હવાના પ્રદૂષણને કેમ ગંભીર માનવામાં આવે છે ? તેનાથી શુ થાય છે નુકસાન ?
આજકાલ હવામાં પ્રદૂષણને લઈને દિલ્હી સહીતના અનેક શહેરો ચર્ચામાં છે. ક્રિકેટ વિશ્વકપ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓએ વધુ માત્રામાં હવાના પ્રદૂષણ હોવાને કારણે તેમની પ્રેકટીસ પણ પડતી મૂકીને હોટલમાં રહેવાનું વધુ પસંદ કર્યું હતું. ઈગ્લેન્ડના ખેલાડીઓ વાયુ પ્રદૂષણથી બચવા માટે ઈન્હેલર્સનો ઉપયોગ કરતા જોવા મળ્યાં હતા. આ સંજોગોમાં સૌ કોઈને એ જાણવું હોય છે કે, હવાનુ પ્રદૂષણ માનવ શરીરને કેવી રીતે અને કેટલું નુકસાન પહોચાડી શકે ?

આજકાલ હવા પ્રદૂષણને લઈને દિલ્હી સહીતના અનેક શહેરો ચર્ચામાં છે. ક્રિકેટ વિશ્વકપ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓએ વધુ માત્રામાં હવાના પ્રદૂષણ હોવાને કારણે તેમની પ્રેકટીસ પણ પડતી મૂકીને હોટલમાં રહેવાનું વધુ પસંદ કર્યું હતું. હવામાં કેટલુ પ્રદૂષણ છે તે ચકાસવા માટે એર ક્વોલિટી ઈન્ડેક્ષ કે જેને ટુંકમાં AQI કહેવામાં આવે છે. એક્યુઆઈ જેટલુ વધુ એટલું હવામાં પ્રદૂષણની માત્રા વધુ. વધુ પડતા વાયુ પ્રદૂષણને લઈને માનવ શરીર પર અનેક પ્રકારે નુકસાન અને રોગ થતા હોવાનું તબીબોનુ માનવું છે. સામાન્ય રીતે વધુ પડતા વાયુ પ્રદૂષણ વચ્ચે રહેવાથી માનવીનું સરેરાશ આયુષ્ય બે વર્ષ સુધી ઘટતું હોવાનું સંશોધકોનું કહેવું છે.
કેવા પ્રકારના રોગ થવાની સંભાવના વધે
વધુ પડતા વાયુ પ્રદૂષણને કારણે સૌથી પહેલા તો શ્વાસને લગતા રોગથી પિડાતા દર્દીઓને તકલીફ થાય છે. નબળી ગુણવત્તાવાળી હવાને સતત શ્વાસ વાટે લેવાથી એક પ્રકારે ઝેર શરીરમાં પ્રવેશે છે. હવામા પ્રદૂષક તત્વો ભળે ત્યારે તે માનવ શરીર માટે ધીમુ ઝેર બની જાય છે. હવામાં તરતા પ્રદૂષણના અતિ સુક્ષ્મ રજકણો શ્વાસ વાટે માનવ શરીરમાં પ્રવેશે છે. જેના કારણે ગંભીર કહી શકાય તેવા શ્વાસને લગતા અસ્થમા, બ્રોન્કાઈટીસ, ફેફસાનું કેન્સર, હર્દયને લગતા રોગ થવાની સંભાવના વધી જાય છે. તેની સાથે સામાન્ય ગણાતા શરદી અને ખાંસી થાય છે. તો ક્યારેક છાતીમાં દુખાવો ઉપડે છે. ત્વચાને લગતા રોગ પણ થાય છે. આ ઉપરાંત માળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે. બ્લડપ્રેશરના પણ કેસ વધતા હોવાનું સામે આવ્યું છે.
હવાને પીએમ લેવલથી કેમ માપવામાં આવે છે
પીએમ એટલે પાર્ટિક્યુલેટ મેટર. જે હવામાં તરતા અતિ સુક્ષ્મ રજકણની માત્રા માપવાનું એકમ છે. ક્યારેક તમે પીએમ 2.5 અને પીએમ 10 એવુ વાચ્યું હશે, જે હવામાં રહેલા રજકણની સાઈઝ દર્શાવે છે. જેટલા ઓછા પીએમ હોય તે સામાન્ય રીતે નરી આંખે દેખાતા પણ નથી હોતા. માનવ શરીર પર જે રૂંવાટી હોય છે તેનુ કદ પીએમ 50નું હોય છે. હવે આના પરથી એક અંદાજ લગાવો કે પીએમ 2.5 અને પીએમ 10 કેટલા સુક્ષ્મ હશે. હવાની ગુણવત્તા માટે 24 કલાકમાં હવામાં પીએમ 2.5નું પ્રમાણ 60 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર અને પીએમ 10નું પ્રમાણ 100 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ. જો એનાથી વધુ પ્રમાણ હોય તો પ્રદૂષણની માત્રા વધુ કહેવાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો જેમ પીએમનું પ્રમાણ વધુ એટલુ હવામાં પ્રદૂષણ વધુ.
હવામાં પ્રદૂષણની માત્રા કેટલાક કારણોસર વધતી જોવા મળે છે. તેમાં સર્વસામાન્ય બાબત એવી છે કે, જ્યાં કોલસા આધારીત યંત્રનો વધુ ઉપયોગ થતો હોય તેવા ઉદ્યોગ, ડીઝલ આધારીત વાહન, બાંધકામ સાઈટ-ખોદકામ, કચરો બાળવાથી વાયુ પ્રદૂષણ વધતું હોય છે. આ બધાને કારણે હવામાં એક પ્રકારે ઝેર ભળે છે જેને લોકો શ્વાસ વાટે શરીરમાં દાખલ કરે છે. અને લાંબા ગાળે વિવિધ રોગ થવાની સંભાવના વધે છે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
