
અયોધ્યાના આંગણે ફરી એકવાર દિવ્ય મહોત્સવ યોજાવાનો છે. કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક -દિવ્ય રામ મંદિર સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગયુ છે અને આથી જ હવે મંદિરના શીખર પર ‘ધર્મ ધ્વજ’ લહેરાવા જઈ રહ્યો છે. આવતીકાલે (25-Nov-2025) અયોધ્યામાં રામ મંદિરના શીખર પર ધ્વજારોહણ કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર દેશ માટે આ ઘણી ગૌરવપૂર્ણ ઘટના હશે. ખાસ કરીને ગુજરાત અને અમદાવાદ માટે આ ડબલ સૌભાગ્યની ઘડી છે. કારણ કે મંદિરના શીખર પર જે ધર્મ ધ્વજ લહેરાવવામાં આવશે, તેને પણ અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને ધર્મ ધ્વજ 22 ફુટ લાંબો, 11 ફુટ પહોળો અને 2.5 કિલો વજનનો છે.
રામ મંદિરના શીખર પર શોભાયમાન થનારા આ ધ્વજને ‘ધર્મ ધ્વજ’ નામ આપવામાં આવ્યુ છે. તેના પર સૂર્યની આકૃતિ હોવાથી તેને ‘સૂર્ય ધ્વજ’ પણ કહેવાય છે. આ ધ્વજ નાયલોન-રેશમથી મિશ્રીત પોલિમર ફેબ્રિકમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. જે વજનમાં હળવો પરંતુ મજબુત અને ટકાઉ છે. પહેલા જે ધજા બનાવીને મોકલાઈ હતી તેનુ વજન 11 કિલો જેટલુ હતુ. આ ધ્વજ સખત તાપ, ભારે તોફાન કે વરસાદ, અને 60કિમી/કલાકની ઝડપે ફુંકાતા પવન સામે પણ ટકી રહેવા જેટલો મજબૂત છે. આ ધ્વજનું આયુષ્ય ત્રણ વર્ષનું છે. મંદિર પર દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરવામાં આવશે.
વાલ્મીકિ રામાયણ પર આધારિત, આ ધ્વજમાં રામ રાજ્યનું પ્રતીક “કોવિદાર” વૃક્ષ અને સૂર્ય વંશનું પ્રતીક સૂર્ય દેવને દર્શાવવામાં આવ્યા છે. સમન્વયના પ્રતીક ‘ઓમકાર’ નું પ્રતીક પણ દર્શાવવામાં આવ્યું છે. ધ્વજ પર દર્શાવવામાં આવેલા દરેક પ્રતિકનું ધાર્મિક અને વૈદિક મહત્વ છે. ધ્વજનો કેસરી રંગ, ધર્મ, ત્યાગ અને પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. ધ્વજના મધ્યભાગમાં દર્શાવેલુ ચક્ર ન્યાય અને ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય દર્શાવાયો છે. જયારે વાલ્મીકિ રામાયણમાં જેનો ઉલ્લેખ છે તે પવિત્ર કોવિદાર વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ સાથે ધ્વજ પર ૐકાર સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન શોભાયમાન છે. આ તમામ પ્રતીકો શ્રીરામના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
ઐતિહાસિક રામ મંદિરમાં સ્થાપિત થનારી અનેક વસ્તુઓ ગુજરાતમાં તૈયાર થઈ છે. જે ગુજરાત માટે સૌભાગ્યની વાત છે. જેમા સૌથી મોટુ નગારુ પણ અમદાવાદના ડબગર સમાજે તૈયાર કરીને મોકલ્યુ છે.
Published On - 8:58 pm, Mon, 24 November 25