Pakistan: ગ્વાદરમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા બોંબ ઘડાકો કરીને તોડી પડાઈ, બલોચ લિબરેશન ફ્રન્ટે હુમલાની લીધી જવાબદારી
વિસ્ફોટકો લગાવીને જેમણે મોહમ્મદ અલી જિન્નાની પ્રતિમાને તોડી નાખી હતી તેઓ પ્રવાસીઓ તરીકે આ વિસ્તારમાં પ્રવેશ્યા હતા.
પાકિસ્તાન (Pakistan) ના ગ્વાદરમાં (Gwadar) મોહમ્મદ અલી ઝીણાની (Mohammed Ali Jinnah) પ્રતિમા રવિવારે બોમ્બ ધડાકો કરીને તોડી નાખવામાં આવી હતી. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ લિબરેશન ફ્રન્ટે (Baloch Liberation Front), આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શહેર પાકિસ્તાન તેમજ ચીન માટે મહત્વનું છે. જીન્નાની પ્રતિમા આ વર્ષની શરૂઆતમાં મરીન ડ્રાઈવ પર સ્થાપિત કરવામાં આવી હતી, જે સલામત ઝોન માનવામાં આવે છે.
પાકિસ્તાનના અગ્રગણ્ય અખબારે સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાની નીચે વિસ્ફોટક ઉપકરણ મૂકીને ઉડાવી દેવામાં આવી હતી.
સમાચાર અનુસાર, વિસ્ફોટમાં પ્રતિમા સંપૂર્ણપણે નાશ પામી હતી. આંતરરાષ્ટ્રીયસ્તરના રેડિયો સમાચાર પ્રસારીત કરતી સંસ્થાના ઉર્દૂમાં પ્રસારીત થયેલા સમાચાર અનુસાર, પ્રતિબંધિત સંગઠન બલોચ રિપબ્લિકન આર્મીના પ્રવક્તા બબગર બલોચે ટ્વિટર પર વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. આંતરરાષ્ટ્રીયસ્તરના રેડિયો સમાચાર સંસ્થાએ તેના ઉર્દૂ સમાચારમાં , ગ્વાદરના ડેપ્યુટી કમિશનર મેજર (નિવૃત્ત) અબ્દુલ કબીર ખાનને ટાંકીને કહ્યું કે આ મામલાની ઉચ્ચસ્તરે તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે વિસ્ફોટકો લગાવીને જેમણે મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને તોડી નાખી હતી તેઓ પ્રવાસીઓ તરીકે આ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. તેમના કહેવા મુજબ, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તપાસ એક -બે દિવસમાં પૂરી થઈ જશે. તેમણે કહ્યું કે, અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ગુનેગારોને પકડી લેવામાં આવશે.
મોહમ્મદ અલી ઝીણા (Mohammed Ali Jinnah) 1913 થી 14 ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાનની સ્થાપના સુધી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના (All India Muslim League) નેતા હતા. આ પછી, 1948 માં તેમના મૃત્યુ સુધી તેઓ પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ (Governor General) હતા.