રશિયાએ (Russia) મંગળવારે જાહેરાત કરી હતી કે તે યુક્રેનની રાજધાની કિવ અને ચેર્નિહાઈવ તરફ તેની સૈન્ય ગતિવિધિઓ ઘટાડશે. તે જ સમયે બે વરિષ્ઠ અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકાએ કિવમાં રશિયન સૈનિકોને પીછેહઠ કરતા જોયા છે. આને મોટા વ્યૂહાત્મક પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. રશિયાએ કેટલાક દળો પાછા ખેંચવાનું શરૂ કર્યું છે. આમાં રશિયન બટાલિયન સ્ટ્રેટેજિક ગ્રુપ (BTG)નો સમાવેશ થાય છે, જે યુક્રેનિયન રાજધાનીની આસપાસના વિસ્તારોમાંથી પીછેહઠ કરી રહ્યું છે.
રશિયન સેના હવે દક્ષિણ અને પૂર્વમાં આગળ વધવા માટે ઉત્તરના કેટલાક વિસ્તારોમાં પીછેહઠ કરી રહી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે યુએસ માને છે કે રશિયા કિવમાંથી તેની પીછેહઠ દરમિયાન હવાઈ હુમલા અને ગોળીબાર કરશે, જેથી પોતાને સુરક્ષિત કરી શકે. અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો યુદ્ધની સ્થિતિ અનુમતી બદલે છે તો રશિયા વળતો પ્રહાર કરી શકે છે. રશિયા તરફથી આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે. જ્યારે મંગળવારે તુર્કીના ઈસ્તાંબુલમાં રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિમંડળ વચ્ચે શાંતિ મંત્રણા થઈ હતી. આ વાતચીત બાદ યુક્રેનિયન ડેલિગેશનમાં સામેલ અધિકારીએ કહ્યું કે આગામી દિવસોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઈ શકે છે.
યુ.એસ. યુરોપિયન સાથીઓને એક કરવા અંગે ચિંતિત
અમેરિકાની નજરમાં રશિયાના આ પગલાને થોડા સમય માટે સૈન્યને ફરીથી ગોઠવવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે રશિયા હવે યુક્રેનના વિવિધ ભાગો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. અધિકારીએ કહ્યું કે અમેરિકા એક બાબતને લઈને ખૂબ જ ચિંતિત જણાય છે અને તે એ છે કે રશિયા પર આર્થિક દબાણ જાળવી રાખવા માટે તેણે કોઈપણ કિંમતે તેના તમામ યુરોપિયન સહયોગીઓને સાથે રાખવા પડશે. યુ.એસ. માને છે કે કેટલાક સહયોગીઓ યુક્રેન પર યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ કરાર સ્વીકારવા દબાણ કરશે.
પુતિન યુક્રેનને બે ભાગમાં વહેંચવા માંગે છે
યુક્રેનના મિલિટરી ઈન્ટેલિજન્સ ચીફનું કહેવું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનને ઉત્તર અને દક્ષિણ કોરિયાની જેમ બે ભાગોમાં વહેંચવાનું વિચારી રહ્યા છે. યુક્રેનની ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના વડા બ્રિગેડિયર જનરલ કિરિલો બુડાનોવે જણાવ્યું હતું કે કિવની આસપાસ રશિયાની સૈન્ય કાર્યવાહી નિષ્ફળ ગઈ છે. આવી સ્થિતિમાં રશિયન સેના હવે જાણે છે કે યુક્રેનની સરકારને ઉથલાવી દેવું અશક્ય છે. આ જ કારણ છે કે પુતિનની સેના યુક્રેનના પૂર્વ અને દક્ષિણ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.