
અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 50 % ટેરિફ લગાવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે, આ રશિયા પર દબાણ લાવવા અને યુદ્ધ અટકાવવાની રણનીતિ છે. જો કે, ભારતે ક્રુડની ખરીદીને રાષ્ટ્રીય હિત ગણાવી છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આકરો ટેરિફ લગાવ્યો છે જેથી રશિયા પર યુદ્ધ રોકવા માટે દબાણ લાવી શકાય. વાન્સના મતે, આ નિર્ણય રશિયાના ઈંધણ નિકાસને ઘટાડવા અને તેને આર્થિક રીતે નબળો પાડવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે.
હકીકતમાં, અમેરિકાએ ભારત પર 50 % ટેરિફ લગાવ્યો છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. તેમાંથી 25 % ટેરિફ દંડ તરીકે લાદવામાં આવ્યો છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર આ દંડ લાદવામાં આવ્યો છે. ટેરિફને કારણે વેપારને લઈને ભારત અને અમેરિકા વચ્ચે વેપાણ-વણજ ક્ષેત્રે ભારે તણાવ છે.
ભારતે વારંવાર રશિયા પાસેથી તેલની આયાત કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે. ભારત કહે છે કે આ નિર્ણય રાષ્ટ્રીય હિતમાં છે. ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પરના હુમલા પછી, પશ્ચિમી દેશોએ રશિયન ઈંધણ ખરીદવાનો ઇનકાર કર્યો અને રશિયા પર પ્રતિબંધો લગાવ્યા. આ પછી, ભારતે રશિયા પાસેથી સસ્તા દરે તેલ ખરીદવાનું શરૂ કર્યું.
અમેરિકા કહે છે કે, ઈંધણના વેચાણને કારણે રશિયાને યુદ્ધમાં પરોક્ષ રીતે મદદ મળી રહી છે. વાન્સને પૂછવામાં આવ્યું હતું કે, અમેરિકા રશિયા પર નવા પ્રતિબંધો લાદી રહ્યું નથી, તો પુતિન અને ઝેલેન્સકીને વાટાઘાટોના ટેબલ પર કેવી રીતે લાવવામાં આવશે.
આના પર, વાન્સે કહ્યું, ટ્રમ્પે ટેરિફ દ્વારા રશિયાને શાંતિ વાટાઘાટો તરફ ધકેલવાનો પ્રયાસ કર્યો છે. જો રશિયા યુદ્ધ બંધ કરે છે, તો તેને વિશ્વ અર્થતંત્રમાં ફરીથી સમાવી શકાય છે. જો આવું નહીં થાય, તો તેઓ અલગ પડી જશે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોનો બચાવ કરતા કહ્યું હતું કે નવી દિલ્હીની ઈંધણ ખરીદી રાષ્ટ્રીય અને વૈશ્વિક હિતમાં છે. જયશંકરે કહ્યું, તે હાસ્યાસ્પદ છે કે વેપાર તરફી યુએસ વહીવટના લોકો અન્ય લોકો પર વેપાર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જો તમને ભારતમાંથી તેલ કે રિફાઇન્ડ પ્રોડક્ટ્સ ખરીદવામાં સમસ્યા હોય, તો ખરીદશો નહીં. કોઈ તમને આ કરવા માટે દબાણ કરી રહ્યું નથી.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો