Gujarati NewsMumbai। Nawab tweet after being sent to ED custody know full story
EDની કસ્ટડીમાં ગયા બાદ નવાબ મલિકનું રિએક્શન આવ્યું સામે, કહ્યું ‘અમારો જમાનો આવશે’
કસ્ટડીમાં મોકલ્યા બાદ નવાબ મલિકે એક શાયરી ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું, "થોડા સમય માટેની શાંતિ છે, પછી શોર થશે... તમારો તો માત્ર સમય જ છે અમારો તો જમાનો આવશે !!"
મહારાષ્ટ્ર(Maharashtra) સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિકની (Nawab Malik) બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મોડી સાંજે કોર્ટે તેમને 3 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઈડીએ 14 દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે તેમને આઠ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કસ્ટડીમાં મોકલ્યા બાદ નવાબ મલિકે એક શાયરી ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું, “થોડા સમય માટેની શાંતિ છે, પછી શોર થશે… તમારો તો માત્ર સમય જ છે અમારો તો જમાનો આવશે !!”
कुछ ही देर की ख़ामोशी है फिर शोर आएगा… तुम्हारा तो सिर्फ वक़्त है हमारा दौर आएगा !!
મહારાષ્ટ્રના મંત્રી અને NCPના પ્રવક્તા નવાબ મલિકને 3 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભાગેડુ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં બુધવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. નવાબ મલિકને બુધવારે સવારે દક્ષિણ મુંબઈમાં EDની ઓફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 62 વર્ષીય NCP નેતાને પ્રક્રિયા મુજબ તબીબી તપાસ માટે બપોરે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ, તેના સાગરિતો અને મુંબઈ અંડરવર્લ્ડની ગતિવિધિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં બુધવારે બપોરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને મુંબઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને 3 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ સાથેની ડીલ ઈડીના તપાસના દાયરા હેઠળ હતી. EDએ નવાબ મલિકને પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું હતું. એજન્સી દાઉદ ઈબ્રાહિમ, તેના ભાઈ અનીસ, ઈકબાલ, સાથી છોટા શકીલ અને અન્યો સામે નોંધાયેલા કેસની તપાસ કરી રહી હતી. ગયા અઠવાડિયે EDએ અંડરવર્લ્ડ અને દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા તત્વો માટે મુંબઈભરમાં અલગ-અલગ સ્થળોએ સર્ચ શરૂ કર્યું હતું. ઈડીના દરોડા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તાજેતરમાં દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ નોંધાયેલા કેસના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા. ઈડીના અધિકારીઓ મલિક અને તેમના નજીકના લોકોની કેટલીક અન્ય બિઝનેસ ડીલની પણ તપાસ કરી રહ્યા છે.