NCERT Book News : પુસ્તકોમાંથી પીરીયોડિક ટેબલ હટાવવામાં આવ્યું નથી, હવે ધોરણ-11ના વિદ્યાર્થીઓ કરશે અભ્યાસ
NCERT : NCERT એ તેના પાઠ્યપુસ્તકોમાંથી પીરીયોડિક ટેબલ દૂર કર્યું નથી. હવે તેનો અભ્યાસ ધોરણ 10 ના નહીં, પરંતુ ધોરણ 11 ના વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરશે. તે માત્ર 10માના પુસ્તકોમાંથી જ કાઢી નાખવામાં આવ્યું છે.
NCERT News : NCERTએ તેના પુસ્તકોમાંથી પીરિયડિક ટેબલ હટાવ્યું નથી, પરંતુ હવે ધોરણ 10ના બદલે ધોરણ 11ના વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરશે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 10ના પાઠ્યપુસ્તકોમાંથી પીરીયોડિક ટેબલને દૂર કરવા પર વ્યાપક ટીકા બાદ સ્પષ્ટતા જાહેર કરી છે. NCERTએ કહ્યું કે, આ વિષયને પડતો મૂકવામાં આવ્યો નથી, પરંતુ કોવિડ-19 રોગચાળાને પગલે વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવાના પ્રયાસરૂપે તેને ધોરણ 11ના પાઠ્યપુસ્તકોમાં ખસેડવામાં આવ્યો છે.
NCERTએ ટ્વીટ કરીને આપી માહિતી
આ સંદર્ભમાં NCERTએ ટ્વીટ કરીને ધોરણ 10ના અભ્યાસક્રમમાં સુધારો કરવાના કારણોનો ઉલ્લેખ કર્યો છે. NCERTએ લખ્યું છે કે, કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ દરમિયાન શાળા શિક્ષણના તમામ તબક્કાના વિદ્યાર્થીઓને ઓનલાઈન અને અન્ય માધ્યમો દ્વારા તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
Regarding rationalization of the periodic table: Discussion about basic concepts such as elements, symbols, formation of compounds, atoms and molecules have been dealt with in class 9.
— NCERT (@ncert) June 1, 2023
NCERT મુજબ, ધોરણ 9માં તત્વો, પ્રતીકો, સંયોજન રચના, અણુઓ અને પરમાણુઓ જેવા મૂળભૂત ખ્યાલોને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 10મા અભ્યાસક્રમમાં રાસાયણિક પ્રતિક્રિયાઓ, એસિડ, ક્ષાર, ધાતુઓ, બિન-ધાતુઓ અને કાર્બન સહિતના વિષયો આવરી લેવામાં આવ્યા છે. ધોરણ 11 અને 12માં વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પીરીયોડિક ટેબલનો વિગતવાર અભ્યાસ રાખવામાં આવ્યો છે.
કાઉન્સિલે કહ્યું કે, તમામ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે. સંસદીય સ્થાયી સમિતિ NCERT સહિત વિવિધ હિતધારકો દ્વારા અભ્યાસક્રમ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. NCERTએ કહ્યું કે, રિવિઝનમાં તે બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે બાળકો સરળતાથી સમજી શકે છે.