
વિશ્વમાં શસ્ત્ર નિરીક્ષક તરીકે જેની ગણના થાય છે તે, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સંતુલન અને લશ્કરી તાકાત અંગેના એક અહેવાલ પ્રગટ કર્યો છે. આ અહેવાલને પગલે સમગ્ર પાકિસ્તાનમાં ચિંતા ફેલાઈ ગઈ છે. SIPRIના અહેવાલ મુજબ, ભારતે તેની સ્થાપનાકાળથી આજ દિવસ સુધીના ઇતિહાસમાં પહેલીવાર, પરમાણુ શસ્ત્રોનો સંગ્રહ કરવાથી આગળ વધીને તેને સીધા ઓપરેશનલ મોડમાં તહેનાત કર્યા છે. એટલે કે યુદ્ધના સંજોગોમાં માત્ર ગણતરીની મીનિટોમાં જ અણુશસ્ત્રનો ઉપયોગ કરી શકાય.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આ ચોંકવનારા રીપોર્ટ પછી તરત જ, પાકિસ્તાન સરકાર અને તેના વિદેશ મંત્રાલયે ઊંડા ભયથી પિડાઈ રહ્યું હોય તેવુ નિવેદન બહાર પાડ્યું છે. ઇસ્લામાબાદે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે ભારતની પરમાણુ ક્ષમતા આંતરરાષ્ટ્રીય અંદાજો કરતાં ઘણી મોટી અને વધુ ઘાતક હોઈ શકે છે. જે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે.
ભારતની વધતી જતી લશ્કરી અને પરમાણુ શક્તિથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે, પાકિસ્તાને વિશ્વના શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રોને ભારત વિરુદ્ધ અપીલ કરવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને અને તેમાય ખાસ કરીને ભારતને અદ્યતન સંરક્ષણ તકનીકો અને આધુનિક શસ્ત્રો પૂરા પાડતા દેશોને, આવી સપ્લાય તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી છે.
ઇસ્લામાબાદે દાવો કર્યો છે કે, ભારતની લશ્કરી તાકાતનું આધુનિકીકરણ દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સ્થિરતા અને પ્રાદેશિક સુરક્ષાના સંતુલનને સંપૂર્ણપણે વિક્ષેપિત કરશે. જો કે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે, પાકિસ્તાનનુ આ નિવેદન તેની પોતાની આંતરિક આર્થિક અને રાજકીય નબળાઈઓ તેમજ સંરક્ષણ ખર્ચમાં ભારતથી સતત પાછળ રહેવા અંગેની તેની હતાશાને પ્રતિબિંબિત કરે છે. ભારતે તેના અણુશસ્ત્રો અંગે “નો ફર્સ્ટ યુઝ” નીતિનું સતત પાલન કરતી વખતે તેની સાર્વભૌમત્વને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યુ છે.
Weekly Press Briefing by the Spokesperson @TahirAndrabi
On SIPRI’s Report regarding Deployment & Development of Nuclear Warheads by India. pic.twitter.com/QCSDgL062K
— Ministry of Foreign Affairs – Pakistan (@ForeignOfficePk) June 11, 2026
SIPRI અનુસાર, ભારત પાસે હાલમાં આશરે 190 પરમાણુ શસ્ત્રો છે. જો કે, અહેવાલનું સૌથી મહત્વપૂર્ણ અને નોંધપાત્ર પાસું એ છે કે આ 190 શસ્ત્રોમાંથી 12 પરમાણુ શસ્ત્રને યુદ્ધની સ્થિતિમાં માત્ર ગણતરીની મીનિટોમાં જ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારે તહેનાત કર્યાં છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ વૈશ્વિક સંરક્ષણ એજન્સીએ ભારતના પરમાણુ શસ્ત્રાગારના એક ભાગને માત્ર ભંડાર તરીકે જ નહીં, પરંતુ સંપૂર્ણપણે સક્રિય લશ્કરી તહેનાત તરીકે વર્ગીકૃત કર્યો છે. અગાઉ, ભારતના તમામ પરમાણુ શસ્ત્રો કેન્દ્રીય નિયંત્રણ હેઠળ સુરક્ષિત સંગ્રહમાં રાખવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્વીકાર્યું છે કે તે નવી દિલ્હીની ઝડપથી વિસ્તરતી વ્યૂહાત્મક ક્ષમતાઓ અને વિકસિત થતી પરમાણુ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. પાકિસ્તાને ભારતની મિસાઇલ સિસ્ટમ્સના કેનિસ્ટરાઇઝેશન અંગે ખાસ ચિંતા વ્યક્ત કરી છે.
કેનિસ્ટરાઇઝેશન એ એક અત્યાધુનિક ટેકનોલોજી છે, જેમાં પરમાણુ હથિયાર મિસાઇલની અંદર સીલબંધ, સુરક્ષિત કન્ટેનરમાં પહેલાથી ફીટ કરવામાં આવે છે. આ માત્ર મિસાઇલને પર્યાવરણીય જોખમોથી બચાવે છે પણ તેને યુદ્ધની સ્થિતિમાં ખૂબ જ ઝડપથી લોન્ચ કરવામાં પણ સક્ષમ બનાવે છે.
પાકિસ્તાને ભારતના સમુદ્ર-આધારિત પરમાણુ પ્રતિરોધક, પરમાણુ સક્ષમ સબમરીન દ્વારા લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) સિસ્ટમ્સના વિકાસને તેની સુરક્ષા માટે મુખ્ય ખતરા તરીકે ઓળખી કાઢ્યું છે. આ અહેવાલ પછી, પાકિસ્તાને સ્વીકાર્યું છે કે, ભારતની જમીન, હવા અને દરિયાઈ મોરચા પર પરમાણુ હુમલા કરવાની ક્ષમતા હવે સંપૂર્ણપણે પરિપક્વ થઈ ગઈ છે અને સુરક્ષિત બની ગઈ છે.
છેલ્લા બે વર્ષમાં દક્ષિણ એશિયાના પરમાણુ ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફારો થયા છે. SIPRI ના ડેટા અનુસાર, ચીન તેના પરમાણુ શસ્ત્રાગારનો સતત વિસ્તાર કરી રહ્યું છે, જે હવે વધીને 620 સુધી યુદ્ધના સમયમાં ઉપયોગમા લઈ શકાય તેવી સ્થિતીમાં છે. જો કે ભારતે પણ પાછલા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ભારત પાસે હવે 190 પરમાણુ શસ્ત્રો છે, જેમાંથી 12 યુદ્ધના સમયમાં ઉપયોગમા લઈ શકાય તેવી કાર્યરત સ્થિતિમાં તહેનાત છે.
તેનાથી વિપરીત, પાકિસ્તાને તેનો અણુ શસ્ત્રોનો ભંડાર વધાર્યો નથી. તે ગયા વર્ષે જે 170 પરમાણુ શસ્ત્રો હતા તેના તે જ જાળવી રાખ્યા છે. બે વર્ષ પહેલાં સુધી, પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ પરમાણુ શસ્ત્ર ભંડાર હતો. જોકે, ભારતે તાજેતરમાં તેની વ્યૂહાત્મક ક્ષમતાઓ ઝડપથી વિકસાવી છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, ભારત પાસે હવે જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ શસ્ત્રો છોડવાની ચોક્કસ ક્ષમતા છે. આ એક એવી ક્ષમતા છે જે પાકિસ્તાન પાસે સંપૂર્ણપણે નથી.