Maharashtra : પ્રતિબંધો પર ભડક્યુ પોલિટીક્સ, રાજે ઉધડો લેતા ઉદ્ધવે કહ્યું સરકાર હિન્દુ વિરોધી નહી પણ કોરોના વિરોધી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'સતત કહેવામાં આવી રહ્યું છે-આ હિન્દુ વિરોધી સરકાર-આ હિન્દુ વિરોધી સરકાર છે .... જનતા જાણે છે કે આ હિન્દુ વિરોધી સરકાર નથી, તે કોરોના વિરોધી સરકાર છે.'
એમએનએસ (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray, MNS) આજે (મંગળવાર, 31 ઓગસ્ટ) દહીં હાંડી, લોકડાઉન અને કોરોના સંબંધિત પ્રતિબંધોને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું.
રાજ ઠાકરેએ કહ્યું કે, બધું જ શરૂ થઈ રહ્યું છે. નારાયણ રાણેના વિરોદ્ધમાં શિવ સૈનિકોઓ મારામારી શરૂ કરી છે. અન્ય તમામ રેલીઓ અને સભાઓ પણ શરૂ થઈ ગઈ છે. ભાસ્કર જાધવ (શિવસેના નેતા) ના પુત્રનો મંદિરમાં અભિષેક કરવામાં આવ્યો હતો. એટલે કે, તેમના માટે મંદિર શરૂ છે, જ્યારે બાકીના સામાન્ય લોકો માટે મંદિરમાં જવા માટેની મનાઈ ફરમાવામાં આવે છે.
તેઓ તેમની સભાઓ કરી શકે, પરંતુ આપણે દહીં હાંડીની ઉજવણી ન કરી શકે. શું તમે ક્યાંય પણ ભીડને ઓછી થતી જોઈ છે? મેદાનમાં ક્રિકેટ, ફૂટબોલ પણ શરૂ થઈ ગયા છે. મેયરના બંગલા પાસે, સરકાર પાસે કામ કરાવવા આવતા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોના વાહનો ઓછા થયેલા જોવા મળતા નથી. તો પછી તહેવારો પર પ્રતિબંધ શા માટે? ”
‘કોરોનાના નામે ડર વધારીને ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે’
રાજ્યમાં કોરોના સંક્રમણને જોતા સરકારે દહીં હાંડીના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ સરકારના પ્રતિબંધોને ધ્યાનમાં લીધા વિના, દહી હાંડીનો તહેવાર ઘણી જગ્યાએ ઉજવવામાં આવ્યો. રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરોએ તેમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ કારણે 23 મનસે કાર્યકરો સામે કેસ નોંધાયા હતા. રાજ ઠાકરેની પાર્ટીના અગ્રણી નેતા બાલા નંદગાંવકરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આ સંદર્ભમાં રાજ ઠાકરે આજે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો તેઓ (ઉદ્ધવ ઠાકરે) ઘરની બહાર નીકળવામાં ડરી રહ્યા હોય તો અમે શું કરીએ? તેઓ ઘર બહાર નીકળવામાં ગભરાય રહ્યા છે, તો આમાં અમારો શું વાંક? માત્ર કોરોનાના નામે ડર વધારવાનું કામ શરૂ થઈ રહ્યું છે. દહી હાંડી તોડવા માટે પિરામિડના આકારમાં બનેલા ગોવિંદાઓના પરના પ્રતિબંધ પર નારાજગી વ્યક્ત કરતા રાજ ઠાકરેએ કહ્યું કે, ‘ટેબલ પર ઉભા રહીને દહી હાંડી તોડીએ? ભલે તમે કેટલા કેસ કરો, અમે કેસોની ગણતરી કરતા નથી.
ક્યાંક ભાજપ સાથે સહમતી છે તો ક્યાંક ભાજપ પર કટાક્ષ.
આજે મીડિયા સાથે વાત કરતા રાજ ઠાકરેએ ક્યાંક ભાજપ પર કટાક્ષ કર્યો અને ક્યાંક ભાજપ સાથે સહમતિ દર્શાવી. રાજ ઠાકરેએ ભાજપની જન આશીર્વાદ યાત્રા પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે જન આશીર્વાદ યાત્રા નીકળી તે ઠીક છે. ત્યારે તમારું લોકડાઉન લાગુ પડતું નથી, પરંતુ તહેવારો આવે તો લોકડાઉન? શું તહેવારો દરમિયાન જ કોરોના ફેલાય છે? રાજ ઠાકરેએ કહ્યું કે, મંદિરો વહેલામાં વહેલી તકે ખોલવા જોઈએ. જો આ કરવામાં નહીં આવે તો અમે રાજ્યભરમાં ઘંટનાદ સાથે આંદોલન શરૂ કરીશું.
ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો, ‘હિન્દુ વિરોધી સરકાર નથી, કોરોના વિરોધી સરકાર’
આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આગળ આવ્યા હતા. તેમણે રાજ ઠાકરેને પણ જવાબ આપ્યો અને ભાજપની જન આશીર્વાદ યાત્રા અને મંદિર ખોલવાના આંદોલન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દહી હાંડી એ આઝાદીની લડાઈ નથી કે જનતાને રોકવા પર આટલો હંગામો મચ્યો છે. આ બધું જનતાના જીવ બચાવવા માટે છે. લોકો પણ સમજદાર છે. તે આ સમજે છે અને ભવિષ્યમાં પણ સમજશે.
તેવી જ રીતે, ભાજપ પર પ્રહાર કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘એક તરફ, કોરોનાની ત્રીજી લહેરનો ભય સામે છે અને તેમને જન આશીર્વાદ યાત્રા કરવી છે. તમારે શેના માટે આશીર્વાદની જરૂર છે? કોરોના વધારવા માટે? જનતાનો જીવ લેવા માટે. કેન્દ્રએ જ અમને સાવચેતી રાખવાની સૂચના આપી છે.
મંદિર ખોલવાના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘સતત કહેવામાં આવી રહ્યું છે-આ હિન્દુ વિરોધી સરકાર છે-આ હિન્દુ વિરોધી સરકાર છે. જનતા જાણે છે કે આ હિન્દુ વિરોધી સરકાર નથી, તે કોરોના વિરોધી સરકાર છે. ‘
આ પણ વાંચો : Maharashtra Rain: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદ, જલગાંવનો ચાલીસગાંવ વિસ્તાર નદીમાં ફેરવાયો