ભારત-અમેરિકાના આતંકવાદ વિરૂદ્ધ સંયુક્ત નિવેદનને લઈને પાકિસ્તાન ગુસ્સે, અમેરિકી દુતાવાસને સમન્સ ઈસ્યુ કર્યું
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ 22 જૂને બંને દેશ દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.

International News: વડાપ્રધાન મોદી (PM Modi) તાજેત્તરમાં જ અમેરિકાના (America) પ્રવાસથી પરત ફર્યા છે. ત્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઈડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આતંકવાદને લઈને 22 જૂને આપવામાં આવેલા સંયુક્ત નિવેદનને લઈને પાડોશી દેશ પાકિસ્તાન ગુસ્સે ભરાયુ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ નિવેદનો પર ચિંતા વ્યક્ત કરવા માટે અમેરિકી દૂતાવાસ મિશનના ડેપ્યુટી ચીફને સમન્સ ઈસ્યુ કર્યું છે.
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ 22 જૂને બંને દેશ દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ નિવેદનમાં પાકિસ્તાનને કડક સૂચના આપવામાં આવી હતી કે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદી હુમલાના અડ્ડા તરીકે ન થાય. આ નિવેદન બાદથી પાકિસ્તાન ગુસ્સે ભરાયુ છે.
સંયુક્ત નિવેદનમાં પીએમએ કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ખૂબ જ જરૂરી છે. પાકિસ્તાનને આતંકવાદ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી હતી. પીએમએ આતંકવાદને સમગ્ર વિશ્વ માટે ખતરો ગણાવીને આતંકવાદને માનવતાનું દુશ્મન ગણાવ્યુ હતુ. વડાપ્રધાને કહ્યું હતું કે તેની સામે ઝડપી કડક કાર્યવાહીની જરૂર છે.
આતંકવાદ મુદ્દે ભારતની સાથે અમેરિકા
બીજી તરફ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાતનો પુનરોચ્ચાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન કર્યો હતો. ત્યારે પાકિસ્તાને તેને એકતરફી અને અયોગ્ય ગણાવીને નકારી કાઢ્યું હતું.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે, આતંકવાદ પર ભારત અને અમેરિકાનું સંયુક્ત નિવેદન રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ છે અને તેમાં ક્યાંક ને ક્યાંક રાજકીય હિત સામેલ છે. અમે તેને એકતરફી અને અયોગ્ય ગણીએ છીએ.
પાકિસ્તાને માત્ર અમેરિકાને જ જવાબદાર કહ્યું
આંતરરાષ્ટ્રીય સમુદાયને ટાંકીને પાકિસ્તાને કહ્યું હતું કે તેણે આતંકવાદ વિરુદ્ધ થઈ રહેલા પ્રયાસોને પણ વારંવાર માન્યતા આપી છે. બીજી તરફ પાકિસ્તાનના રક્ષા મંત્રીએ આતંકવાદ માટે અમેરિકાને જ જવાબદાર ગણાવ્યું હતું. રક્ષા મંત્રીએ કહ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનમાં એટલા માટે ઘૂસ્યા કારણ કે તેમણે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાને સાથ આપ્યો હતો.
સોમવારે ફરી એકવાર અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે પાકિસ્તાનને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા વિવિધ આતંકવાદી સંગઠનોને કાયમી ધોરણે ખતમ કરવા માટે પગલાં ભરવાનું આહ્વાન કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો