Antilia Bomb Scare Case : પરમબીર સિંહે રીપોર્ટમાં ચેડા કરવા માટે લાંચ આપી હોવાનો મોટો ખુલાસો,આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દનું નામ નાખ્યું
પરમબીર સિંહ એક બનાવટી રિપોર્ટ બનાવીને એ સાબિત કરવા માંગતા હતા કે મુકેશ અંબાણીને ધમકી આપતો પત્ર દિલ્હીની તિહાડ જેલમાંથી આવ્યો છે. અને આ પત્ર આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-હિન્દ દ્વારા મોકલવામાં આવ્યો છે.
મુંબઈમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર મળી આવેલી વિસ્ફોટથી (Antilia Bomb Scare Case) ભરેલી કાર અને તે કારના માલિક મનસુખ હિરેનની હત્યાના મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં, મુંબઈ પોલીસ સાથે કામ કરી ચુકેલા ઈશાન સિન્હા નામના સાયબર નિષ્ણાતનું પરમબીર સિંહ પર આપેલું સનસનાટીભર્યું નિવેદન નોંધવામાં આવ્યું છે.
જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Parambir Singh) તપાસ રિપોર્ટ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેમણે 5 લાખ રૂપિયાની લાંચ પણ આપી હતી. પરંતુ તે પૈસા લેવા માંગતા ન હતા. પરમબીર સિંહે તપાસ રિપોર્ટમાં આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-હિન્દનું નામ અને તેની સાથે જોડાયેલું પોસ્ટર સામેલ કરવાનું કહ્યું હતું. ઈશાન સિન્હા નામના આ સાયબર નિષ્ણાતે 25 ફેબ્રુઆરીએ એન્ટીલિયા વિસ્ફોટક કેસની તપાસ કરી હતી અને મુંબઈ પોલીસને તેનો રિપોર્ટ સોપ્યો કર્યો હતો.
અંબાણીના એન્ટિલિયા આવાસની બહાર 24-25 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. જિલેટીન લાકડીઓ ઉપરાંત તે કારમાંથી ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો હતો. આ ઘટનાની જવાબદારી એક ટેલિગ્રામ ચેનલ પરથી જૈશ-ઉલ-હિન્દ નામના આતંકવાદી સંગઠને સ્વીકારી હતી. માર્ચ 2021 માં આ કેસની તપાસ NIA ને સોંપવામાં આવી હતી.
પરમબીર સિંહે આ રીતે રિપોર્ટમાં જૈશ ઉલ હિન્દનું નામ ઉમેરાવ્યું
એનઆઈએની ચાર્જશીટમાં નોંધાયેલા નિવેદનમાં સાયબર નિષ્ણાતે જણાવ્યું છે કે 9 માર્ચે તેઓ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની તાલીમ સંબંધિત કાર્યક્રમ સંદર્ભે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને મળ્યા હતા. સાયબર નિષ્ણાતે પરમબીર સિંહને કહ્યું કે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ઇઝરાયેલ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટની તપાસમાં દિલ્હી પોલીસને મદદ કરી હતી. આ હુમલાની જવાબદારી તિહાર જેલમાં મળેલા એક ફોન નંબર પર ટેલિગ્રામ સંદેશ દ્વારા જૈશ-ઉલ-હિન્દ દ્વારા લેવામાં આવી હતી.
પરમબીર સિંહે એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં પણ આવો જ અહેવાલ તૈયાર કરવાનું કહ્યું. એટલે કે, પરમબીર સિંહ બનાવટી અહેવાલ બનાવીને સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે મુકેશ અંબાણીને ધમકી આપતો પત્ર દિલ્હીની તિહાર જેલમાંથી આવ્યો હતો અને આ પત્ર આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-હિન્દ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
સાયબર નિષ્ણાતે કહ્યું છે કે, ‘પરમબીર સિંહે મને પૂછ્યું કે શું હું લેખિતમાં આવો અહેવાલ આપી શકું? મેં કહ્યું કે આ કામ ગુપ્ત છે અને દિલ્હી પોલીસના વિશેષ સેલમાંથી કરવામાં આવ્યું છે. તેથી આવો કોઈ રિપોર્ટ આપવો યોગ્ય નથી. પરમબીર સિંહે કહ્યું કે ખૂબ જ મહત્વના કારણ માટે તેઓ તેમની પાસેથી આ અહેવાલ માગી રહ્યા છે. હું તેમને આવો રિપોર્ટ બનાવીને આપુ. પરમબીર સિંહ તે સમયે આ સમગ્ર મામલે એનઆઈએ ના આઈજી સાથે વાત કરવાના હતા.
એક્સપર્ટે પરમબીરનું નામ લીધું હોવા છતાં તેમના પર આરોપ કેમ ન લગાવવામાં આવ્યો?
અહીં સાયબર નિષ્ણાત એનઆઈએની ચાર્જશીટમાં નોંધાયેલા તેમના નિવેદનમાં પરમબીર સિંહનું નામ સ્પષટ રીતે લઈ રહ્યા છે. તેમ છતાં, સચિન વાઝેને (Sachin Waze) એન્ટિલિયા વિસ્ફોટકોના કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે, પરંતુ પરમબીર સિંહ સામે આરોપો લગાવવામાં આવ્યા નથી.
સાયબર નિષ્ણાતે તેમના નિવેદનમાં કહ્યું છે કે, ‘પરમબીર સિંહની વિનંતી પર, હું તેમની ઓફિસમાં બેઠો અને મારા લેપટોપ પર એક ફકરાનો રિપોર્ટ તૈયાર કર્યો અને સિંઘને બતાવ્યો. રિપોર્ટ વાંચ્યા બાદ પરમબીર સિંઘ સરે મને એ રિપોર્ટમાં ટેલિગ્રામ ચેનલમાં બતાવવામાં આવેલ પોસ્ટર ઉમેરવા કહ્યું જેમાં જૈશ-ઉલ-હિન્દ એન્ટિલિયા વિસ્ફોટક મામલે જવાબદારી સ્વીકારવાની વાત કહેવાય હતી.
મે તેમની વાત માનીને રિપોર્ટમાં જૈશ-ઉલ-હિન્દનું પોસ્ટર ઉમેર્યું. તે પછી મેં તે રિપોર્ટ મુંબઈ પોલીસ કમિશનરના અધિકૃત ઈ-મેલ આઈડી પર મોકલ્યો હતો.પરમબીર સિંહે સાયબર નિષ્ણાતને કહ્યું હતું કે તેઓ આ રિપોર્ટ એનઆઈએના આઈજીને આપવા જઈ રહ્યા છે.
એટલે કે, એ સ્પષ્ટ છે કે અંબાણીના ઘર પાસે વિસ્ફોટકો રાખવા બાબતે પરમબીર સિંહે કોઈ કારણ વગર બળજબરીપૂર્વક આતંકવાદી સંગઠનનું નામ ઉમેર્યું અને તમામ જવાબદારી જૈશ-ઉલ-હિન્દ નામના આતંકવાદી સંગઠન પર મૂકીને કેસને જટિલ બનાવવાનો પ્રયાસ કર્યો. એટલે કે, તેઓ વાસ્તવિક આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ શા માટે? આ એક મોટો પ્રશ્ન છે.