ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓએ તહેવાર નિમિત્તે હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે.
મહત્વના સ્થળો પર મોટા પાયે સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ પર, શહેરમાં ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ મોક-ડ્રીલ કરવામાં આવી રહી છે અને તમામ પ્રાદેશિક અધિકારીઓને તેમના વિસ્તારોમાં વિશેષ કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે.
એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, મોલ અને અન્ય જાહેર સ્થળો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ આ જગ્યાઓ પર તપાસ વધારી દીધી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને ભીડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ ‘મોક ડ્રીલ’ કરવા સૂચના આપવામાં આવી છે. તમામ ડીસીપીને પોતપોતાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે.”
સુરક્ષા અધિકારીઓએ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની પોલીસને તાત્કાલિક જાણ કરો. તહેવારો દરમિયાન વધુ જાહેર મેળાવડા થાય છે, તેથી લોકોને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ, એટીસી (એન્ટી ટેરરિસ્ટ સેલ) અને સ્થાનિક પોલીસ મળીને આ પડકારનો સામનો કરી રહ્યા છે. તેઓએ સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષાના પગલાં લીધા છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે શહેરની સુરક્ષામાં વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે.
Published On - 10:19 am, Sat, 28 September 24