
મહારાષ્ટ્રના નાગપુરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. 17 વર્ષીય મહિલા ક્રિકેટર જીવન ટુકાવ્યું છે. આ મહિલા ક્રિકેટરનું નામ અદિતિ મોરેશ્વર ચૌખંડે છે. ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અદિતિ મોરેશ્વર ચૌખંડે મૂળ મહારાષ્ટ્ર અકોલાની રહેવાસી હતી. છેલ્લા બે વર્ષથી તે નાગપુરના લક્ષ્મી નગરમાં ઉમાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં તેની માતા સાથે રહેતી હતી. તે સુર્વે ક્રિકેટ એકેડમીમાં નિયમિતપણે ટ્રેનિંગ લઈ રહી હતી અને મોટા સ્તરે ક્રિકેટ રમવાનું સપનું જોઈ રહી હતી. તાજેતરમાં તેણીને વિદર્ભ ક્રિકેટ એસોસિએશનની (VCA) પસંદગી પ્રક્રિયામાં પસંદ કરવામાં આવી ન હતી. જેના પછી તે માનસિક તણાવમાં હતી.
આ ઘટના મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવાર 29 જુલાઈના રાત્રે અદિતીએ તેની માતા સાથે ડિનર કર્યું હતું અને પછી તેના રૂમમાં ગઈ હતી. ગુરુવાર 30 જુલાઈના રોજ સવારે મૃતદેહ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં લખેલું હતું, “મારી પસંદગી થઈ નહીં.”
પોલીસના જણાવ્યા મુજબ, અદિતીના પિતા અકોલામાં સિવિલ કોન્ટ્રાક્ટર છે. અદિતી નાગપુરમાં તેની માતા અને મોટો ભાઈ પ્રબલ ચૌખંડે સાથે રહેતી હતી. ઘટના સમયે ભાઈ શહેરની બહાર હતો. પ્રબલ ચૌખાંડે પણ ક્રિકેટ સાથે જોડાયેલો છે અને એક ખેલાડી તરીકે ઓળખાય છે. પરિવારને આશા હતી કે અદિતિ પોતાની પ્રતિભાના આધારે ક્રિકેટમાં મોટું સ્થાન મેળવી શકે છે.
બજાજ નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચેતન ચૌહાણે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં પસંદગી ન થવાને કારણે માનસિક તણાવ હોવાનું બહાર આવ્યું છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. પોલીસ આ કેસની તમામ એંગલથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો, Breaking News: IPL ઈતિહાસનો સૌથી લાંબો છગ્ગો ફટકારનાર ખેલાડી બન્યો સુપર કિંગ્સનો હેડ કોચ