લો બોલો, મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર, જાણો પ્રક્રિયા
ચૂંટણી પરિણામો જાહેર થયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં, મેયર કોણ બનશે તે અંગેનો વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી અને ટૂંક સમયમાં ઉકેલાશે પણ નહીં. કારણ કે મહારાષ્ટ્રમાં મેયરની ચૂંટણી એક અલગ કાનૂની પ્રક્રિયા દ્વારા સંચાલિત થાય છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મહાગઠબંધને બહુમતી તો મેળવી લીધી છે, આમ છતાં, મેયર કોણ અને કયા પક્ષના બનશે તેની સ્પર્ધા પૂરી થઈ નથી. મેયરની ચૂંટણી પ્રક્રિયા કાયદેસર છે અને અનામત લોટરી પર આધાર રાખે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, OBC, જનરલ અને મહિલાઓ માટે અનામતની રોટેશન સિસ્ટમને કારણે મેયરની ચૂંટણીમાં વિલંબ થયો છે. આ લોટરીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજકીય પક્ષો, મેયર પદ માટેના ઉમેદવારોની જાહેરાત કરી શકતા નથી, તેથી મુંબઈને મેયર મેળવવામાં વધુ સમય લાગશે.
મહારાષ્ટ્ર રાજ્યમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ગત 15મી જાન્યુઆરીના રોજ યોજાઈ હતી, પરંતુ બધાનું ધ્યાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પર કેન્દ્રિત હતું, જે ખૂબ જ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે જૂથના ગઠબંધને આ ચૂંટણી લડી હતી. તેમની સામે ઠાકરે ભાઈઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના ગઠબંધન હતું. પરંતુ ભાજપ 89 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો અને શિવસેના શિંદે જૂથે 29 બેઠકો જીતીને, ગઠબંધને મેજિક ફિગર એટલે કે મેયર પદ માટે જરૂરી બહુમતી પાર કરી. બંનેએ મળીને મુંબઈમાં 118 બેઠકો જીતી છે અને એ વાત દિવા જેવી સ્પષ્ટ છે કે મુંબઈમાં હવે મહાગઠબંધનમાંથી કોઈ મેયર હશે.
ચૂંટણી પરિણામો જાહેર થયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં, મેયર કોણ બનશે તે અંગેનો વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી અને ટૂંક સમયમાં ઉકેલાશે પણ નહીં. કારણ કે મહારાષ્ટ્રમાં મેયરની ચૂંટણી એક અલગ કાનૂની પ્રક્રિયા દ્વારા સંચાલિત થાય છે. જે નવી વિધાનસભાની ઔપચારિક રચના થયા પછી જ શરૂ થાય છે. મેયરની પસંદગી કોર્પોરેટરો દ્વારા કરવામાં આવે છે અને આ પદ અનામત હેઠળ આવે છે. જ્યાં સુધી આ અનામત લોટરી દ્વારા અંતિમ સ્વરૂપ ના મળે અને સત્તાવાર સૂચના જાહેર ન થાય ત્યાં સુધી રાજકીય પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી શકતા નથી. તેથી, આ અઠવાડિયે મુંબઈને મેયર મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે.