મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર આજે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાંસંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ લોકસભામાં સંબોધન કરતા કહ્યું કે, ડરશો નહીં, ડરાવશો નહીં. મેં અગાઉ પણ કહ્યું હતું કે, ભાજપના સાંસદોમાં પણ ડરનો માહોલ છે. દેશના યુવાનો અને ખેડૂતો સહીત બધા ડરી ગયા છે. 21મી સદીમાં કમળના ફૂલના આકારમાં નવું ચક્રવ્યૂહ તૈયાર થયું છે. જેને વડાપ્રધાન છાતી સરસા ચાંપીને બેઠા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં છે. બજેટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ એક મજાક છે. ભારતના યુવાનોને રોજગારી મળતી નથી. એમ્પ્લોયર પર ચક્રવ્યુહથી હુમલો થયો છે. રાહુલ ગાંધીએ પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે નાણામંત્રીએ પેપર લીક પર કશું કહ્યું નથી.
સરકારે બજેટમાં મધ્યમ વર્ગની પીઠ અને છાતીમાં ખંજર ભોંક્યું છે. આ મધ્યમ વર્ગમાંથી જ પીએમ મોદીએ કોવિડના સમયમાં થાળીઓ વગાવડાવી હતી અને મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરાવી હતી. હવે મધ્યમ વર્ગ કોંગ્રેસ તરફ આવી રહ્યો છે. મધ્યમ વર્ગ તમને છોડી રહ્યો છે. અમે તમારુ ચક્ર તોડી નાખીશું.
અગ્નિવીરનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બજેટમાં અગ્નિવીર માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. તેમના પેન્શન માટે એક રૂપિયો પણ આપવામાં આવ્યો ન હતો. સૈનિકો અગ્નિવીરના ચક્રવ્યુહમાં ફસાઈ ગયા છે. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ગૃહમાં હોબાળો થયો હતો. રાહુલે કહ્યું કે દેશમાં ટેક્સ ટેરરિઝમ છે, તેને રોકવા માટે બજેટમાં કંઈ કરવામાં આવ્યું નથી.