તુર્કીની રાજધાની અંકારામાં ‘મુંબઈ 26/11’ જેવો આતંકી હુમલો ! 10ના મોત, ઘણાને બંધક બનાવ્યા
તુર્કીના અંકારામાં ઉડ્ડયન કંપની ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (TUSAS) ના મુખ્યાલયની બહાર બુધવારે એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ પછી પણ ત્યાં હાજર બે આતંકીઓએ આડેધડ ગોળીબાર કરીને કેટલાકને મોતને ઘાટ ઉતાર્યા છે. આ આતંકવાદીમાં એક મહિલા હોવાનું સામે આવ્યું છે.
તુર્કીની રાજધાની અંકારામાં ઉડ્ડયન કંપની ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (TUSAS)ના મુખ્યાલયની બહાર મોટો આતંકવાદી હુમલો થયો છે. આ પછી પણ ત્યાં હાજર બે આતંકીઓ સતત હુમલા કરી રહ્યા છે. આતંકવાદીઓએ ઘણા લોકોને બંધક પણ બનાવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
બનાવની પ્રાથમિક તપાસમાં આ હુમલાને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ ગણાવવામાં આવી રહ્યો છે. તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તુર્કીના ગૃહ પ્રધાન અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે લખ્યું, “તુર્કી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. દુર્ભાગ્યવશ, અમારા સૈનિકો શહીદ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
અનેક લોકોને બંધક બનાવ્યા
તુર્કીના અંકારામાં TUSAS એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના હેડક્વાર્ટર પર હુમલા બાદ હુમલાખોરો કંપનીમાં ઘૂસી ગયા હતા અને હેડક્વાર્ટરમાં ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. આ બંધકોને સુરક્ષિત મુક્ત કરવાની સાથે સુરક્ષા દળોએ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કરી દીધું છે.
હુમલા સમયે પરિસરમાં હાજર કર્મચારીઓને તાત્કાલિક સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જો કે, હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, જ્યારે તુર્કીના અધિકારીઓએ સ્પષ્ટપણે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
Türk Havacılık ve Uzay Sanayii AŞ. (TUSAŞ) Ankara Kahramankazan tesislerine yönelik terör saldırısı gerçekleştirilmiştir.
Saldırı sonrası maalesef şehit ve yaralılarımız bulunmaktadır.
Şehitlerimize Allah’tan rahmet; yaralılarımıza acil şifalar diliyorum.
Gelişmelerden kamuoyu…
— Ali Yerlikaya (@AliYerlikaya) October 23, 2024
બે આતંકવાદીઓને ઠાર કર્યા
તુર્કીના વિશેષ દળોએ હુમલા દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે, બંધકોને પકડનાર આતંકીઓમાંથી એક હજુ જીવિત છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બંધકોને છોડાવવા માટે વિશેષ ઓપરેશન ચાલી રહ્યું છે.
TUSAS શું છે?
TUSAS (Turkish Aerospace Industries) એ ટર્કિશ સંરક્ષણ અને ઉડ્ડયન કંપની છે. હાઈ-ટેકની સાથે તે દેશના એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં મોટો ફાળો આપે છે. આ કંપનીએ તુર્કીનું પ્રથમ રાષ્ટ્રીય ફાઇટર એરક્રાફ્ટ KAAN બનાવ્યું છે. TUSAS માત્ર Türkiye ની લશ્કરી જરૂરિયાતોને પૂર્ણ કરે છે, પરંતુ વૈશ્વિક સ્તરે ઉડ્ડયન અને સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ પણ કરે છે. તેની કુશળતામાં ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર અને યુએવી (ડ્રોન)ના ઉત્પાદનનો સમાવેશ થાય છે.