
IRCTC iPay Autopay : કેટલીકવાર ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન ટિકિટ ખરીદતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા પછી કન્ફર્મ ટિકિટ મળતી નથી. આમ છતાં પૈસા પણ કપાય છે. વેઇટિંગ ટિકિટની રસીદ પર પૈસા કાપવામાં આવે છે. તેની પુષ્ટિ ન થાય તો પણ રિફંડ માટે માથાકુટ કરવી પડે છે.
આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે, ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ઓટો પે ફીચરની સુવિધા આપી છે. આના દ્વારા ટિકિટ કન્ફર્મ થવા પર જ પૈસા કપાશે. જો સીટ કન્ફર્મ નહીં થાય તો તમારા પૈસા તમારા ખાતામાં રહેશે.
આ સુવિધા IRCTCની એપ અથવા વેબસાઇટ પર પેમેન્ટ ગેટવે વિકલ્પની ઉપર જ દેખાશે. આ ફીચર દ્વારા ટિકિટ બુક કરાવતી વખતે તાત્કાલિક પેમેન્ટ કરવાની જરૂર નથી. આમાં પૈસા બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં રિફંડ માટે રાહ જોવાની જરૂર નથી.
આ ફીચર IPOમાં પૈસાના રોકાણની જેમ જ કામ કરે છે. IPO માં રોકાણ કરતી વખતે ખાતામાંથી પૈસા તરત જ કપાતા નથી. જો કે, તે રકમને ચોક્કસપણે બ્લોક જરૂર કરવામાં આવે છે. હવે જો IPOમાં શેર ફાળવવામાં આવશે તો પૈસા કપાશે. જો નહીં કરવામાં આવે, તો તમે તે પૈસાનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરી શકો છો. આમાં રિફંડની કોઈ ઝંઝટ નથી. તેવી જ રીતે, IRCTCની ઓટો પે ફીચર પણ કામ કરે છે. આમાં ચુકવણી માટેના પૈસા બ્લોક કરવમાં આવે છે. પરંતુ તેઓ કાપતા નથી. સીટ કન્ફર્મ થાય ત્યારે જ પૈસા કપાય છે. જો ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં રહે છે, તો પૈસા યુજર્સના ખાતામાં પરત કરવામાં આવે છે.
આનો સૌથી વધુ ફાયદો ફક્ત તે જ લોકોને થશે, જેઓ રેલવેની ઈ-ટિકિટ બુક કરી રહ્યાં છે અથવા વેઇટિંગ લિસ્ટ જનરલ અથવા તત્કાલ ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વેઇટલિસ્ટમાં રહેલા લોકો માટે ઑટોપે વધુ ફાયદાકારક હોઈ શકે છે. જો ટિકિટ કન્ફર્મ ન થાય તો ખાતામાંથી પૈસા કપાઈ જવાનું જોખમ દૂર થઈ જાય છે.
જ્યારે ચાર્ટ તૈયાર થયા પછી પણ તત્કાલ ઈ-ટિકિટ વેઈટલિસ્ટમાં રહે છે. પછી આવી સ્થિતિમાં માત્ર કેન્સલેશન ચાર્જ, IRCTC સુવિધા ફી અને મેન્ડેટ ચાર્જ જેવા લાગુ પડતા ચાર્જ યુઝરના ખાતામાંથી કાપવામાં આવશે. ઓટોપે બેંક ખાતામાં પાછું આપવામાં આવે છે.