15 શાળાઓને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, દરેકને એકસાથે મળ્યો ઈ-મેલ, તરત ખાલી કરાવ્યા કેમ્પસ
શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસે તરત જ પરિસ્થિતિનો જવાબ આપ્યો અને સાવચેતીના પગલા તરીકે ધમકીઓ મેળવનારી શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા અને તપાસ શરૂ કરી છે. તાત્કાલિક તેમણે કેમ્પસ ખાલી કરાવ્યું છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી એક પ્લે સ્કૂલને પણ બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો.

કર્ણાટકની રાજધાની બેંગલુરુની લગભગ 15 શાળાઓને શુક્રવારે સવારે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસ તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે પણ તેમને અત્યાર સુધીમાં કંઈ જ મળ્યું નથી. એવું લાગી રહ્યું છે કે તે એક ફેક ઈમેલ હતો. પોલીસે વધારે શોધખોળ ચાલુ કરી દીધી છે. ગયા વર્ષે પણ બેંગલુરુની ઘણી શાળાઓને એકસરખી ઇમેઇલથી ધમકીઓ મળી હતી, પરંતુ છેલ્લે તો બધી અફવાઓ સાબિત થઈ હતી.
શાળાએ વાલીઓને મેસેજ મોકલ્યો
આ ધમકીની જાણ ત્યારે થઈ જ્યારે શાળાના સ્ટાફે સવારે તેમનો મેલ ચેક કરવા માટે તેમના ઈમેલ એકાઉન્ટ ખોલ્યા હતા. બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે કહ્યું કે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળા પરિસરમાં તપાસ કરી રહી છે. બોમ્બની ધમકી મેળવનારી એક શાળાએ વાલીઓને મેસેજ મોકલ્યો હતો કે, સુરક્ષાના કારણોસર બાળકોને ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે. ચિંતિત વાલીઓ તેમના બાળકોને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવા માટે શાળા પરિસરની બહાર રાહ જોતા જોવા મળ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે શાળાની લીધી મુલાકાત
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે બેંગલુરુની એક શાળાની મુલાકાત લીધી છે. ન્યૂઝ એજન્સી ANIએ ડેપ્યુટી સીએમની મુલાકાતનો વીડિયો ફૂટેજ પણ જનતા સમક્ષ મુક્યો છે. જેમાં શિવકુમાર પોલીસ અધિકારીઓ સાથે સ્કૂલ કેમ્પસમાં હાજરી આપતા જોવા મળ્યા છે. તે આ મામલે અધિકારીઓ સાથે વાત કરતા પણ જોવા મળે છે. સાથે જ બોમ્બ સ્કવોડની ટીમો દ્વારા તમામ શાળાઓમાં તપાસ ચાલુ છે. શું આ ધમકીભર્યો ઈમેલ નકલી છે? આવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ અંગે સત્તાવાળાઓ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
#WATCH | Karnataka Deputy CM DK Shivakumar visits a school in Bengaluru after several schools received threatening e-mails. pic.twitter.com/7y3ReGOtAt
— ANI (@ANI) December 1, 2023
(Credit Source : @ANI)
CMને રિપોર્ટ સોંપ્યો
આ ન્યૂઝ પર કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, “પોલીસ તપાસ કરશે અને મેં તેમને આમ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે અને વાલીઓએ ગભરાવાની જરૂર નથી. મેં પોલીસને શાળાઓનું નિરીક્ષણ કરવા અને સુરક્ષા વધારવાની સૂચના આપી છે. પોલીસ વિભાગ તરફથી પ્રાથમિક અહેવાલ મળી થયો છે.”
કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી
પોલીસે જણાવ્યું કે શાળાના સંચાલકોએ તરત જ પોલીસને આ મેસેજની જાણ કરી છે. ત્યારબાદ પોલીસ સેફ્ટી ટુકડીઓ સાથે સંબંધિત સંસ્થાઓમાં પહોંચી છે. પોલીસે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ અને સ્ટાફને તાત્કાલિક શાળા પરિસરમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ઘટનાની જાણ વાલીઓને થતાં જ તેઓ બાળકોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા.
