મુંબઈમાં દર વર્ષે પૂર તો પુણેમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે સવાલ એ થાય કે બંને વચ્ચે માત્ર 150 કિલોમીટરનું અંતર હોવા થતાં મુંબઈમાં પૂરની સ્થિતિ સર્જાય છે, જ્યારે પુણેમાં વરસાદ કેમ ઓછો પડે છે ? આના પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં ખાસ કરીને ભૌગોલિક સ્થિતિ અને આબોહવા જવાબદાર છે.
મુંબઈની વાત કરીએ તો, આ શહેર Windward બાજુ આવેલું હોવાથી ત્યાં વધુ વરસાદ પડે છે. સરળ ભાષામાં સમજીએ તો, અરબી સમુદ્ર તરફથી આવતા મોસમી પવનો પશ્ચિમ ઘાટ સાથે અથડાય છે, તેથી પશ્ચિમ બાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડે છે. મુંબઈ પણ પશ્ચિમ વિસ્તારમાં આવેલું હોવાથી અહીં ધોધમાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે.
જ્યારે પુણે Leeward બાજુ આવેલું હોવાથી પૂણેમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. સરળ ભાષામાં સમજીએ તો, અરબી સમુદ્ર તરફથી આવતા મોસમી પવનો જ્યારે પશ્ચિમ ઘાટ પસાર કરે છે, તો આ પવનો ગરમ થઈ જાય છે, તેથી ભેજનું પ્રમાણ ઘટી જાય છે. તેથી પશ્ચિમ ઘાટની પૂર્વ દિશામાં આવેલા પુણેમાં વરસાદ ઓછો પડે છે, જેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.
મુંબઈ અરબી સમુદ્રના કિનારે આવેલું છે અને તેની ભૌગોલિક સ્થિતિ દરિયાની સપાટીની નજીક છે. આ શહેર નદીઓ, તળાવો અને નહેરોથી ઘેરાયેલું છે, જે વરસાદની મોસમમાં ભરાઈ જાય છે. વધુમાં ચોમાસા દરમિયાન દરિયાઈ પવનો ભારે વરસાદ લાવે છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને મુંબઈમાં પૂરની સ્થિતિ સર્જાય છે.
જ્યારે પુણે મુંબઈ કરતાં વધુ ઊંચાઈએ આવેલું છે અને અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. તે પશ્ચિમ ઘાટની પૂર્વમાં સ્થિત છે, જ્યાં ચોમાસાના પવનો પહોંચતા પહેલા નબળા પડી જાય છે. આ કારણે પુણેમાં મુંબઈ કરતાં ઓછો વરસાદ પડે છે, જેના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે.