
રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે 4 સભ્યોને મનોનિત કર્યા છે. જેમા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સરકારી વકીલ અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવા રહેલા ઉજ્જવલ નિકમનો સમાવેશ થાય છે. નિકમ 26/11 મુંબઈ હુમલા સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ કેસોમાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. ઉજ્જવલ નિકમ ઉપરાંત, કેરળના વરિષ્ઠ સામાજિક કાર્યકર અને શિક્ષણશાસ્ત્રી સી. સદાનંદન માસ્ટર, ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને ઇતિહાસકાર અને શિક્ષણશાસ્ત્રી મીનાક્ષી જૈનને પણ રાજ્યસભા સાંસદ તરીકે મનોનિત કરવામાં આવ્યા છે.
રાજ્યસભા સાંસદ માટે નામાંકિત થયા બાદ, ઉજ્જવલ નિકમે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમને શનિવારે પીએમ મોદીનો ફોન આવ્યો હતો. ફોન પર થયેલી આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ ઉજ્જવલ નિકમને રાજ્યસભાના સભ્ય બનવા કહ્યું હતું.
પીએમ મોદીએ આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ હિન્દી-મરાઠી ભાષા વિવાદ વચ્ચે એક મોટો સંદેશ આપ્યો. પીએમ મોદીએ ઉજ્જવલ નિકમને ફોન કર્યા પછી, તેમને પૂછ્યું – “હું હિન્દીમાં વાત કરું કે મરાઠીમાં?” જે બાદ પીએમ મોદીએ નિકમ સાથે મરાઠીમાં વાત કરી. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ ભાષા વિવાદ વચ્ચે એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે, દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ.
પીએમ મોદી સાથેની વાતચીત અંગે ઉજ્જવલ નિકમે જણાવ્યું કે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ મહોદયા તમને રાજ્યસભામાં જોવા માંગે છે. તેઓ તમને એક જવાબદારી સોંપવા માંગે છે. આ સાંભળી હું તરત જ સહમત થઈ ગયો.
ઉજ્જવલ નિકમે વધુમાં કહ્યું કે લોકસભામાં મારી હારથી લોકો દુઃખી હતા. નડ્ડા જી, અમિત શાહ જી અને ફડણવીસ જી એ મને સમજાવ્યું. તેમણે કહ્યું કે જીવનમાં આવી ઘટનાઓ બનતી રહે છે. તેમણે કહ્યું કે મને ભવિષ્યમાં મોટી જવાબદારી મળશે. મારું કામ દેશ વિરુદ્ધ કાવતરું કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું છે.
ભાષા વિવાદ પર બોલતા તેમણે કહ્યું કે કેટલીક શક્તિઓ ભાષાના નામે સમાજને વિભાજીત કરી રહી છે. આપણે બંધારણ વિરુદ્ધ કોઈ પણ કાવતરું સફળ નહીં થવા દઈએ. આપણે એકતા અને અખંડિતતા જાળવી રાખવી પડશે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે ઘણા કેસ વર્ષોથી પેન્ડિંગ રહે છે. મારે ન્યાય વ્યવસ્થામાં સુધારની દિશામાં કામ કરવુ છે.
ઉજ્જવલ નિકમે વધુમાં કહ્યું કે 26/11ના કાવતરાખોરને હજુ સુધી ફાંસી આપવામાં આવી નથી. આ એક ગંભીર અને દુઃખદ બાબત છે. મેં સંતોષ દેશમુખના કેસ વિશે હજુ સુધી વિચાર્યું નથી. હું મહારાષ્ટ્ર વિશે ઘણું વિચારું છું. જાહેર સુરક્ષા બિલ સમાજને તોડનારાઓ પર લગામ લગાવશે. આ કાયદો આજના સમયની જરૂરિયાત છે.
તેમણે વધુમાં કહ્યું કે રાજ્યસભામાં મારે પહેલા મારી મર્યાદાઓ અને અધિકારોને સમજવા પડશે. મારા માટે દેશ પહેલા આવે છે. આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકો તે બેઠકો માટે કરવામાં આવી છે જે અગાઉ નામાંકિત સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડી હતી.
ભારતના બંધારણના અનુચ્છેદ 80(3) હેઠળ, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 12 સભ્યોને નોમિનેટ કરવાનો અધિકાર છે. આ સભ્યોની પસંદગી કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે કરવામાં આવે છે. આ અંતર્ગત, આ ચાર સભ્યોને નોમિનેટ કરવામાં આવ્યા છે.