Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના ચેર્નોબિલથી ભાગી ગઈ છે. યુક્રેનની રાજધાની કિવમાં અધિકારીઓએ આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાના સૈનિકોએ મંગળવારે યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટને (Chernobyl nuclear power plant) ઘણા દિવસો સુધી કબજે કર્યા બાદ છોડી દીધું હતું. ચેર્નોબિલ એક્સક્લુઝન ઝોનના ઇન્ચાર્જ વ્યક્તિએ ફેસબુક પર કહ્યું, “ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વિસ્તારમાં હવે કોઈ બહારના લોકો નથી.”
તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ સ્થિત ન્યુક્લિયર પાવર પ્લાન્ટને એક મહિનાથી વધુ સમય સુધી પોતાના કબજામાં રાખ્યો હતો. સાથે જ યુક્રેનની સેનાએ રશિયાના કબજામાંથી ઘણા વિસ્તારોને મુક્ત કરાવ્યા છે. માહિતી અનુસાર, મોસ્કોએ કિવ નજીકથી 700 સૈન્ય વાહનો હટાવ્યા છે. એકંદરે, એવું કહી શકાય કે યુક્રેન પણ રશિયા પર ભારે પડી રહ્યું છે. યુક્રેનની સેનાએ પણ ચેર્નિહિવમાં આગળ વધ્યું છે.
અગાઉ એવા સમાચાર હતા કે રશિયા ઉત્તર યુક્રેનના કિવમાં સૈન્ય કાર્યવાહીમાં ઘટાડો કરશે. રશિયાના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર એલેક્ઝાન્ડર ફોમિને મંગળવારે કહ્યું હતું કે રશિયન દળો કિવ અને ચેર્નિહિવની દિશામાં સૈન્ય ગતિવિધિઓમાં ઘટાડો કરશે. 24 ફેબ્રુઆરીના યુક્રેન પર રશિયાના હુમલા પછી પહેલીવાર એવું બન્યું છે કે રશિયાએ થોડીક હળવાશ દાખવી હોય.