ભારત જોડો યાત્રા દરમિયાન લાલચોકમાં ત્રિરંગો ફરકાવવાના મુદ્દે કોંગ્રેસ વિવાદમાં ઘેરાઈ
ખુદ કોંગ્રેસના નેતાઓએ આ મામલે નિવેદન આપીને અને આરએસએસના એજન્ડાની વાત કરીને વિવાદ સર્જ્યો છે. જોકે બાદમાં આ અંગે સ્પષ્ટતા પણ આપવામાં આવી છે.
7 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં જમ્મુ-કાશ્મીરમાં છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાંથી ઉત્તર ભારતમાં કાશ્મીરમાં આગામી 30મી જાન્યુઆરીએ ભારત જોડો યાત્રા પૂર્ણ કરવા જઈ રહી છે. ભારત જોડો યાત્રાને મળેલ પ્રતિસાદને મતમાં બદલવા માટે કોંગ્રેસ હવે હાથથી હાથ મેળવવાનું અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જો કે આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં ફરી રાજકીય માહોલ ગરમાયો છે અને મુદ્દો એ છે કે ભારત જોડો યાત્રાના વખતે રાહુલ ગાંધી 26મી જાન્યુઆરીએ ત્રિરંગો ક્યા ફરકાવશે.
આ સમગ્ર વિવાદનો મામલો ખુદ કોંગ્રેસના નેતાઓના નિવેદનથી સર્જાયો છે. કોંગ્રેસના નેતાઓના નિવેદનને કારણે ભાજપને પ્રહાર કરવાની તક મળી છે. વાસ્તવમાં જ્યારે યાત્રા શરૂ થઈ ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, કોંગ્રેસ શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક પર ત્રિરંગો લહેરાવીને યાત્રાનું સમાપન કરશે. પરંતુ કોંગ્રેસ પાર્ટીના જમ્મુ-કાશ્મીરના પ્રભારી રજની પાટીલે નિવેદન આપ્યું હતું કે, લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવો એ તો આરએસએસનો એજન્ડા છે. અમે એ એજન્ડાને કેમ આગળ લઈ જઈએ? અમે ત્રિરંગો લાલ ચોક સ્થિત કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય પર લહેરાવીશું.
લાલચોકમાં નહેરુએ ફરકાવ્યો હતો ત્રિરંગો
કદાચ રજની પાટીલ એ ભૂલી ગયા હતા કે, 1948માં કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ પછી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ, શેખ અબ્દુલ્લાની હાજરીમાં લાલચોક ખાતે ત્રિરંગો લહેરાવીને પ્રથમ વખત ઈતિહાસ રચ્યો હતો. પરંતુ રજની પાટીલને મુરલી મનોહર જોશી અને અનુરાગ ઠાકુરની ત્રિરંગા યાત્રા જ યાદ હતી. રજની પાટીલના નિવેદન બાદ ભાજપને કોંગ્રેસ પર ભારત જોડો યાત્રા અને લાલ ચોકના નામ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવવાનો મોકો મળ્યો.
જયરામ રમેશે કરી સ્પષ્ટતા
ભાજપે કરેલ વાકપ્રહાર બાદ, બેકફૂટ પર આવી ગયેલી કોંગ્રેસે, મીડિયા પ્રભારી અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશને મેદાનમાં ઉતાર્યા. સ્પષ્ટતા આપતાં જયરામ રમેશે કહ્યું કે, કોંગ્રેસ લાલચોક ખાતે જ પાર્ટીના મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવશે. કારણ કે, આ ઐતિહાસિક ક્ષણને યાદ કરવા માટે, લાલ ચોકમાં સ્મારક તરીકે કાયમી માળખું બનાવવા માંગે છે. જો કે શ્રીનગરમાં કોંગ્રેસ કાર્યાલય લાલ ચોકથી થોડે દૂર આવેલ મૌલાના આઝાદ રોડ પર છે. પરંતુ પ્રભારી રજની પાટીલે ત્રિરંગો ફરકાવવા અંગે લાલચોક અને આરએસએસના એજન્ડાનો મુદ્દો ઉઠાવીને વિવાદ સર્જ્યો છે.