Surat : તાપી નદીમાં પ્રદૂષણનું સામ્રાજ્ય, હાલ સુરતીઓ લીલ વાળું પાણી પીવા બન્યા મજબૂર
સુરત શહેરના રાંદેર ટાઉન અને સિંગણપોરને જોડતા કોઝ-વેના બંધિયાર પાણીમાં પ્લાસ્કિટની બોટલ અને કચરાના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે.
સુરતની તાપી નદીમાં ચારે તરફ લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. રાંદેર ટાઉન અને સિંગણપોરને જોડતા કોઝ-વેના બંધિયાર પાણીમાં પ્લાસ્કિટની બોટલ અને કચરાના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે. અહીંથી પસાર થતા સ્થાનિકો અને આસપાસમાં રહેતા લોકોના મતે પહેલીવાર આટલી દુર્ગંધ આવે છે. સ્થાનિકોને આશંકા છે કે અહીં કોઈ કેમિકલ ભેળવી ગયું છે. આ કેમિકલયુક્ત પાણી અને કચરાના કારણે આસપાસમાં રોગચાળો ફાટી નીકળવાની આશંકા છે. આસપાસમાં રહેતા લોકો લાંબા સમયથી ગંદા પાણી અને માથુ ફાટી નાંખે તેવી વાસથી પરેશાન છે. પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને તો જાણે પ્રજાની સમસ્યાની કાંઈ પડી જ નથી. આ કોઝ-વેમાં તંત્રએ તાત્કાલિક સફાઈ કરાવીને લોકોની સમસ્યાનો નિકાલ લાવવો જોઈએ.
છતાં સ્વચ્છતાનો રાગ આલાપી રહ્યું છે તંત્ર
એક તરફ સુરત મહાનગર પાલિકાનું તંત્ર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવનિયુક્ત મનપા કમિશનરે સફાઈ ઝુંબેશ માટે આરોગ્ય વિભાગની સાથે-સાથે ઝોનલ ચીફને પણ જવાબદારી સોંપી છે. CCTV ના માધ્યમથી જાહેરમાં કચરો ફેંકનારાઓ ને દંડ પણ કરી રહ્યા છે,પરંતુ ખુદ સુરત મહાનગર પાલિકાનું તંત્ર અને GPCB અધિકારીઓ એક બીજા અધિકારીઓ પર ખો રમી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. સુરત શહેરના એક માત્ર પીવાના પાણીના સ્ત્રોત એવા વિયર કમ કોઝવેમાં પારાવાર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કોઝવે પાસેથી પસાર થવાનું પણ મુશ્કેલ કરી દે તેવી દુર્ગંધ અહીં આવી રહી છે,પરંતુ તંત્ર જાણે નિંદ્રામાં હોય તેવી પ્રતિતી થઈ રહી છે.
તાપી નદીના પાણી નો કલર બદલાયો !
આપને જણાવી દઈએ કે, સુરત મનપા તંત્ર દ્વારા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, જેથી તાપી નદી શુધ્ધ થાય અને તબક્કાવાર આ કામગીરી કરવામાં મથામણ કરવામાં આવી રહ્યા છે,પરંતુ સુરત શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત એવા કોઝવે તરફ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. કોઝવેના પાણીનો કલર લીલો થઈ ગયો છે. જેથી હાલ લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે.