વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027: CM ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વૈશ્વિક રોકાણનું આહ્વાન કર્યું, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે રોકાણકારોને આહ્વાન કર્યું. તેમણે ભારતના 7.8% GDP વૃદ્ધિ અને ગુજરાતના ઔદ્યોગિક સામર્થ્ય પર ભાર મૂક્યો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના ઉપલક્ષ્યમાં યોજાયેલા એક સંવાદ કાર્યક્રમમાં કોન્સ્યુલેટ જનરલ અને અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયા, અને ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મુંબઈને આર્થિક રાજધાની અને સપનાના શહેર તરીકે ઓળખાવતા, ત્યાં ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ ભારતના આર્થિક વિકાસના વર્તમાન પ્રવાહો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારતના અર્થતંત્રે 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં 7.8%નો પ્રભાવશાળી જીડીપી ગ્રોથ રેટ નોંધાવ્યો છે. આ વૃદ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારતની વધતી આર્થિક તાકાતનું પ્રતીક છે, અને દેશ હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે મોદી છે તો મુમકિન છેના સૂત્રને વૈશ્વિક અર્થવ્યવસ્થાની અસ્થિરતા વચ્ચે ભારતના સ્થિર વિકાસ સાથે જોડ્યું.
ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને મુંબઈ વચ્ચેના ઐતિહાસિક અને ગાઢ આર્થિક સંબંધોને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે, 1 મે 1960 પહેલા ગુજરાત મુંબઈ પ્રાંતનો જ એક ભાગ હતું. મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો હાઈ-સ્પીડ રેલ કોરિડોર અને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર જેવા પ્રોજેક્ટ્સ આ સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ગુજરાતના બંદરો પશ્ચિમ ભારતના ઔદ્યોગિક વિસ્તારોને વૈશ્વિક બજાર સાથે જોડીને એશિયાના સૌથી શક્તિશાળી ઇકોનોમી કોરિડોરમાં એક બનવાની સંભાવના ધરાવે છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 એ આ અવસરોને વધુ મજબૂતી આપવા માટેનું એક ઉત્તમ વૈશ્વિક મંચ છે. આ સમિટની શરૂઆત 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતને રોકાણકારો માટે વિશ્વસનીય ભાગીદાર બનાવવાના ઉદ્દેશ્યથી થઈ હતી. બે દાયકાની સફળતાના પરિણામસ્વરૂપ, ગુજરાત હવે પરંપરાગત ઔદ્યોગિક વિકાસથી આગળ વધીને સેમિકોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, એરોસ્પેસ, ડિફેન્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા નવા અને ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં વિકાસનો આધારસ્તંભ બની ગયું છે.
ગુજરાત આજે ભારતનું ઔદ્યોગિક પાવરહાઉસ હોવા ઉપરાંત ગ્લોબલ ગેટવે પણ બની ગયું છે. રાજ્ય પાસે દેશનો સૌથી મોટો દરિયાકિનારો, વર્લ્ડ-ક્લાસ પોર્ટ્સ, સમર્પિત ફ્રેઇટ કોરિડોર (DFC), દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (DMIC), આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી, ગિફ્ટ સિટી, મજબૂત MSME ઇકોસિસ્ટમ અને કુશળ માનવબળની તાકાત છે. નીતિ-આધારિત અને રોકાણકાર-મૈત્રીપૂર્ણ શાસન એ ગુજરાતની એક વિશેષ ઓળખ છે. ગુજરાત દેશના જીડીપીમાં 8.2%, મેન્યુફેક્ચરિંગમાં 17% અને મર્ચન્ડાઇઝ એક્સપોર્ટમાં 25% યોગદાન આપે છે. શ્રમ શાંતિ, ઝીરો મેન-ડેઝ લોસ અને મજબૂત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે ગુજરાત વિશ્વના રોકાણકારો માટે પ્રથમ પસંદગી બની ગયું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત હવે ઝડપી વિકાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિકસિત ગુજરાત 2047ના સંકલ્પ સાથે રાજ્યને ₹3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે, રાજ્યે રિજનલ એસ્પિરેશન, ગ્લોબલ એમ્બિશન થીમ સાથે પ્રાદેશિક સંમેલનો અને 6 રિજન ઇકોનોમી માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્યના વિકાસ માટે આપેલા સપ્તધારાના આહ્વાનને પણ મુખ્યમંત્રીએ ગુજરાત સાથે જોડ્યું. મેન્યુફેક્ચરિંગ, એગ્રી એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન, ગતિ શક્તિ અને કનેક્ટિવિટી, રક્ષા શક્તિ, ગ્રીન એન્ડ બ્લુ ઇકોનોમી – આ તમામ ક્ષેત્રોમાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવવા તૈયાર છે. મેન્યુફેક્ચરિંગ તો ગુજરાતના DNAમાં છે. ધોલેરા અને સાણંદમાં વિકસિત થતી સેમિકોન ઇકોસિસ્ટમ રાજ્યને ભવિષ્યલક્ષી ટેકનોલોજી માટે તૈયાર કરી રહી છે, જ્યારે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ગુજરાત સ્વચ્છ અને ટકાઉ વિકાસ યાત્રામાં નેતૃત્વ લઈ રહ્યું છે.
મુખ્યમંત્રીનું વિઝન સ્પષ્ટ છે કે, ગુજરાત રોકાણ અને નવીનતા માટે વૈશ્વિક પસંદગી બને અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 આ માટે એક સંપૂર્ણ ટેકઓફ પ્લેટફોર્મ પૂરું પાડે. તેમણે ઉપસ્થિત તમામ કોન્સ્યુલેટ જનરલ અને ઔદ્યોગિક અગ્રણીઓને ગુજરાતને માત્ર એક પ્રોજેક્ટનું સ્થાન ન ગણતા, બલ્કે તેમના ભવિષ્યના વિકાસ માટેના સાચા ભાગીદાર બનાવવા અનુરોધ કર્યો.
સામે તહેવાર અને મોંઘી થઈ મીઠાઈઓ, કારણ ફક્ત એક, જુઓ Video
