વિદેશી ધરતી પર રાજકોટના આ યુવાને વગાડ્યો ડંકો, વેસ્ટર્ન ઓસ્ટ્રલિયામાં ચૂંટણી જીતીને બન્યા કોર્પોરેટર
વિદેશની ધરતી જીત મેળવીને આ ગુજરાતી યુવાને ડંકો વગાડ્યો છે ત્યારે રાજકોટમાં રહેતા તેમના પરીવારજનો પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાની કોર્પોરેટરની ચૂંટણીમાં (election of Australian Council) ગુજરાતીએ પોતાનો ડંકો વગાડ્યો છે. મૂળ રાજકોટના (Rajkot) અને છેલ્લા 14 વર્ષથી ઓસ્ટ્રેલિયા (Australia) રહેતા કેયૂર કામદારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં (Western Australia) યોજાયેલી ચૂંટણીમાં છેલ્લી 6 ટર્મથી સતત ચૂંટાતા ઉમેદવારને હરાવીને પ્રથમ ગુજરાતી કોર્પોરેટર બન્યા છે.
કેયુર કામદાર (Keyur Kamdar) વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયામાં પર્થના રેઈન ફોર્ડ વોર્ડના કોર્પોરેટર તરીકે પાંચ વર્ષની ટર્મ માટે ચૂંટાયા છે. છેલ્લી 6 ટર્મથી જીતતા આવતા અને ડેપ્યુટી મેયરના પદ સુધી પહોંચી ચૂકેલા હરીફ ઉમેદવારને હરાવીને કેયુરભાઈએ આ ગૌરવ હાંસલ કર્યું છે. ઓસ્ટ્રેલિયાની આ ચૂંટણીમાં હાઉસ ટેક્સ, બાળકો માટેના પ્લે એરિયા વગેરે મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. કેયુરભાઈને 61 ટકા વોટ મળ્યા હતા જ્યારે તેમના હરીફને 39 ટકા મળ્યા હતા.
વિદેશની ધરતી પર ડંકો વગાડનાર આ યુવાનના પરીવારની આ છે લાગણી
વિદેશની પર ધરતી જીત મેળવીને આ ગુજરાતી યુવાને ડંકો વગાડ્યો છે ત્યારે રાજકોટમાં રહેતા તેમના ભાઈ હેમલ કામદાર સાથે ટીવી 9ની એક્સક્લુઝીવ વાત થઈ હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, તેઓ કેયુર ભાઈની આ સિદ્ધીથી ખૂબ આનંદીત છે. ખાસ કરીને તેમના માતા જ્યોત્સના બેન ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે. પરીવારમાં પણ હર્ષોલ્લાસનો માહોલ છે. પરીવારની લાગણી છે કે, કેયુરભાઈ આગળ જતાં દેશની સાથે સાથે પરીવારનું નામ વધારે રોશન કરશે. છેલ્લા 14 વર્ષથી ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થયેલા અને બેન્કીંગ સેક્ટર સાથે સંકળાયેલા કેયુરભાઈ ઘણા પ્રાથમિક મુદ્દાઓને લઈને ચુંટણી લડ્યા હતા અને આ જીત મેળવી હતી. ઓસ્ટ્રેલીયામાં રહેતા કેયુરભાઈએ ખૂબ ટૂકાંગાળામાં આ સિદ્ધી પ્રાપ્ત કરી છે.
ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે યોજાય છે ચુંટણી
ભારત (India) અને ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં (Election) સામાન્ય રીતે થોડો ફર્ક જોવા મળે છે. ત્યાંની આ ચૂંટણી બેલેટ પેપર (Ballot paper) દ્વારા યોજાય છે. જેમાં લોકોને તેમના ઘરે આ બેલેટ પહોચાડવામાં આવે છે અને 15 દિવસની અંદર લોકોએ તેમની અનુકૂળતા મુજબ પોસ્ટ દ્વારા મોકલવાના હોય છે. તેમ છતાં કોઈ કારણોસર બેલેટ પેપર મળી ન શક્યા હોય અથવા તો પોસ્ટમાં મોકલી ન શક્યા હોય તો તેઓએ ફાઇનલ દિવસે બુથ પર જઈને મતદાન કરી શકે છે.