
પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવ વચ્ચે, પાકિસ્તાન અંગે ઘણી મહત્વપૂર્ણ વિગતો બહાર આવી છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે, તાજેતરમાં સાઉદી સંરક્ષણ પ્રધાન ખાલિદ બિન સલમાનને ખાતરી આપી છે કે, જો ઈરાન હવે પછી સાઉદી અરેબિયા પર હુમલો કરશે, તો પાકિસ્તાન ઈરાનને નિશાન બનાવશે. પાકિસ્તાનના આંતરિક સૂત્રો સૂચવે છે કે, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ સહયોગ સક્રિય થયો છે. સૂત્રો એ પણ સૂચવે છે કે સાઉદી અરેબિયામાં પહેલાથી જ તહેનાત પાકિસ્તાન આર્મી બ્રિગેડ સક્રિય થઈ ગઈ છે.
અહેવાલો એ પણ સૂચવે છે કે, પાકિસ્તાન વાયુસેનાએ ઈરાનમાં સંભવિત લક્ષ્યો પર યુદ્ધ-અભ્યાસ પહેલેથી જ ચલાવ્યો છે. અગાઉ, જાન્યુઆરી 2024 માં, પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન ક્ષેત્રમાં હુમલા કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 જાન્યુઆરી, 2026 થી 8 માર્ચ, 2026 દરમિયાન પાકિસ્તાનના લશ્કર અને સુરક્ષા દળોમાં આશરે 390 લોકો માર્યા ગયા છે, જેમાં બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને અફઘાન તાલિબાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં માર્યા ગયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. નાગરિકોના મૃત્યુની સંખ્યા 250 થી વધુ હોઈ શકે છે.
પાકિસ્તાનમાં ઈંધણ અને ઉર્જા સંકટ પણ વધુ ઘેરુ બનતુ દેખાય છે. પાકિસ્તાનના તેલ ભંડાર લગભગ 20 દિવસ કે તેથી ઓછા સમય સુધી ચાલે એટલા જ બચ્યા છે. ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને પેટ્રોલ પંપ પર અથડામણ અને મારામારીમાં મૃત્યુ થયા હોવાના અહેવાલો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના લશ્કરી મુખ્યાલયે શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદનમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. ભારે ઉદ્યોગો તક્ષશિલા અને પાકિસ્તાન ઓર્ડીનન્સ ફેક્ટરીઓને ચોવીસ કલાક કાર્યરત રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર તાજેતરમાં આશરે 21 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયો છે. જો પાકિસ્તાન આ પ્રાદેશિક સંઘર્ષમાં સીધુ ઝંપલાવે છે, તો તેની આંતરિક પરિસ્થિતિ વધુ અસ્થિર બની શકે છે.
ગયા વર્ષે ભારતે ઓપરેશન સિંદૂર અતંર્ગત કરેલા હવાઈ હુમલાઓ બાદ, પાકિસ્તાન અને સયુક્ત આરબ અમિરાતે ગત સપ્ટેમ્બર મહિનામાં એક કરાર કર્યો છે. આ કરાર અંગેના સંયુક્ત નિવેદન મુજબ, બંને દેશો વચ્ચેની ઐતિહાસિક ભાગીદારી, તેમના સહિયારા વ્યૂહાત્મક હિતો અને ગાઢ સંરક્ષણ સહયોગ પર આધારિત છે. કરારમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, કોઈપણ એક દેશ પર કરાયેલ સશસ્ત્ર હુમલો બીજા દેશ પરનો હુમલો માનવામાં આવશે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાએ લાંબા સમયથી પાકિસ્તાન સાથે મજબૂત આર્થિક, ધાર્મિક અને સુરક્ષા સંબંધો જાળવી રાખ્યા છે. જેમાં ઇસ્લામાબાદના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમના વિકાસ માટે ભંડોળ પૂરું પાડવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે.