ભારતમાં (India) કોરોના (Corona) વાઈરસના 1,79,723 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 146 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન 46,569 લોકો કોરોનાને મ્હાત આપી છે. ચેપના નવા કેસ રવિવારની સરખામણીએ 12.6 ટકા વધુ છે.
નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત કેસોની કુલ સંખ્યા વધીને 3,57,07,727 થઈ ગઈ છે. જેમાં લગભગ 3.45 કરોડ લોકો સાજા થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ હાલમાં 96.62 ટકા છે. તે જ સમયે, નવા કેસ પછી એક્ટિવ કેસોની સંખ્યા વધીને 7,23,619 થઈ ગઈ છે, જે કુલ કેસના 2.03 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,83,936 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધીના કુલ કેસના 1.36 ટકા છે. દેશના માત્ર 5 રાજ્યોમાંથી 64.72 ટકા નવા કેસ નોંધાયા છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 44,388, પશ્ચિમ બંગાળમાં 24,287, દિલ્હીમાં 22,751, તમિલનાડુમાં 12,895 અને કર્ણાટકમાં 12,000 કેસ નોંધાયા છે. નવા કેસોમાંથી 24.7 ટકા એકલા મહારાષ્ટ્રમાં છે.
નવા કેસોમાં પોઝિટિવિટી દર 13.29 ટકા નોંધાયો હતો. તે જ સમયે સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 7.92 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર રવિવારે દેશભરમાં 13.52 લાખ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 69.16 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
તે જ સમયે, દેશમાં કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા પણ ઝડપથી ફેલાઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર આ પ્રકારના 4,033 કેસ નોંધાયા છે, જેમાં 1,552 લોકો સાજા પણ થયા છે. ઓમિક્રોનથી સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં 1,216, રાજસ્થાનમાં 529, દિલ્હીમાં 513, કર્ણાટકમાં 441, કેરળમાં 333, ગુજરાતમાં 236 છે. અત્યાર સુધીમાં દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. રવિવારે, ઓમિક્રોનના 410 નવા કેસની પુષ્ટિ થઈ છે.
દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના 151 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે દેશભરમાં 66.09 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 86.18 કરોડ લોકોને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 63.37 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં સૌથી વધુ રસીકરણ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ મહારાષ્ટ્ર છે. તે જ સમયે, 3 જાન્યુઆરીથી શરૂ કરીને 15-18 વર્ષની વય જૂથમાં અત્યાર સુધીમાં 2.38 કરોડ બાળકોને રસી આપવામાં આવી છે. આજથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કરને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
આ પણ વાંચો : Booster Dose: દેશમાં આજથી કોરોનાનો બૂસ્ટર ડોઝ થશે શરૂ, આરોગ્ય કર્મચારીઓ સહિત આ લોકોનો છે સમાવેશ
આ પણ વાંચો : Jammu Kashmir: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ ઠાર, હથિયારો અને દારૂગોળો જપ્ત