ વિવાદોના ઉકેલ માટે એક ડ્રાફ્ટ પ્રસ્તાવ સાથે આવી હતી. 36.79 ચોરસ કિ.મી જમીન માટે સૂચિત ભલામણો મુજબ આસામ 18.51 ચોરસ કિ.મી જાળવી રાખશે અને બાકીનો 18.28 ચોરસ કિ.મી મેઘાલયને આપશે. આસામ અને મેઘાલય વચ્ચેનો આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે બંને રાજ્યો વચ્ચે સરહદ વિવાદ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હતો.
લાંબા સમયથી ચાલતો જમીન વિવાદ 1972માં શરૂ થયો હતો, જ્યારે મેઘાલય આસામમાંથી અલગ થઈ ગયું હતું. નવા રાજ્યની રચના માટેના પ્રારંભિક કરારમાં સરહદોના સીમાંકનના વિવિધ વાંચનના પરિણામે સીમા વિવાદ ઉભો થયો હતો. સરહદ વિવાદને કારણે ઘણી હિંસક ઘટનાઓ પણ બની છે. 2010માં એક મોટી ભયાનક ઘટના બની હતી, જ્યારે 12 વિવાદિત વિસ્તારોમાંના એક લાંગપીહમાં પોલીસ ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે આસામનો નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમ સાથે પણ સીમા વિવાદ છે.
આ પણ વાંચો: નેહરુ મ્યુઝિયમનું પણ બદલાયુ નામ, હવે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે; PM મોદી કરશે ઉદ્ઘાટન