‘ધાર્મિક લાગણીઓનું અપમાન કરવું યોગ્ય નથી, પરંતુ બદલામાં ધમકી આપવી યોગ્ય છે?’ અલ કાયદાના પત્ર પર ભડક્યા શિવસેના સાંસદ
અલકાયદાની ધમકી બાદ શિવસેના (Shiv Sena) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ખાડી દેશોને સંદેશ આપ્યો છે કે, કે તેઓએ આ ધમકીનો એ જ મજબૂત સ્વરમાં વિરોધ કરવો જોઈએ જે રીતે પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ભાજપના નેતાની ટીપ્પણીનો વિરોધ કરી રહ્યા છો.
ધાર્મિક લાગણીઓનું સન્માન થવું જોઈએ એ એક વાત છે. પરંતુ આ મુદ્દે ધમકીઓ આપવી એ બીજી બાબત છે. કોઈ પણ ધર્મ એટલો નાજુક નથી હોતો કે અમુક લોકોની વાતોથી તેની શ્રદ્ધા નબળી પડી જાય. અલ-કાયદા (Al-Qaeda) જેવા ઈસ્લામિક આતંકવાદી સંગઠન દ્વારા આપવામાં આવતી ધમકીઓનો પણ ગલ્ફ દેશોએ મજબૂત સ્વરમાં વિરોધ કરવો જોઈએ. આ શબ્દોમાં શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ (Priyanka Chaturvedi Shiv Sena) મધ્ય પૂર્વના દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ખાડીના ઘણા દેશો ભારતીય રાજદૂતોને બોલાવીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પરના વિવાદાસ્પદ નિવેદન અંગે પોતાની નારાજગી જાહેર કરી રહ્યા છે અને નિવેદનબાજી કરી રહ્યા છે.
ભારતીય ઉપખંડમાં કાર્યરત આતંકવાદી સંગઠન અલ કાયદા (AQIS)એ એક ધમકી પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં પયગંબર મોહમ્મદના સન્માન માટે લડાઈ લડવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે આ પત્રમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ અને દિલ્હીમાં આત્મઘાતી હુમલાની ધમકી પણ આપવામાં આવી છે. આ પત્રને લઈને શિવસેનાના સાંસદે મધ્ય પૂર્વના દેશોને સલાહ આપી છે કે તેઓ અલકાયદાના ખતરાનો એ જ મજબૂત સ્વરમાં વિરોધ કરે જે રીતે તેઓ પયગંબર મોહમ્મદ પર ભાજપના સાંસદની ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે.
અલ કાયદાની ધમકી, ભગવા આતંકની છેલ્લી ગણતરી શરૂ થઈ છે
અલકાયદાના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવા આતંકને ખતમ કરવાનો સમય આવી ગયો છે. હવે તેનો અંત દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં નક્કી થવો જોઈએ. નુપુર શર્માના નિવેદન અંગે કહેવામાં આવ્યું છે કે તેણે એક ભારતીય ચેનલમાં આપેલા નિવેદનથી પયગંબર અને તેમની પત્નીનું અપમાન કર્યું છે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે તેનાથી સમગ્ર વિશ્વના મુસ્લિમોના હૃદયમાં ઊંડા ઘા થયા છે. હવે મુસ્લિમોના દિલમાં બદલાની ભાવના ઉકળી રહી છે.
પોતાના શરીર સાથે બારૂદ બાંધી લઈશું, પયગંબરની શાનમાં બેઅદબી કરનારાઓને ઉડાડી દઈશું
અલ-કાયદાએ ધમકી આપતાં કહ્યું છે કે, અમે તે લોકોને મારી નાખીશું જેમણે અમારા પયગંબરની શાનમાં બેઅદબી કરી છે. અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીર પર બારૂદ બાંધીશું અને જેમણે આવું કરવાની હિંમત બતાવી છે તેમને ઉડાવી દઈશું. તેમની ઉપર કોઈ દયા દાખવવામાં નહીં આવે. શાંતિ અને સલામતીની કોઈ ઢાલ તેમને બચાવી શકશે નહીં. થોડા શબ્દોમાં તેની ટીકા કરવાથી કે અફસોસ વ્યક્ત કરવાથી આ મામલો થાળે નહીં પડે.