
રશિયાએ અમેરિકાને પરમાણુ પરીક્ષણ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન પર સ્પષ્ટતા કરવા વિનંતી કરી છે. રશિયાએ જણાવ્યું હતું કે આ દિશામાં જો અમેરિકા કોઈ કાર્યવાહી કરે છે તો રશિયા સહિત અન્ય દેશો તરફથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ જશે.
ગત સપ્તાહે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સૈન્યને તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, તેમણે સ્પષ્ટતા કરી ન હતી કે તેમનો મતલબ પરમાણુ-સક્ષમ મિસાઇલોના ફ્લાઇટ પરીક્ષણો છે કે પરમાણુ વિસ્ફોટકો સાથે સંકળાયેલા પરીક્ષણો, કારણ કે અમેરિકા કે રશિયાએ ત્રણ દાયકાથી વધુ સમયથી આવા પરીક્ષણો કર્યા નથી.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ પત્રકારોને જણાવ્યું હતું કે જો ટ્રમ્પનો મતલબ પરમાણુ વિસ્ફોટકો સાથે સંકળાયેલા પરીક્ષણો છે, તો તે ખૂબ જ નકારાત્મક પરિસ્થિતિનું નિર્માણ કરશે. જવાબમાં, રશિયા સહિત અન્ય દેશો પગલાં લેશે.
અમેરિકી યોજનાઓમાં આ વિશે કોઈ સ્પષ્ટતા ન કરાઈ હોવાનો હવાલો દેતા, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે ટોચના અધિકારીઓને સંભવિત યુએસ પરીક્ષણના જવાબમાં રશિયાના સંભવિત પરમાણુ પરીક્ષણો માટે દરખાસ્તો તૈયાર કરવા સૂચના આપી હતી.
સુરક્ષા વિશ્લેષકો કહે છે કે કોઈપણ પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ દ્વારા પરીક્ષણ ફરી શરૂ કરવું એ વર્તમાન ભૂ-રાજકીય તણાવ, ખાસ કરીને યુક્રેન યુદ્ધના સમયે ખૂબ જ અસ્થિર પગલું હશે અને તેનાથી અન્ય દેશો પણ તેનું અનુકરણ કરી શકે છે.
રશિયા અને અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે. બંને વચ્ચેની છેલ્લી સંધિ, જે વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોની સંખ્યાને મર્યાદિત કરે છે, તે આગામી ત્રણ મહિનામાં સમાપ્ત થવાની તૈયારીમાં છે, જે પહેલાથી જ ચાલી રહેલી શસ્ત્ર સ્પર્ધાને વધુ તીવ્ર બનાવી શકે છે.
પુતિને પ્રસ્તાવ મૂક્યો છે કે બંને દેશો બીજા એક વર્ષ માટે સંધિની મર્યાદાઓનું પાલન કરવાનું ચાલુ રાખે, પરંતુ ટ્રમ્પે હજુ સુધી આ પ્રસ્તાવનો ઔપચારિક રીતે જવાબ આપ્યો નથી.