Trending Video : પાછળથી મોત બનીને આવી રહી હતી કાર, Tesla ની AI ટેક્નોલોજીએ છેલ્લી ઘડીએ રસ્તો બદલીને બચાવી લીધો જીવ!

અમેરિકાના ઉટાહમાંથી સામે આવેલો Tesla કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારને જોઈને Tesla અચાનક રસ્તાની બાજુ તરફ જતી જોવા મળે છે.

Trending Video : પાછળથી મોત બનીને આવી રહી હતી કાર, Tesla ની AI ટેક્નોલોજીએ છેલ્લી ઘડીએ રસ્તો બદલીને બચાવી લીધો જીવ!
Tesla AI Technology
Image Credit source: X | @RepubliKate
| Updated on: Nov 15, 2026 | 11:40 AM

અમેરિકાના ઉટાહમાંથી સામે આવેલો Tesla કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારને જોઈને Tesla અચાનક રસ્તાની બાજુ તરફ જતી જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે થોડી જ સેકન્ડમાં પાછળથી આવતી કાર અન્ય વાહનને જોરદાર ટક્કર મારે છે. આ ઘટનાને કારણે Tesla ની ડ્રાઇવર-અસિસ્ટન્સ ટેક્નોલોજી ફરી ચર્ચામાં આવી છે.

શું Tesla ની AI ટેક્નોલોજીએ અગાઉથી જોખમ ઓળખી લીધું હતું?

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે Tesla કાર સામાન્ય રીતે રસ્તા પર આગળ વધી રહી હતી. એ દરમિયાન પાછળથી સફેદ રંગની એક સેડાન કાર ખૂબ જ ઝડપે આવતી દેખાય છે. આ પરિસ્થિતિમાં Tesla અચાનક રસ્તાની કિનારી તરફ ખસી જાય છે. થોડી જ ક્ષણોમાં સફેદ કાર Teslaને ડાબી બાજુથી ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે. ત્યારબાદ એક ચોકડી પાસે અન્ય વાહન સાથે તેની જોરદાર ટક્કર થાય છે.

આ વીડિયો સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે Teslaની ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) ટેક્નોલોજીએ પાછળથી આવી રહેલા સંભવિત જોખમને ઓળખી લીધું હતું અને સમયસર કારની દિશા બદલી હતી. જોકે, આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર એજન્સી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર ત્રણ વીડિયો થયા વાયરલ

આ ઘટનાના ત્રણ અલગ-અલગ વીડિયો Kathleen Anderson નામની મહિલાએ પોતાના X એકાઉન્ટ @RepubliKate પર શેર કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે Tesla કાર તેના ભાઈના એક મિત્રની હતી. તેના જણાવ્યા પ્રમાણે, ઘટના બની ત્યારે કારમાં ડ્રાઇવર-અસિસ્ટન્સ સિસ્ટમ ચાલુ હતી. વીડિયો વાયરલ થયા બાદ Teslaની ટેક્નોલોજીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોનું માનવું છે કે પાછળથી આવી રહેલી કારની સ્પીડ અને જોખમને ધ્યાનમાં રાખીને Tesla એ સમયસર રસ્તો બદલ્યો હતો.

Tesla ની ટેક્નોલોજીને લઈને લોકોમાં ચર્ચા

આ વીડિયો એક કોરિયન સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે Teslaએ એક્ઝિટ રેમ્પ પાસે પોતાની સ્પીડ ઓછી કરી હતી અને રસ્તાની કિનારી તરફ જવાનું શરૂ કર્યું હતું. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ Teslaની ડ્રાઇવર-અસિસ્ટન્સ સિસ્ટમની પ્રશંસા કરી. કેટલાક યુઝર્સે કહ્યું કે પાછળથી આટલી સ્પીડમાં આવતી કારને ઓળખીને તરત નિર્ણય લેવો સામાન્ય ડ્રાઇવર માટે પણ મુશ્કેલ બની શકે છે. એક યુઝરે તો આ ઘટનાને કારની જાહેરાતમાં બતાવવા લાયક ગણાવી હતી. જ્યારે અન્ય એક યુઝરે Teslaની સુરક્ષા ટેક્નોલોજીના વખાણ કર્યા હતા.

લોકોએ શેર કર્યો અનુભવ

આ ચર્ચા દરમિયાન એક વ્યક્તિએ પોતાનો અનુભવ પણ જણાવ્યો હતો. તેણે કહ્યું કે પોર્ટલેન્ડના હાઇવે પર તેની સાથે પણ આવી જ ઘટના બની હતી. તેની કાર અચાનક રસ્તાની વચ્ચેથી ખસીને કિનારી તરફ જવા લાગી હતી. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ સેલ્ફ-ડ્રાઇવિંગ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાઈ છે. પરંતુ બાદમાં તેને સમજાયું કે પાછળથી આવતું વાહન જોખમ ઊભું કરી શકે તેમ હતું. હાલમાં વાયરલ વીડિયોને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. જોકે, Teslaની AIએ ખરેખર પાછળથી આવતું જોખમ ઓળખીને નિર્ણય લીધો હતો કે કારની હિલચાલ પાછળ બીજું કોઈ કારણ હતું, તેની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.

જુઓ Video

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા X (ટ્વિટર) પર @RepubliKate દ્વારા શેર કરવામાં આવેલી છે. TV9 ગુજરાતી આ વિડીયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો, Trending Video : ટળ્યો મોટો અકસ્માત! લેન્ડિંગ વખતે રનવે સાથે બે વખત અથડાઈ વિમાનની પૂંછડી, ચોંકાવનારો વીડિયો વાયરલ

Follow Us
Loading...
Unable to load recommendations.