મીઠાએ બચાવ્યો જીવ ! ખાવામાં મીઠું વધારે પડ્યું ને બચી ગયા આ 11 લોકો, ઘટના જાણી ચોંકી જશો
Pahalgam Terror Attack: કેરળનો એક પરિવાર પણ પહેલગામમાં તે જગ્યાએ પહોંચવા માંગતો હતો જ્યાં આતંકવાદીઓએ 26 લોકોને માર્યા હતા. તે ઢાબાના કુકની ભૂલને કારણે ત્યાં ના જઈ શક્યો અને જીવ બચી ગયો.

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓનો ધર્મ પૂછી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ આખા દેશમાં શોક ફેલાવ્યો છે. પીએમ મોદીએ તે આતંકવાદીઓને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. મંગળવારે પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને બેરહેમીથી હત્યા કરી હતી.
જોકે, એક પરિવાર એવો હતો જે તે સ્થળની મુલાકાતે જવાનો હતો, પણ ખાવામાં વધારે મીઠાના કારણે પરિવારના 11 સભ્યોનો જીવ બચી ગયો. સદનસીબે, તે ઢાબાએ એક નાની ભૂલ કરી, જેના કારણે 11 લોકોના જીવ બચી ગયા. ચાલો જાણીએ કે આખો મામલો શું છે.
મીઠાના કારણે બચ્યો 11 લોકોનો જીવ
આ કેરળના એક પરિવારની વાત છે. જે દિવસ પહેલગામમાં હુમલો થયો ત્યારે 11 સભ્યોનો એક પરિવાર પણ કાશ્મીર ફરવા આવ્યો હતો. પહેલગામની બૈસરન ખીણમાં જતા પહેલા, બધા એક ઢાબા પર લંચ માટે રોકાયા. આ પરિવારના જૂથમાં લાવણ્યા, તેના પતિ આલ્બી જ્યોર્જ, તેમના ત્રણ બાળકો, તેના પતિના માતા-પિતા, પિતરાઈ ભાઈ અને તેનો પરિવાર શામેલ હતો.
મીડિયા સાથે વાત કરતી વખતે, લાવણ્યાએ એક એવી વાત કહી, જે જાણી લોકો ચોંકી ગયા તેમણે કહ્યું “અમે પહેલગામની મુલાકાત લેવા માટે બે દિવસનું આયોજન કર્યું હતું. અમે પહેલગામને સારી રીતે જોવા માંગતા હતા. અમે ઉપર જઈ રહ્યા હતા અને જ્યાં આ ઘટના બની હતી ત્યાંથી બે કિલોમીટર દૂર હતા. પણ અમે ત્યાં જતા પહેલા એક ઢાબા પર લંચ માટે રોકાયા.
ઢાબા માલિકે આગ્રહ કરી જવા ના દીધા
તેમણે કહ્યું બપોરના ભોજન માટે અમે ઢાબા પર, મટન, રોગન જોશનો ઓર્ડર આપ્યો, પરંતુ સ્ટાફથી તેમાં વધારે મીઠું પડી ગયું તેમજ મટનમાં હાડકા વધારે હતા, જે અમારા માતા-પિતા 70 વર્ષથી વધુ ઉંમરના છે, તેમના માટે આ ખાવું મુશ્કેલ હતુ. આથી અમે જ્યારે ઢાબા માલિકને આ વાત કહી, ત્યારે તેમને ખૂબ ખરાબ લાગ્યું અને તેમણે કહ્યું કે અમે ફરીથી તમારું ભોજન તૈયાર કરીશું. અમે તેમને એમ પણ કહ્યું કે ખૂબ મોડું થશે, પરંતુ તેઓ ના માન્યા અને અમને આગ્રહ કર્યો અને ફરીથી ઓર્ડર તૈયાર કરવાનું શરૂ કર્યું.
જે બાદ ભોજન તૈયાર થઈ જતા અમે જમવાનું શરુ કર્યું ને ત્યારે અમે 10-20 ઘોડા નીચે દોડતા જોયા. અમને લાગ્યું કે કંઈક ખોટું થયું છે કારણ કે પ્રાણીઓ ડરી ગયા હતા. અમે પહેલા વિચાર્યું કે તે ભૂસ્ખલન હોઈ શકે છે પરંતુ પછી અમે સમજી ગયા કે એવું નથી. અમે ઉપર જવાનું નક્કી કર્યું પરંતુ પછી નીચે આવતા કેટલાક વાહનોએ અમને હાથના ઈશારાથી ન જવા કહ્યું. આથી ઢાબા માલિકના આગ્રહે તેમને ત્યાં જમવા રોકાવું પડ્યું અને આમ 11 લોકોનો જીવ બચી ગયો
