Breaking News : ટેરિફ મુદ્દે ટ્ર્મ્પ સરકારને ફટકો, વસૂલ કરેલ ટેરિફની રકમ જે તે કંપનીને પાછી આપવા આદેશ

અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા આયાત ટેરિફ અંગે યુનાઇટેડ સ્ટેટ્સમાં એક કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, હવે ટ્રેડ કોર્ટે પણ કંપનીઓને ટેરિફ રિફંડ માટે હકદાર જાહેર કરી છે. આ ચુકાદાને પગલે, અબજો ડોલરની ભરપાઈનો માર્ગ મોકળો કરી શકે છે.

Breaking News : ટેરિફ મુદ્દે ટ્ર્મ્પ સરકારને ફટકો, વસૂલ કરેલ ટેરિફની રકમ જે તે કંપનીને પાછી આપવા આદેશ
| Edited By: | Updated on: Mar 05, 2026 | 1:32 PM

Trump Tariff Refund: યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આ સમાચારને પગલે, વિશ્વભરના વ્યવસાયીકોને ખાસ કરીને અમેરિકામાં નિકાસ કરનારાઓને મોટી રાહત મળી શકે છે. ન્યૂ યોર્કની એક ફેડરલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફ, ગેરકાયદે ઠર્યા બાદ હવે જે તે ટેરિફ ચૂકવનાર કંપનીઓ તેના રિફંડ માટે હકદાર છે. આ નિર્ણય યુએસ સરકારને અબજો ડોલર રિફંડ કરવાની જવાબદારી હેઠળ મૂકે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે પહેલાથી જ ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યો છે, અને હવે ટ્રેડ કોર્ટે પણ નવો ચુકાદો આપતા રિફંડ પ્રક્રિયાને આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે.

સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવ્યો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા મહિને જ, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા આયાત ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. આ ટેરિફ 1977 ના ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ લાદવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ કરીને ઘણા દેશો પર બે-આંકડાની આયાત જકાત લાદી હતી, જેમાં કહેવાતા “પારસ્પરિક ટેરિફ”નો પણ સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે બહુમતીથી ચુકાદો આપ્યો કે ટેરિફ નક્કી કરવા અથવા બદલવાનો અધિકાર ફક્ત રાષ્ટ્રપતિ પાસે નથી, કારણ કે ટેક્સ લાદવાની સત્તા બંધારણ હેઠળ યુએસ કોંગ્રેસ પાસે છે.

ન્યૂ યોર્ક કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડના ન્યાયાધીશ રિચાર્ડ ઇટને, બુધવારે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, આ ટેરિફ ચૂકવનારા આયાતકારો સુપ્રીમ કોર્ટના નિર્ણયનો લાભ મેળવવા માટે સંપૂર્ણ હકદાર છે. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે આવા કેસોની સુનાવણી હવે તે જ કોર્ટમાં કરવામાં આવશે અને રિફંડ સંબંધિત વિવાદોનો ઉકેલ પણ ત્યાં જ લાવવામાં આવશે.

આ ચુકાદો ખાસ કરીને ટેનેસીના નેશવિલમાં આવેલી કંપની એટમસ ફિલ્ટરેશનના કેસને સંબધિત છે, જે ફિલ્ટર્સ અને અન્ય ફિલ્ટરેશનનું ઉત્પાદન કરે છે. કંપનીએ દાવો કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠરાવ્યા બાદ હવે તેને ચૂકવેલ ટેરિફ માટેનું રિફંડ મળવું જોઈએ.

રિફંડનો આંકડો 175 બિલિયન ડોલર સુધી પહોંચી શકે

અહેવાલો અનુસાર, યુએસ સરકારે ડિસેમ્બરના મધ્ય સુધીમાં આ ટેરિફ દ્વારા 130 બિલિયન ડોલરથી વધુ એકત્રિત કર્યા હતા. પેન વ્હાર્ટન બજેટ મોડેલનો અંદાજ છે કે કુલ રિફંડ 175 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. કાનૂની નિષ્ણાતો માને છે કે સરકાર આ નિર્ણય સામે અપીલ કરી શકે છે અથવા પ્રક્રિયા અટકાવવા માટે સમય માંગી શકે છે.

Iran Israel War Day 5 : ઈરાને કર્યો ધડાકો, અમેરિકાની કતારમાં આવેલી એર રડાર સિસ્ટમ જ તોડી નાખી