Hindustani Bhau: કોણ છે હિન્દુસ્તાની ભાઉ, જેના કહેવાથી વિદ્યાર્થીઓ મુંબઈના રસ્તાઓ પર ઉતર્યા ? ધરપકડની અટકળો
હિન્દુસ્તાની ભાઉ પર સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ છે. તેમના આદેશ પર, હજારો વિદ્યાર્થીઓ મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
‘રૂકો જરા સબર કરો’થી પોતાની વાત શરૂ કરવા માટે પ્રખ્યાત વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ (Vikas Pathak alis Hindustani Bhau) સામે કાર્યવાહીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેની સામે મુંબઈના ધારાવીમાં કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન હિન્દુસ્તાની ભાઉ ધરપકડ પૂર્વ જામીન માટે વકીલોની સલાહ લઈ રહ્યા છે. તેમની ધરપકડ થઈ શકે છે. હિન્દુસ્તાની ભાઉ પર સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ છે. તેમના આદેશ પર, હજારો વિદ્યાર્થીઓ મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મુંબઈમાં વિદ્યાર્થીઓએ ધારાવી સ્થિત શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના ઘરનો ઘેરાવ કર્યો હતો.
વિદ્યાર્થીઓની દલીલ છે કે જ્યારે અભ્યાસ ઓનલાઈન કર્યો છે તો તેઓ પરીક્ષા શા માટે ઑફલાઇન આપે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષાનો સમય આગળ વધારવાની પણ માંગ કરી રહ્યા છે. મુંબઈ ઉપરાંત નાગપુર, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ, જલગાંવ, નાંદેડમાં પણ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રવિવારે વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે પરીક્ષા સમયસર લેવામાં આવશે અને ઑફલાઇન લેવામાં આવશે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે તમામ કચેરીઓ ઓનલાઈન કામ કરી રહી છે તો પછી વિદ્યાર્થીઓના જીવને કેમ જોખમમાં મુકવામાં આવી રહ્યો છે?
હિન્દુસ્તાની ભાઉનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે
વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપને સરકાર ગંભીરતાથી લઈ રહી છે
વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના મામલાને સરકારે ગંભીરતાથી લીધો છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ પ્રશાસનને પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે. દિલીપ વાલસે પાટીલ કહે છે કે વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં એકલા જમા થઈ શકે નહી. આ સમજી વિચારીને આયોજનપુર્વક કરવામાં આવ્યું છે. તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હિન્દુસ્તાની ભાઉ તરીકે જાણીતા વિકાસ પાઠકની ભાગીદારીની તપાસ કરવામાં આવશે અને તે પછી કાર્યવાહીની દિશામાં પગલાં લેવામાં આવશે. એટલે કે હિન્દુસ્તાની ભાઉની મુશ્કેલીઓ હવે વધવાની છે તે નિશ્ચિત છે.
કોણ છે હિન્દુસ્તાની ભાઉ? વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આક્ષેપ કેમ થઈ રહ્યા છે?
વિદ્યાર્થીઓના આંદોલન પહેલા હિન્દુસ્તાની ભાઉ મુંબઈના ધારાવીમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. સંભવિત જોખમો જોઈને પોલીસે તેમને ત્યાંથી બહાર મોકલી દીધા. હિન્દુસ્તાની ભાઉને પોલીસે ઝડપી લેતા વિદ્યાર્થીઓ વધુ ઉગ્ર બન્યા હતા. હિન્દુસ્તાન ભાઉનું નામ વાસ્તવમાં વિકાસ પાઠક છે. સોશિયલ મીડિયામાં તેઓ તેમના નિવેદનને કારણે હિન્દુસ્તાની ભાઉ તરીકે પ્રખ્યાત છે. તેમણે બિગ બોસની સીઝન 13માં પણ ભાગ લીધો હતો. સોશિયલ મીડિયામાં તેઓ તેમના વીડિયોમાં અશ્લીલ ભાષાનો પણ ઉપયોગ કરે છે.
આંદોલન પછી હિન્દુસ્તાની ભાઉએ શું કહ્યું?
હિન્દુસ્તાન ભાઉએ કહ્યું કે ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓ વર્ષા ગાયકવાડ સામે તેમની માંગણીઓ મૂકી રહ્યા છે. તેમનો અવાજ સાંભળવામાં આવી રહ્યો ન હતો. આ પછી વિદ્યાર્થીઓએ મારા આહ્વાન પર પોતાનો આ પ્રતિભાવ આપ્યો. મારો એક જ મુદ્દો છે કે જ્યાં સુધી કોરોના દૂર ન થાય ત્યાં સુધી પરીક્ષાની તારીખ લંબાવવી જોઈએ. વિદ્યાર્થીઓની તમામ ફી માફ કરવી જોઈએ. તમે બધી બેઠકો ઓનલાઈન લો છો, તો પછી તમે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓનલાઈન કેમ નથી લઈ શકતા? અમે એવું નથી કહેતા કે પરીક્ષા ન યોજાવી જોઈએ. દૂર-દૂરના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો યોજાયા નથી. તૈયારી વિના પરીક્ષા કેવી રીતે આપવી. લાખો વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રીને અપીલ કરી. જ્યારે તેમની વાત સાંભળવામાં ન આવી ત્યારે તેઓ મારી પાસે આવ્યા. આજે હું તેમના માટે ઉભો છું.